ગિરગામ ચોપાટી પર કબૂતરોને ચણ નાખતા જીવદયાપ્રેમીનો વિડિયો વાઇરલ
ગિરગામ ચોપાટી પર કબૂતરોને ચણ નાખતા જીવદયાપ્રેમીનો વિડિયો વાઇરલ
કબૂતરોને ચણ અને પાણી આપવા પર બૉમ્બે હાઈ કોર્ટે પ્રતિબંધ મૂકી દીધો છે એને ફૉલો કરી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ દાદર અને અન્ય કબૂતરખાનાં પર તાડપત્રીથી કવર કરીને એને બંધ કરી દીધાં હતાં. એની સામે જૈનો અને જીવદયાપ્રેમીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તેમણે બુધવારે જોરદાર વિરોધ-પ્રદર્શન કરીને તાડપત્રી હટાવી દીધી હતી. જોકે ગઈ કાલે કોર્ટે એ પ્રતિબંધ ચાલુ રાખતાં એક જૈન ભાઈએ અનોખો માર્ગ અપનાવ્યો હતો.

ADVERTISEMENT
કોર્ટના કહેવાથી BMCએ કબૂતરખાનાં બંધ કર્યાં છે એથી એ જૈન ભાઈએ ગિરગાંવ ચોપાટી સામે રેતીમાં જ જુવારના દાણાની સંખ્યાબંધ ગૂણીઓ ખુલ્લી મૂકી દઈને કબૂતરો માટે ચણની વ્યવસ્થા કરી હતી એટલું જ નહીં, તેમણે શાંતિનાથ ભગવાનની જય, મહાવીરસ્વામી ભગવાનની જય અને જય જિનેન્દ્ર કહીને ગઈ કાલની તારીખ ૭ ઑગસ્ટ સાથેનો વિડિયો પોસ્ટ કર્યો હતો. એમાં તેઓ નવકારમંત્ર પણ બોલ્યા હતા અને આહ્વાન કરતાં કહ્યું હતું કે ‘અબોલ જીવ કરે પોકાર, અમને બચાવો નર ને નાર...’ એ વિડિયોમાં સેંકડોની સંખ્યામાં કબૂતરો ચણ ચણતાં હતાં. આ વિડિયો એ પછી સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો.


