Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જર્મનીમાં અરિહા શાહનું જૈન ફૅમિલી સાથે મિલન ક્યારે?

જર્મનીમાં અરિહા શાહનું જૈન ફૅમિલી સાથે મિલન ક્યારે?

19 August, 2022 09:15 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

જર્મનીમાં પરિવાર પાસેથી છીનવી લેવાયેલી જૈન બાળકીને બચાવવાની ઝુંબેશમાં હવે જૈન સાધુઓ પણ સામેલ : અરિહાને જર્મનીના ફોસ્ટર કૅરમાંથી મુક્ત કરાવીને ભારત સરકાર ભારતના કોઈ જૈન પરિવારને સોંપીને તેનામાં જૈન સંસ્કારનું સિંચન કરાવે એવી તેનાં માતા-પિતાની અપીલ

અરિહા શાહ માતા-પિતા સાથે

અરિહા શાહ માતા-પિતા સાથે


ભારતીય મૂળની જૈન બાળકી અરિહા શાહને જર્મન સરકાર ફોસ્ટર કૅરમાંથી મુક્ત કરીને તેનાં માતા-પિતાને વહેલી તકે સોંપી દે એ માગણીએ જૈન સમાજમાં જોર પકડ્યું છે. આ મુદ્દે જૈન સમાજની સાથે જૈન સાધુઓ પણ હવે અરિહાને ભારતમાં પાછી લાવવા માટે સક્રિય બન્યા છે. જૈન અગ્રણીઓ અને જૈન સાધુઓએ આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, વિદેશપ્રધાન એસ. જયશંકર સહિતના સંબંધિત વિભાગોને વિનંતી કરી છે. અરિહાની દાદીની એક નાનકડી ભૂલને કારણે અરિહાને જર્મન સરકારે તેનાં માતા-પિતા પાસેથી છીનવીને જર્મન ચાઇલ્ડ સર્વિસ વિભાગને સોંપી દીધી છે. અરિહાને પાછી મેળવવા તેનાં યુવાન માતા-પિતા કાયદાકીય લડત લડી રહ્યાં છે. જોકે જર્મનીના કાયદા પ્રમાણે અરિહાને એક મહિના પછી જો જર્મન સિટિઝનશિપ મળી જાય તો તેનાં માતા-પિતા માટે વધુ ગૂંચવણ ઊભી થવાના સંજોગો નિર્માણ થવાની શક્યતાઓ હોવાથી અરિહાનાં માતા-પિતા ભારત સરકાર અને જૈન સમાજને રડતા હૃદયે આજીજી કરી રહ્યાં છે કે અરિહાને જર્મનીના ફોસ્ટર કૅરમાંથી મુક્ત કરાવી ભારત સરકાર તેને ભારતના કોઈ જૈન પરિવારને સોંપીને તેનામાં જૈન સંસ્કારનું સિંચન કરાવે. ચાર મહિનાની લાંબી દોડાદોડી પછી ગઈ કાલે અરિહાની માસી અને મામાને વિદેશપ્રધાન એસ. જયશંકર તરફથી અને પાલિતાણાના જૈન સંઘોને કેન્દ્રના આરોગ્યપ્રધાન અને ફૅમિલી વેલ્ફેર મિનિસ્ટર મનસુખ માંડવિયા તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેઓ વહેલી તકે અરિહાનું તેનાં માતા-પિતા સાથે મિલન કરાવી આપશે.

જૈન સાધુઓની સરકારને અપીલ
નવસારીમાં બિરાજમાન ભુવનભાનુસૂરિ સમુદાયના આચાર્ય મહોબોધિસૂરીશ્વરજી મહારાજસાહેબે બે દિવસ પહેલાં જ તેમના પ્રવચન દરમિયાન જૈન સમાજને અપીલ કરી હતી કે જૈન સમાજના જે કોઈ અગ્રણીઓ કે શ્રાવકો કેન્દ્ર સરકારમાં વગ ધરાવતા હોય તેઓ તેમની વગનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારને આ મામલામાં દરમિયાનગીરી કરવા વિનંતી કરે કે આપણા જૈન સમાજની દોઢ વર્ષની અરિહાને જર્મન સરકાર તેનાં માતા-પિતાને જલદીથી સોંપી દે.



ગોંડલ સંપ્રદાયના રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને જે દિવસથી અરિહાના પરિવારજનો તરફથી અરિહા સાથે જર્મન સરકાર જે અન્યાય કરી રહી છે એની જાણકારી મળી છે ત્યારથી મારી ટીમ કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય સહિત સર્વે સંબંધિત વિભાગો સાથે અરિહા વહેલી તકે તેનાં માતા-પિતાને મળે એ માટે સક્રિય બની ગઈ છે.’


હું આ કેસની શરૂઆતથી જ કેન્દ્ર સરકારના સંપર્કમાં છું એવી માહિતી આપતાં ક્રાંતિકારી જૈનાચાર્ય વિમલસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વાતની મેં ગંભીરતાથી નોંધ લીધી છે અને નાની જૈન બાલિકાને વહેલી તકે ન્યાય મળે એ માટે હું ફરીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાત કરીશ.’

