સ્વાગતયાત્રામાં અર્હમ યુવા સેવા ગ્રુપ તરફથી જરૂરિયાતમંદ ભાવિકોને સિલાઈ મશીન, વસ્ત્રો, સ્ટેશનરી કિટ અને અર્ટિગા કારની અર્પણતા કરવામાં આવી હતી
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના નગરપ્રવેશનો અવસર ભવ્યાતિભવ્ય સ્વાગતયાત્રા
પારસધામ, ઘાટકોપરમાં આગામી ‘આત્મ આરાધ્ય ચાતુર્માસ’ અર્થે પધારી રહેલા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના નગરપ્રવેશનો અવસર ભવ્યાતિભવ્ય સ્વાગતયાત્રા સાથે યોજાયો હતો.
આ અવસરે નૃત્ય-ભક્તિ-કીર્તના, શંખનાદ, લહેરાતા ધર્મધ્વજ અને હજારો ભાવિકોના મુખથી ગુંજતા જયઘોષ સાથે પરાગ શાહની MICL ઑફિસથી પ્રારંભ થયેલી ભવ્યાતિભવ્ય સ્વાગતયાત્રામાં મેયર રિતુ તાવડે, કૉર્પોરેટરો રાખી જાધવ અને ધર્મેશ ગિરિ આદિ જોડાયાં હતાં. સ્વાગતયાત્રામાં અર્હમ યુવા સેવા ગ્રુપ તરફથી જરૂરિયાતમંદ ભાવિકોને સિલાઈ મશીન, વસ્ત્રો, સ્ટેશનરી કિટ અને અર્ટિગા કારની અર્પણતા કરવામાં આવી હતી. સ્વાગતયાત્રા વાજતે-ગાજતે ઘાટકોપર પહોંચતાં ઘાટકોપરસ્થિત ભાનુશાલી બૅન્ક્વેટ ખાતે ‘આમંત્રણ આલેખન અવસર’ યોજાયો હતો.
ADVERTISEMENT
આ અવસરે ગોંડલ સંઘાણી સંપ્રદાયના પૂજ્ય શ્રી પંથકમુનિ મહારાજસાહેબ, ગોંડલ સંપ્રદાયનાં વિરલપ્રજ્ઞા પૂ. શ્રી વિરમતીબાઈ મ. આદિ ઠાણા, પૂ. કિરણબઈ મ., પરમ સૌમ્યાજી મ. આદિ ઠાણા, પૂ. સુતિર્થિકાજી મ.; જશ પરિવારનાં પૂ. હસ્મિતાબાઈ મ., પૂ. રૂપલબાઈ મ. આદિ ઠાણા; બોટાદ સંપ્રદાયનાં સાધ્વીરત્ના પૂ. રાજુલાબાઈ મ., પૂ. વંદનાબાઈ મ. આદિ ઠાણા; લીંબડી ગોપાલ સંપ્રદાયના પૂ. નિમજ્ઞાબાઈ મ.; અજરામર સંપ્રદાયનાં પૂ. ઝંખનાબાઈ મ., પૂ. તારિણીબાઈ મ., પૂ. નિયતિબાઈ મ. તથા આઠ કોટિ મોટી પક્ષનાં મહાસતીજી આદિ ૭૫થી વધુ સંયમી આત્માઓની પાવન ઉપસ્થિતિમાં અંતરીક્ષમાં બિરાજમાન પરમ ઉપકારી આરાધ્ય ગુરુભગવંતો તેમ જ ઉપકારી આત્માઓને કેસર છાંટણે ભાવથી ચાતુર્માસનું આમંત્રણ આપવામાં આવતાં સર્વત્ર હર્ષ આનંદ પ્રસરાવીને આ અવસર સૌ માટે યાદગાર બનીને ચાતુર્માસના શુકનવંતાં પડઘમ વગાડી ગયો હતો.
