કહે છે કે હજી ફક્ત માનવીના આરોગ્યની ચિંતા પર ચર્ચા ચાલી રહી છે, કબૂતરો માનવજીવન માટે જોખમી છે કે નહીં એના પુરાવા હજી પણ શોધાઈ રહ્યા છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ હાઈ કોર્ટમાં ગઈ કાલે કબૂતરખાનાં પર સુનાવણી આગળ વધી હતી. એમાં કોર્ટે મુંબઈ મહાનગરપાલિકા પાસેથી લેખિત પરવાનગી લઈને ચણ નાખવાની છૂટ આપી હતી. જોકે ગઈ કાલ સુધી કોર્ટ કબૂતરો માનવજીવન માટે જોખમી છે કે કેમ એ બાબતના પુરાવા શોધી રહી છે. આ સંદર્ભમાં કબૂતરો અને કબૂતરખાનાંઓ માટે લડી રહેલા પિટિશનરોએ રજૂ કરેલા રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ હેઠળ મેળવેલા હૉસ્પિટલોના રિપોર્ટની અવગણના કરવામાં આવી હતી જેનાથી જીવદયાપ્રેમીઓ નારાજગી પ્રવર્તી રહી છે.
આ બાબતની માહિતી આપતાં જસ્ટ સ્માઇલ ચૅરિટબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી સ્નેહા વિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોર્ટમાં જે રીતે કાર્યવાહી ચાલી રહી છે એ આઘાતજનક છે. હજી કોર્ટમાં માનવજીવનના આરોગ્ય પ્રત્યેની ચિંતા પર જ ચર્ચા ચાલી રહી છે, કબૂતરોના મુદ્દા પર હજી પણ લટકતી તલવાર છે. એના પર ચર્ચા કે દલીલો કરવાનો મોકો જ આપવામાં આવતો નથી. એમાં કોઈ શંકા નથી કે ગઈ કાલે કોર્ટે ચણ નાખવાની શરતી છૂટ આપી છે તેમ જ સરકારને સમિતિ બનાવવા માટેની ગાઇડલાઇન આપવામાં આવી છે. કોર્ટ હજી પણ આગામી તારીખ સુધી પલ્મનોલૉજિસ્ટ અને અન્ય નિષ્ણાતોના અભિપ્રાયો શોધી રહી છે. આ માટે સરકાર સમિતિનું ગઠન કરશે જેમાં તેઓ પલ્મનોલૉજિસ્ટ અને અન્ય નિષ્ણાતોની નિમણૂક કરશે. જોકે અમે રજૂ કરેલા રિપોર્ટ સામે ધ્યાન આપવામાં આવ્યું નથી. તેઓ હાલના પુરાવાઓથી સંતુષ્ટ નથી. મુંબઈની હૉસ્પિટલોમાં શ્વસનતંત્રના રોગ હાઇપરસેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ (HP)ના કેટલા દરદીઓ છે, એમાંથી કેટલા દરદીઓ કબૂતરોને કારણે HPનો ભોગ બન્યા છે એના પુરાવા આપવામાં મહાનગરપાલિકા નિષ્ફળ ગઈ છે.’
ADVERTISEMENT
ખોરાકની શોધમાં કબૂતરો અકસ્માતોનો સામનો કરી રહ્યાં છે, રસ્તા પર આવી રહ્યાં છે અને કચડાઈને મૃત્યુ પામી રહ્યાં છે એમ જણાવતાં સ્નેહા વિસરિયાએ કહ્યું હતું કે ‘આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી અને ફક્ત માનવસ્વાસ્થ્ય અને સોશ્યલ મીડિયા અને થોડા સમાચાર-લેખો દ્વારા કબૂતરો સામે કોર્ટની કઠોર માનસિકતાએ અત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ બનાવી દીધી છે. કબૂતરની ચરક અને પીછાં કરતાં પણ આરોગ્ય માટે હજારગણું વધુ જોખમી મુંબઈમાં વાયુપ્રદૂષણ, ધૂમ્રપાન, બાંધકામની ધૂળ અને સિમેન્ટ છે, પણ એની સામે કોઈ જ ઍક્શન લેવાતી નથી અને અબોલ કબૂતરોને અત્યારે ગુનેગાર બનાવીને પાંજરામાં ઊભાં રાખી દીધાં છે.’
કોર્ટે અત્યારે ફક્ત ડિરેક્શન આપ્યું છે, આદેશ આપવાનો બાકી છે એમ જણાવતાં સ્નેહા વિસરિયાએ કહ્યું હતું કે ‘કોર્ટના ફાઇનલ આદેશ પછી જ અમે સુપ્રીમ કોર્ટમાં જવાનો વિચાર કરીશું. અમે કોર્ટ પાસે ફક્ત આશા રાખીએ છીએ કે તેઓ ભારતીય બંધારણમાં દર્શાવેલા પ્રાણીમાત્ર જીવવાને પાત્ર પર પણ લક્ષ આપીને કબૂતરો અને અન્ય પ્રાણીઓના જીવના સંરક્ષણને પણ સુનિશ્ચિત કરે જેથી આ અબોલ જીવો તેમના જીવવાના હકને ભોગવી શકે.’
આ જીવદયાપ્રેમીએ અપીલ કરી સુપ્રીમ કોર્ટમાં

પલ્લવી પાટીલ
મુંબઈનાં કબૂતરખાનાંઓ માટે લડી રહેલી પશુ અધિકાર કાર્યકર્તા પલ્લવી પાટીલે બૉમ્બે હાઈ કોર્ટના આદેશને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કરી લીધો હતો.
પલ્લવી પાટીલે બૉમ્બે હાઈ કોર્ટનો આદેશ આવે એ પહેલાં જ એને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દીધી હતી. તેણે કહ્યું હતું કે હાઈ કોર્ટના આદેશને કારણે મુંબઈમાં ૫૧ કબૂતરખાનાંઓ અચાનક બંધ કરી દેવામાં આવ્યાં છે, જેને કારણે હજારો કબૂતરો છેલ્લા એક મહિનામાં ભૂખથી તડપીને મૃત્યુ પામ્યાં છે.
પલ્લવી પાટીલે આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અબોલ પ્રાણીઓના જીવનના અધિકારો સંબંધિત આ મુદ્દે જલદીથી નિરાકરણ થાય અને હજારો કબૂતરોના જીવ બચી શકે એ માટે મેં ગઈ કાલે સવારે જ સુપ્રીમ કોર્ટને અરજી કરીને વિનંતી કરી હતી કે કબૂતરોની પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને શક્ય એટલી વહેલી તકે સુનાવણી હાથ ધરવામાં આવે. આ ફક્ત કાનૂની લડાઈ નથી, આ માનવતાવાદી અને બંધારણીય કટોકટી છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ અચાનક પગલાં લીધાં અને મુંબઈ હાઈ કોર્ટના આદેશની અસરને કારણે છેલ્લા એક મહિનામાં હજારો કબૂતરો જેમાંથી ઘણાં અર્ધપાલતુ અને સંપૂર્ણપણે માનવસંભાળ પર નિર્ભર છે તેઓ મૃત્યુ પામ્યાં છે. કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા કેટલાક વિડિયો અને ફોટોગ્રાફ્સમાં કબૂતરોની માતાઓ નિર્જીવ પડેલી દેખાય છે અને એમનાં બાળકો એમને જગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આમ એમની મૂળભૂત અસ્તિત્વ-પ્રણાલી સંપૂર્ણપણે તૂટી પડી છે.’


