ઘાટકોપર-અંધેરી રોડ પરની લૉજમાંથી એક મહિલાની ધરપકડ, બે યુવતીઓને સુધારગૃહમાં મોકલવામાં આવી
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર, સાકીનાકા અને અંધેરી વિસ્તારમાં હાઈ-પ્રોફાઇલ દેહવ્યાપાર ચલાવતી ૩૬ વર્ષની એક મહિલાની ઘાટકોપર પોલીસે ગુપ્ત માહિતીના આધારે છટકું ગોઠવીને ઘાટકોપર-અંધેરી રોડ પર આવેલી એક લૉજમાંથી સોમવારે ધરપકડ કરી હતી. ગ્રાહકોને મહિલાઓ ઉપલબ્ધ કરાવવા આરોપી મહિલા એક યુવતીના ૩૦થી ૩૫ હજાર રૂપિયા લેતી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. દેહવ્યાપાર માટે લાવવામાં આવેલી ઘાટકોપરમાં રહેતી બે મહિલાને પોલીસે તાબામાં લઈ તેમને સુધારગૃહ મોકલી દીધી છે. આરોપી મહિલા કેટલા સમયથી આવા ધંધા કરતી હતી અને તેની સાથે કોણ સંડોવાયેલા છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘાટકોપર પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર નવનાથ રાંગટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી મહિલા ઘાટકોપર સહિત આસપાસના વિસ્તારમાં હાઈ-પ્રોફાઇલ દેહવ્યાપાર ચલાવતી હોવાની માહિતી ગુપ્ત સૂત્રો પાસેથી મળી હતી, જેના આધારે આરોપી મહિલાને રંગેહાથ પકડવા માટે એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. વૉટ્સઍપ પર મહિલાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે વૉટ્સઍપ પર અમુક યુવતીના ફોટો શૅર કર્યા હતા, જેના આધારે ત્રણ મહિલાઓની માગણી કરવામાં આવતાં તેના માટે ૯૦,૦૦૦ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. અંતે ઘાટકોપર-અંધેરી રોડ પર આવેલી એક લૉજમાં મહિલાને બોલાવી સોમવાર સાંજે ત્યાં છટકું ગોઠવી આરોપી મહિલાને પકડી પાડવામાં આવી હતી. આ કેસમાં આરોપી મહિલા યુવતીને ૧૫,૦૦૦ રૂપિયા આપતી હતી અને બાકીના ૧૫,૦૦૦ રૂપિયા પોતાની પાસે રાખી લેતી હોવાની માહિતી સામે આવી છે. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’