આ કેસની પૂર્વભૂમિકા
ભાઈંદરમાં રહેતાં ભાવેશ શાહ અને ધારા શાહ ૨૦૧૯માં નોકરી કરવા માટે જર્મનીના બર્લિન શહેરમાં શિફ્ટ થયાં હતાં. ત્યાં ફેબ્રુઆરી ૨૦૨૧માં અરિહાનો જન્મ થયો હતો. સપ્ટેમ્બર ૨૦૨૧માં અરિહાને પ્રથમ વાર ભારતથી જર્મન જોવા ગયેલાં તેનાં નાની અરિહાનું ડાયપર ચેન્જ કરી રહ્યાં હતાં ત્યારે તેમનાથી અજાણતાં જ અરિહાના પ્રાઇવેટ પાર્ટ પર ઈજા થઈ હતી. અરિહાને તરત જ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરે તેની સારવાર કરીને ડિસ્ચાર્જ આપી દીધો હતો. થોડા દિવસ પછી અરિહાને ફરીથી ડૉક્ટરને બતાવવા ભાવેશ અને ધારા હૉસ્પિટલમાં ગયાં ત્યારે તેમને જબરદસ્ત ચોંકાવનારો અનુભવ થયો હતો. જર્મનીના ડૉક્ટરોએ અરિહાને થયેલી ઈજાને જાતીય શોષણનું સ્વરૂપ આપી તેનાં માતા-પિતા પર જાતીય શોષણના આક્ષેપો કરીને આ બાબતની ફરિયાદ જર્મન ચાઇલ્ડ સર્વિસને કરી દીધી હતી. એને પરિણામે જર્મન ચાઇલ્ડ સર્વિસે હૉસ્પિટલમાંથી ભાવેશ અને ધારાને ધ્રુસકે-ધ્રુસકે રડતાં મૂકીને અને તેમની કોઈ પણ દલીલોને માન્ય રાખ્યા વગર તેમના પર ક્રિમિનલ કેસ કરીને અરિહાને તેમની પાસેથી આંચકી લીધી હતી અને અરિહાને પોતાના કબજામાં લઈ લીધી હતી.


જર્મન સરકારે ભાવેશ અને ધારાની સામે ક્રિમિનલ કેસ કરીને તેમની ધરપકડ કરવા માટે પૂરા પ્રયાસો કર્યા હતા, પરંતુ એક પાકિસ્તાનના ઉર્દૂ ભાષાંતરકારને વચ્ચે રાખીને ભાવેશ અને ધારા તેમનો કેસ લડ્યાં હતાં જેમાં સત્યની જીત થઈ હતી અને પુરાવાના અભાવે તેમને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યાં હતાં. માર્ચ ૨૦૨૨માં ભાવેશ અને ધારા સામે નોંધવામાં આવેલો કેસ જર્મન સરકાર તરફથી બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે ભાવેશ અને ધારા સામે ત્યાં સિવિલ કેસ આજે પણ ચાલી રહ્યો છે.

અરિહાનાં માતા-પિતાની લડત
ભાવેશ અને ધારા નિર્દોષ સાબિત થયાં એ પછી પણ જર્મન સરકારે અરિહાને તેનાં માતા-પિતાને પાછી સોંપી નથી. દૂધ પીતી અરિહાને બર્લિનની બાળસેવા સરકારી સંસ્થા દ્વારા કોઈ ભારતીયને ત્યાં મૂકવાને બદલે જર્મન પાલકને ત્યાં સારસંભાળ કરવા મૂકી દેવામાં આવી છે. અરિહાની જવાબદારી લેવા બર્લિનનો ભારતીય જૈન પરિવાર તૈયાર હોવા છતાં જર્મન સરકારે અરિહાને ફોસ્ટર કૅરમાં મૂકી દીધી છે જેનો મસમોટો ખર્ચ શાહ દંપતીને આપવો પડે છે. અરિહાને અત્યાર સુધીમાં તેનાં માતા-પિતાને એક જ વાર મળવા દેવામાં આવી છે. શાહ દંપતી ત્યાં ભાષાની તકલીફનો પણ સામનો કરી રહ્યું છે.

