Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૨૭૬૬ બસોમાંથી માત્ર ૩૨ બસ ચાલી પચીસ લાખ પ્રવાસીઓ માટે

૨૭૬૬ બસોમાંથી માત્ર ૩૨ બસ ચાલી પચીસ લાખ પ્રવાસીઓ માટે

Published : 20 June, 2026 12:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BESTના કર્મચારીઓની હડતાળને કારણે મુંબઈ ખોડંગાયું, પૅસેન્જર્સની લાંબી લાઇનો, બસોમાં ચિક્કાર ગિરદી, રિક્ષા અને ટ્રેનમાં મુસાફરી કરવાની ફરજ પડી

હડતાળને પગલે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલા BESTના માગાઠાણે બસડેપોમાં હારબંધ ઊભી રહી ગયેલી બસો (તસવીર : સતેજ શિંદે)

હડતાળને પગલે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલા BESTના માગાઠાણે બસડેપોમાં હારબંધ ઊભી રહી ગયેલી બસો (તસવીર : સતેજ શિંદે)


બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના કર્મચારીઓ તેમની લાંબા સમયથી પડતર માગણીઓ માટે ગઈ કાલથી અનિશ્ચિત હડતાળ પર ઊતર્યા હતા. એને પગલે શુક્રવારે સવારના પીક અવર્સ દરમ્યાન મુંબઈના રસ્તાઓ પર BESTની ૨૭૬૬ બસમાંથી માત્ર ૩૨ બસ જ ચાલી હતી.

BESTના અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈના વિવિધ ડેપોમાંથી ફક્ત ૩૮ બસ જ નીકળી શકી હતી, પરંતુ હડતાળ પર ઊતરેલા કર્મચારીઓ દ્વારા પથ્થરમારો થવાને કારણે એમાંથી ૬ બસ ડેપોમાં પાછી ફરી હતી એટલે ફક્ત ૩૨ બસ જ કાર્યરત રહી હતી.



હડતાળને પગલે સંભવિત અડચણોને ધ્યાનમાં રાખીને BESTએ મહારાષ્ટ્ર એસેન્શિયલ સર્વિસિસ મેઇન્ટેનન્સ ઍક્ટ (MESMA)ની જોગવાઈઓ લાગુ કરી હતી અને જ્યાં સુધી હડતાળની નોટિસ પાછી ખેંચવામાં ન આવે ત્યાં સુધી તમામ વિભાગોને કોઈ પણ કર્મચારીની રજા મંજૂર ન કરવાનો આદેશ આપ્યો હતો છતાં હડતાલને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.


રોજના પચીસ લાખ મુસાફરોને સર્વિસ આપતી BEST ઠપ થવાને કારણે સવારના ધસારાના સમયે હજારો મુસાફરો અટવાઈ ગયા હતા. બસ-સ્ટૉપ પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી અને ફ્રીક્વન્સી ખૂબ જ ઓછી થવાને કારણે પ્રવાસીઓને દરવાજા પર લટકીને મુસાફરી કરવાની ફરજ પડી હતી. અનેક લોકો બસની રાહ જોવાને બદલે મેટ્રો, રિક્ષા, ટૅક્સી અને કૅબમાં સવારે ઑફિસ પહોંચ્યા હતા.

ઇલેક્ટ્રિસિટી વિભાગના કર્મચારીઓ ડ્યુટી પર હાજર રહ્યા


BESTના જણાવવા મુજબ શુક્રવારે પાવરકટની કોઈ ફરિયાદ મળી નહોતી અને એમ છતાં વીજપુરવઠો ન ખોરવાય એ ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિસિટી વિભાગના તમામ કર્મચારીઓ ડ્યુટી પર હાજર રહ્યા હતા.

ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સાથેની વાટાઘાટો બાદ પણ ઉકેલ ન આવ્યો

યુનિયનની ૮ માગણીઓ પૂરી ન થતાં ગુરુવારે મધરાત પછી શરૂ થયેલી અનિશ્ચિત હડતાળ ૧૨ યુનિયનો ધરાવતી BEST સંયુક્ત કામગાર કૃતિ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ હડતાળ પાછી ખેંચવા માટે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિર્દેશ અનુસાર ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે હડતાળ પર ઊતરેલા BESTના કર્મચારીઓ સાથે વાટાઘાટો કરી હતી. મીટિંગ દરમ્યાન પ્રતાપ સરનાઈકે નોંધ્યું હતું કે યુનિયનના કાર્યકરો દ્વારા રજૂ કરાયેલી માગણીઓ વાજબી હતી અને યોગ્ય રીતે એનો ઉકેલ લાવી શકાય છે. તેમની મુખ્ય માગણીમાં BEST ટ્રાન્સપોર્ટ ડિવિઝનને સીધું BMCમાં મર્જ કરવાના લાંબા સમયથી ચાલતા પ્રસ્તાવ પર વિચારણા થાય એ હતી. અગાઉ વિવિધ સ્થાનિક સમિતિઓ દ્વારા આ મર્જરને મંજૂરી આપવાના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા, પરંતુ ફાઇલ હજી પેન્ડિંગ છે. આ મુદ્દાનું ૭ દિવસમાં નિરાકરણ લાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હોવાની ખાતરી પ્રતાપ સરનાઈકે આપી હતી. આ અંગે વિધાનસભાના સેશનના બીજા અઠવાડિયા દરમ્યાન એક નિર્ણાયક બેઠકનું આયોજન કરવામાં આવશે એવું આશ્વાસન આપીને પ્રતાપ સરનાઈકે હડતાળ પાછી ખેંચવાની અપીલ કરી હતી. જોકે રાત સુધી હડતાળ પાછી ખેંચાઈ નહોતી.

આ છે યુનિયનની ૮ માગણીઓ

કમિટીની મુખ્ય ૮ માગણીઓમાં BESTના બજેટને BMCના બજેટ સાથે મર્જ કરવું, નિવૃત્ત કર્મચારીઓનાં બાકી લેણાંની તાત્કાલિક ચુકવણી કરવી, સાતમા પગારપંચ મુજબ વેતનકરાર લાગુ કરવો, નવી ભરતી કરવી, સિનિયર કર્મચારીઓને પ્રમોશન આપવું અને વેટ-લીઝ બસ બંધ કરવી જેવી માગણીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યુનિયનોએ BESTની માલિકીની ૫૦૦૦ બસ ખરીદવાની અને BESTની પ્રૉપર્ટીનું વેચાણ કે લાંબા ગાળાની લીઝ પર ન આપવાની પણ માગણી કરી છે.

મેટ્રો 1એ સર્વિસ વધારી, આશરે ૬૦,૦૦૦ મુસાફરોએ લાભ લીધો

BESTની હડતાળને પગલે મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને ગઈ કાલે ઘાટકોપર-વર્સોવા વચ્ચે દોડતી મેટ્રો 1ની ૧૦ સર્વિસ વધુ દોડવવામાં આવી હતી. મેટ્રો 1ના નિવેદન મુજબ સાંજે ૫.૩૦ વાગ્યા સુધી રોજ કરતાં ૩૮,૦૦૦ મુસાફરો વધુ નોંધાયા હતા. ત્યાર બાદ રાત સુધીમાં આ આંકડો ૬૦,૦૦૦ સુધી પહોંચશે એવો અંદાજ મેટ્રો 1 પ્રશાસને આપ્યો હતો. મેટ્રો ૩માં ગુરુવારે ૧,૫૧,૫૦૨ મુસાફરો નોંધાયા હતા, જ્યારે શુક્રવારે સાંજે ૭ વાગ્યા સુધીમાં મુસાફરોનો આંકડો ૧,૮૧,૭૧૬ સુધી પહોંચ્યો હતો. મેટ્રો 2 અને મેટ્રો 7માં ગુરુવારની સરખામણીએ શુક્રવારે ૧૩,૧૬૦ મુસાફરો વધારે નોંધાયા હતા.

હડતાળની આંકડાબાજી

BESTના હડતાળ પર ઊતરેલા કર્મચારીઓ

૨૩,૦૦૦

શુક્રવારે સવારે ચાલેલી બસની સંખ્યા

૩૨

કેટલા મુસાફરોને અસર

પચીસ લાખ

BESTની હડતાળની સૌથી ખરાબ અસર BKCના પબ્લિક ટ્રાન્સપોર્ટ ડે પર પડી

BESTની બસ ન મળતાં પ્રાઇવેટ બસમાં મુસાફરી કરવા મજબૂર થયેલા મુસાફરો (તસવીર : શાદાબ ખાન)

BESTની હડતાળની સૌથી ખરાબ અસર બાંદરા-કુર્લા કૉમ્પ્લેકસ (BKC)ના મુસાફરોને જણાઈ હતી. BKCમાં દર શુક્રવારે પબ્લિક ટ્રાન્સપોર્ટ ડે જાહેર કરવામાં આવ્યો છે. ગઈ કાલે બીજો પબ્લિક ટ્રાન્સપોર્ટ ડે ઊજવાયો હતો, પરંતુ એ પણ પહેલા ટ્રાન્સપોર્ટ ડેની જેમ ફ્લૉપ જ રહ્યો હતો. ખાસ કરીને BESTની હડતાળને કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટની બસો તો પૅસેન્જરોને મળી નહીં અને પ્રાઇવેટ બસો અને રિક્ષા-ડ્રાઇવરોએ થોડા વધારે પૈસા વસૂલ કરીને ચાન્સ પર ડાન્સ કર્યો હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. લોકોએ માત્ર બે કિલોમીટરના ૨૦૦ રૂપિયા ભાડું આપવું પડ્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

20 June, 2026 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK