આ વર્ષે મુંબઈમાં ૩,૫૦,૦૧૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન, પુણે દ્વારા લેવામાં આવતી બારમા ધોરણની એટલે કે HSCની પરીક્ષા આજે મંગળવારથી શરૂ થઈ રહી છે. આ વર્ષે મુંબઈમાં લગભગ ૩,૫૦,૦૧૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાનું સંચાલન યોગ્ય રીતે થાય અને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એ માટે સ્ટેટ બોર્ડના મુંબઈ વિભાગે એક વ્યાપક વ્યવસ્થા ગોઠવી છે. મુંબઈ વિભાગના અધિકારક્ષેત્રમાં થાણે, રાયગડ, પાલઘર અને મુંબઈ દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એટલા વિભાગો છે. ૧૭૪૭ જુનિયર હાઈ સ્કૂલના લગભગ ૫૨,૦૦૦ વિદ્યાર્થીઓએ બધા વિભાગોમાંથી નોંધણી કરાવી છે અને એમાંથી ૨૨,૦૦૦ નિયમિત વિદ્યાર્થીઓ છે. થાણે જિલ્લામાં સૌથી વધુ ૧,૦૮,૦૫૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. રાયગડમાંથી ૩૩,૧૨૧, પાલઘરમાંથી ૫૬,૭૫૬, દક્ષિણ મુંબઈમાંથી ૩૯,૪૨૯, પૂર્વીય ઉપનગરોમાંથી ૭૦,૮૯૦ અને ઉત્તર વિભાગમાંથી ૪૧,૭૬૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
શાખાઓને ધ્યાનમાં લેતાં વાણિજ્ય શાખા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની મહત્તમ સંખ્યા ૬૮,૮૮૦ છે. વિજ્ઞાન શાખા માટે ૩૧,૫૨૨ અને આર્ટ્સ શાખા માટે ૪૬૨૬ વિદ્યાર્થીઓએ અરજી કરી છે. MCVC શાખા માટે ૨૬૯૩ અને ૩૮૮૮ વિદ્યાર્થીઓએ અન્ય શાખાઓ માટે અરજી કરી છે. સવારના સત્ર માટે વિદ્યાર્થીઓએ ૧૦.૩૦ વાગ્યા સુધીમાં અને બપોરના સત્ર માટે ૨.૩૦ વાગ્યા સુધી પરીક્ષાકેન્દ્ર પર હાજર થઈ જવું ફરજિયાત છે. એ પછી પ્રવેશ આપવામાં નહીં આવે.
ADVERTISEMENT
આ વર્ષે મુંબઈમાં ૬૭૦ પરીક્ષાકેન્દ્રો રાખવામાં આવ્યાં છે. પરીક્ષામાં કૉપી અટકાવવા માટે બોર્ડના અધિકારીઓ અને સ્ટાફ કાર્યરત છે. દરમ્યાન એવું જાણવા મળ્યું છે કે વિભાગનાં ૬૭૦ કેન્દ્રોમાંથી ૫૮ કેન્દ્રોએ હજી સુધી ક્લાસરૂમમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા સિસ્ટમ ઇન્સ્ટૉલ કરી નથી. બોર્ડે આ કેન્દ્રો પર સ્ટાફ બદલીને ગેરરીતિ અટકાવવા પગલાં લીધાં છે. વળી કૉપી અટકાવવા ૨૯ જેટલી વિજિલન્સ ટીમો પણ તહેનાત કરવામાં આવી છે. ક્વેશ્ચન પેપર અને આન્સર પેપરની સુરક્ષા માટે દર ૧૦ સેન્ટર માટે એક એમ કુલ ૬૮ કસ્ટડી-રૂમ તૈયાર કરવામાં આવી છે.


