ઓમપ્રકાશ રાજે નિમ્બાળકરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે...
શિવસેના (UBT)ના બળવાખોર સંસદસભ્ય નિમ્બાળકર
શિવસેના (UBT)ના લોકસભાના ૬ બળવાખોર સંસદસભ્યોમાંના એક ધારાશિવના સંસદસભ્ય ઓમપ્રકાશ રાજે નિમ્બાળકરે શુક્રવારે જણાવ્યું હતું કે મારા પિતાની હત્યાના કેસમાં આવનારા આગામી ચુકાદાને હાલની રાજકીય પરિસ્થિતિ સાથે કોઈ સંબંધ નથી.
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે બે દિવસ પહેલાં એવો દાવો કર્યો હતો કે ૨૦૦૬માં પવનરાજે નિમ્બાળકરની થયેલી હત્યાના કેસમાં ઓમ પ્રકાશ રાજે નિમ્બાળકરને પોતાની તરફેણમાં ચુકાદો અપાવવાનું વચન આપવામાં આવી રહ્યું છે. આ હાઈ-પ્રોફાઇલ કેસનો ચુકાદો અગાઉ ૧૬ જૂને આવવાનો હતો, પરંતુ મુંબઈની વિશેષ કોર્ટે મંગળવારે આ ચુકાદાની જાહેરાત ૨૦ જૂન સુધી મુલતવી રાખી હતી.
ADVERTISEMENT
ઓમપ્રકાશ રાજે નિમ્બાળકરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘મારા પિતાના મર્ડરકેસને વર્તમાન રાજકીય સ્થિતિ સાથે જોડવાનો કોઈ અર્થ નથી. જો એવું જ હોત તો વહેલો ચુકાદો મેળવવા માટે હું ૨૦૨૨માં જ શાસક પક્ષો સાથે જોડાઈ ગયો હોત.’
પક્ષપલટાને કારણે ઓમપ્રકાશ રાજે નિમ્બાળકરના ૧૫,૦૦૦ ફૉલોઅર્લ સોશ્યલ મીડિયા પરથી ઘટી ગયા છે. ઓમપ્રકાશ રાજે નિમ્બાળકરે ગઈ કાલે પક્ષ છોડવાનું કારણ જણાવતાં કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે તો છોડો આદિત્ય ઠાકરે પણ ક્યાં કોઈ રૅલીમાં કે મતદારોને મળવા માટે બહાર નીકળે છે. પક્ષની રાજકીય હાલત જોઈને મારે પક્ષ છોડવાનો નિર્ણય લેવો પડી રહ્યો છે. પૈસાની વાતો માત્ર અફવા છે.’