આ માહિતી આપતાં ધારા શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી નાની અરિહાની આંખો તેની માતા માટે તરસી રહી છે અને હું અને ભાવેશ અરિહા માટે તરફડી રહ્યાં છીએ. અમે એક પણ રાત કે દિવસ શાંતિથી નીંદર લીધી નથી. અમારી જૈન દીકરી અરિહાને જર્મન પાલક શું જમાડતા હશે? કેવું જમાડતા હશે? તેનો ધર્મ પલટી તો નહીં નાખેને? જે અરિહાને અમે કદાચ કંદમૂળથી પણ દૂર રાખી હોત તેને જર્મની પાલક નૉન-વેજ તો નહીં બનાવી દેને એ ચિંતા અમને કોરી ખાય છે. આ તે કેવો કાયદો કે ૧૦ મહિનાની એક બાળકીને તેનાં માતા-પિતાથી દૂર રાખવામાં આવે. અરે, અમને ન સોંપે તો કંઈ નહીં, પણ મને એક મા તરીકે તેની સાથે રહેવાની તો પરવાનગી આપે. જોકે અમારી બધી જ આજીજીઓ અને અમારાં આંસુઓની આ સરકાર પાસે કોઈ જ કિંમત નથી. અમને ડર છે કે ટૂંક સમયમાં અરિહાને જર્મનીની સિટિઝનશિપ મળી ગયા પછી જર્મન સરકાર તેનું ધર્મપરિવર્તન કરાવીને જિંદગીભર અમારી પાસેથી છીનવી લેશે. અમારી અરિહાનો પાસપોર્ટ પણ અમને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર અહીંની સરકારે જપ્ત કરી લીધો છે.’

અમારી સામે કોઈ ફોજદારી કેસ પણ પેન્ડિંગ નથી એવી માહિતી આપતાં ધારા શાહે કહ્યું હતું કે ‘જર્મન સરકારે અમારી સામે જે સિવિલ કેસ કર્યો છે એનો ચુકાદો આવતાં તો વર્ષો નીકળી શકે છે. અમારા માટે સૌથી મોટી મુસીબત એ છે કે જર્મન અદાલતો, બાળસેવા સંસ્થાઓ, મનોચિકિત્સકો બધાના સંવાદો પાકિસ્તાની મૂળના ઉર્દૂ અનુવાદક દ્વારા કરવામાં આવે છે. એને કારણે અમારા કેસમાં ભયંકર અને શરમજનક ગેરસમજો ઊભી થઈ રહી છે. અરિહા છેલ્લા ૧૧ મહિનાથી જર્મન પાલક પાસે છે. જર્મનીના કાયદા પ્રમાણે અરિહા બે વર્ષની થઈ જશે પછી ત્યાંના કાયદા પ્રમાણે ઑટોમૅટિકલી જર્મન નાગરિક બની જશે. ત્યાર પછી અમે કેસ જીતી જઈશું તો પણ તેને ભારત પાછી નહીં લાવી શકીએ.’

ભારતના વિદેશ મંત્રાલયનું વલણ
અરિહાના થોડા સમયમાં સ્વદેશ પાછા આવવાના મૂળભૂત અધિકારો જતા રહેશે એમ જણાવતાં ધારા શાહે કહ્યું હતું કે ‘અમારી તો એક જ માગણી છે કે ભારત સરકાર અમને અમારી દીકરી બાળસેવા સંસ્થા પાસેથી અને જર્મન પાલક પાસેથી પાછી અપાવી દે. અમારી સાથે અરિહા હશે તો અમે તેનામાં ભારતીય અને વિશેષ કરીને જૈન સંસ્કારનું સિંચન કરી શકીશું. અમે તેને નૉન વેજ બનતાં અટકાવી શકીશું.’

જર્મન સરકાર એમ કહી રહી છે કે અરિહાને અમે ભારત એટલે પાછી મોકલતા નથી કારણ કે ભારત પાસે બાળકો સુર‌િક્ષત રીતે સચવાય એવી કોઈ જ વ્યવસ્થા નથી એમ જણાવીને ભાવેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જર્મન સરકાર કહે છે કે ભારત સરકાર પાસે આવી કોઈ વ્યવસ્થા હોય તો તેમને કહો કે અમને લખીને મોકલે. અમારી તો આપણા દેશની સરકારને એક જ વિનંતી છે કે ભારત સરકાર અરિહાને જર્મન સરકારના ફોસ્ટર કૅરમાંથી મુક્ત કરાવીને ભારત પાછી લાવે અને તેનો કોઈ જૈન પરિવારની કસ્ટડીમાં જૈન આચાર-વિચાર સાથે ઉછેર કરવા સુનિશ્ચિત કરે.’

વિદેશ મંત્રાલયનું આશ્વાસન
ભાઈંદરનું શાહ દંપતી છેલ્લા ચાર મહિનાથી સતત ભારતના વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે, પરંતુ તેમને કોઈ જ રિસ્પૉન્સ મળતો નહોતો. આ માહિતી આપતાં ભાવેશ શાહે કહ્યું હતું કે ‘જોકે ગઈ કાલે જ ધારાની બહેન અને તેનો કઝિન ભાઈ દિલ્હીમાં વિદેશપ્રધાન એસ. જયશંકરને મળ્યાં હતાં. એ જ રીતે પાલિતાણામાં જૈન સંઘના પ્રતિનિધિઓએ મનસુખ માંડવિયાને અરિહાને જર્મન સરકારના હાથમાંથી મુક્ત કરાવવાની અને અમને પાછી સોંપવાની વિનંતી કરી હતી. એસ. જયશંકર અને મનસુખ માંડવિયા બંનેએ આશ્વાસન આપ્યું છે કે તેઓ આ બાબતમાં વહેલી તકે કાર્યવાહી કરશે.’

Whatsapp-channel Whatsapp-channel

19 August, 2022 09:15 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK