સર્જરી કર્યાને નવ દિવસ થઈ ગયા છે, પરંતુ હજી સારવારની જરૂર હોવાનું ડૉક્ટરોનું કહેવું છે
અનુજ પટેલ
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને મુંબઈની હિન્દુજા હૉસ્પિટલમાં લાવીને તેમની સર્જરી કરવામાં આવી હતી. સર્જરીને નવ દિવસ થઈ ગયા હોવા છતાં તેઓ હજી પણ સારવાર હેઠળ જ છે. સર્જરી બાદ અનુજ પટેલની તબિયત સુધારા પર છે અને હજી થોડા દિવસ તેમને હૉસ્પિટલમાં રાખવામાં આવશે એવું જાણવા મળ્યું હતું.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના એકમાત્ર ૩૭ વર્ષના પુત્ર અનુજ પટેલને ૩૦ એપ્રિલે બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ અમદાવાદની હૉસ્પિટલમાં એક સર્જરી કરવામાં આવી હતી. જોકે આ સર્જરી બાદ પણ અનુજ પટેલની તબિયતમાં સુધારો ન થતાં તેમને ઍર ઍમ્બ્યુલન્સથી મુંબઈ લાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના માર્ગદર્શનમાં અનુજ પટેલને તાત્કાલિક માહિમમાં આવેલી હિન્દુજા હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા અને એ જ દિવસે સર્જરી કરવામાં આવી હતી. સર્જરી છ કલાક ચાલી હોવાનું જાણવા મળ્યું હતું. હિન્દુજા હૉસ્પિટલના ડૉક્ટરોએ અનુજ પટેલને કેટલાક દિવસ સારવાર હેઠળ રાખવા પડશે એમ એ સમયે કહ્યું હતું.
સર્જરીને નવ દિવસ થઈ ગયા છે અને અનુજ પટેલની તબિયત કેવી છે એ વિશે જોકે બાદમાં કોઈ અપડેટ હિન્દુજા હૉસ્પિટલ કે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કે તેમના પરિવારજનોએ જારી નથી કરી.
ભૂપેન્દ્ર પટેલની નજીકના એક સંબંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અનુજ પટેલની તબિયત સુધારા પર છે. સર્જરી મોટી હતી એટલે રિકવરીમાં સમય લાગી રહ્યો છે. ડૉક્ટરોએ તેમને હજી થોડા દિવસ ઑબ્ઝર્વેશનમાં રાખવાની સલાહ આપી છે.’
અનુજ પટેલને મુંબઈની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયા હોવાની જાણ થયા બાદ ગુજરાતથી અનેક પ્રધાનો સહિત મોટી સંખ્યામાં લોકો હિન્દુજા હૉસ્પિટલમાં આવવા લાગ્યા હતા ત્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકોને વિનંતી કરી હતી કે આમ કરવાથી હૉસ્પિટલની વ્યવસ્થામાં મુશ્કેલી પડી રહી છે એટલે કોઈએ અહીં આવવું નહીં. આ અપીલ બાદ હવે અત્યંત અંગત લોકો જ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

