કાંદિવલીના ગુજરાતીએ ૧૦ દિવસથી ગુમ સ્ટ્રીટ-ડૉગને શોધી આપનાર માટે ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું
કાંદિવલીમાંથી ગુમ થયેલા શ્વાન શિવા માટે ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.
કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં આવેલી રાજ ગાર્ડન સોસાયટી નજીકથી ૧૬ જૂને ગુમ થયેલા શિવા નામના સ્ટ્રીટ-ડૉગને શોધી આપનાર માટે પ્રાણીપ્રેમી મૃણાલ મીરાણીએ ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. શિવાને શોધવા માટે કાંદિવલીના તેમ જ આસપાસના વિસ્તારોમાં રહેતા બીજા પ્રાણીપ્રેમીઓ સતત ૧૦ દિવસથી વિવિધ પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત હજારોની સંખ્યામાં પોસ્ટરો પણ લગાડવામાં આવ્યાં છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. જોકે આ સ્ટ્રીટ-ડૉગી હોવાથી પોલીસે ઑફિશ્યલી અમારી ફરિયાદ નોંધી નથી એવો દાવો પ્રાણીપ્રેમીઓએ કર્યો છે.
મૃણાલ મીરાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આશરે સાડાચાર વર્ષનો શિવા અમારી સોસાયટીમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી રહેતો હતો. એ ખૂબ જ પ્રેમાળ હોવાથી મારા જેવા બીજા પ્રાણીપ્રેમીઓ સાથે પણ એનું સારું બૉન્ડિંગ હતું. એને બાઇક-રાઇડ ખૂબ જ ગમતી હોવાથી સવારે અને સાંજે એને હું બાઇક-રાઇડ પર લઈ જતો. રોજની જેમ ૧૭ જૂનની સાંજે હું એને ફીડ કરાવવા અમારા પરિસરમાં આવ્યો ત્યારે એ મને મળ્યો નહોતો એટલે મેં એની આસપાસના વિસ્તારોમાં શોધ કરી હતી, પણ એ ક્યાંય મળ્યો નહોતો. અંતે મેં બીજા પ્રાણીપ્રેમીની મદદથી અમારા વિસ્તારમાં તેમ જ આસપાસના વિસ્તારોમાં રાતભર એની શોધ કરી હતી. જોકે એની કોઈ ભાળ મળી નહોતી. બીજા દિવસથી જ મેં વૉટ્સઍપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી શરૂઆતમાં ૫૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કરીને એને શોધવાની શરૂઆત કરી દીધી હતી. આ ઉપરાંત હજારોની સંખ્યામાં પોસ્ટરો પ્રિન્ટ કરાવીને અમારા વિસ્તારમાં તેમ જ આસપાસના વિસ્તારોમાં લગાડી દીધાં હતાં. જોકે ૮ દિવસ થવા છતાં એની કોઈ માહિતી ન મળતાં મેં એને શોધી આપનારને ૨૫,૦૦૦ રૂપિયા આપવાનું નક્કી કરીને વૉટ્સઍપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.’
ADVERTISEMENT
દરરોજ સાંજે ત્રણ કલાક એને શોધવા માટે અમે પ્રાણીપ્રેમીઓ જઈએ છીએ
શિવાને બાઇક-રાઇડ ખૂબ જ ગમતી હોવાથી એને અમારા બધાની બાઇકના હૉર્નના અવાજ ખબર છે એટલે અમે રોજ અલગ-અલગ વિસ્તારમાં જઈને બાઇકનું હૉર્ન વગાડીએ છે. આ ઉપરાંત આસપાસના સ્લમ વિસ્તારોમાં પણ જઈને એની શોધ કરી રહ્યા છીએ. - મૃણાલ મીરાણી

