BESTના કર્મચારી અને એક મુસાફરને ઈજા, ડ્રાઇવર સામે ગુનો દાખલ
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ
ગોરેગામમાં સોમવારે સાંજે એક કારને અડફેટે લીધા બાદ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગની ઇલેક્ટ્રિક બસ મેટ્રોના પિલર સાથે ધડાકાભેર અથડાતાં બે લોકોને ઈજા થઈ છે. ઘાયલોમાં BESTના એન્જિનિયરિંગ વિભાગના એક કર્મચારી અને એક મુસાફરનો સમાવેશ થાય છે.
આ અકસ્માત સોમવારે સાંજે પાંચ વાગ્યે બન્યો હતો, જ્યારે વેટ-લીઝ પર લેવાયેલી ઇલેક્ટ્રિક બસ ભાઈંદર સ્ટેશન જઈ રહી હતી અને ઑબેરૉય મૉલ સિગ્નલ પાસે ફ્લાયઓવર નીચેથી જમણી બાજુ વળાંક લઈ રહી હતી. વળાંક લેતી વખતે બસે પહેલાં એક કારના પાછળના જમણા ભાગને ટક્કર મારી હતી અને ત્યાર બાદ કાબૂ ગુમાવતાં સીધી મેટ્રોના પિલર સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં BESTના એન્જિનિયરિંગ વિભાગના ૫૮ વર્ષના કર્મચારીને માથા પર જયારે ૫૭ વર્ષના મુસાફરને માથા અને દાઢીના ભાગમાં ઈજા થઈ છે. કારના ડ્રાઇવરની ફરિયાદના આધારે પોલીસે BESTની બસના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
