વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૬મી વર્ષગાંઠ માટે આવી અપીલ કરી છે BJPના પ્રમુખ નીતિન નબીને
નીતિન નબીન
ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ નીતિન નબીને ૧૭ સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૬મી વર્ષગાંઠે સાંજે ઘરે-ઘરે ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવવા માટે અપીલ કરી છે. આ સંદર્ભમાં એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવનનું મુખ્ય મિશન જનસેવા દ્વારા રાષ્ટ્રની સેવા રહ્યું છે. સરકારના વડા તરીકેનાં તેમનાં પચીસ વર્ષ જાહેર સેવા અને રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત અને અભૂતપૂર્વ રહ્યાં છે. તેમના દૂરંદેશી નેતૃત્વએ દેશને એક નવી દિશા અને શક્તિ આપી છે. આજે તેમના સામૂહિક સંકલ્પના પરિણામે આપણે ૨૦૪૭ સુધી વિકસિત ભારતના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. દેશની આ પ્રગતિશીલ યાત્રા અને મોદીજીના સફળ નેતૃત્વ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવા માટે આપણે ૧૭ સપ્ટેમ્બરે વડા પ્રધાનના જન્મદિવસના શુભ અવસર પર સાંજે ૬થી ૭ વાગ્યા દરમ્યાન આપણાં ઘરોમાં ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવીએ અને તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ.’
