Ganeshotsav 2025: ગણેશોત્સવ માટે મુંબઈ પોલીસ આ વર્ષે ટેક્નોલોજીનો ઉપયોગ કરશે; ગુનેગારો અને શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવા માટે AI ટેકનોલોજી અને ડ્રોનનો ઉપયોગ થશે
આવતીકાલથી શરુ થતા ગણેશોત્સવ માટે તૈયાર છે મુંબઈ પોલીસ
મુંબઈ (Mumbai)માં ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2025)ની તૈયારીઓ થઈ ગઈ છે. મુંબઈકર્સ ગણપતિ બાપ્પાના આગમન (Ganeshotsav 2025) માટે તૈયાર છે. ગણેશોત્સવ દરમિયાન મુંબઈકર્સની સુરક્ષા માટે મુંબઈ પોલીસ (Mumbai Police) પણ સજ્જ છે. આ વર્ષે તહેવાર દરમિયાન મુંબઈ પોલીસ એઆઈ અને ડ્રોનનો ઉપયોગ કરશે તેમજ શહેરમાં ૧૭૦૦૦ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈ પોલીસ આગામી ગણેશ ઉત્સવ માટે સંપૂર્ણપણે તૈયાર છે, પરંતુ આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં મોટો ટેકનોલોજીકલ અપગ્રેડ જોવા મળશે. પહેલી વાર, મુંબઈ પોલીસ તહેવારો દરમિયાન ગુનેગારો અને શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવા માટે AI ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આ ઉપરાંત, મુખ્ય સ્થળોએ ભીડની દેખરેખ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. આ વર્ષે AI-સંચાલિત સર્વેલન્સ અને ડ્રોન મોનિટરિંગ મુંબઈ પોલીસની સુરક્ષા વ્યૂહરચનામાં એક મહત્વપૂર્ણ છલાંગ દર્શાવે છે, જે સુરક્ષિત અને ઘટના-મુક્ત ગણેશોત્સવ સુનિશ્ચિત કરે છે.
ADVERTISEMENT
કાયદો અને વ્યવસ્થાના સંયુક્ત પોલીસ કમિશનર સત્યનારાયણ ચૌધરી (Satyanarayan Chaudhary)એ માહિતી આપતા કહ્યું હતું કે, ‘શહેરમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ૧૪,૪૩૦ કોન્સ્ટેબલ; ૨,૬૩૭ પોલીસ અધિકારીઓ; ૫૧ અસિસટન્ટ કમિશનર ઑફ પોલીસ અને ૩૬ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સહિત ૧૭,૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ ગણેશ મૂર્તિ સ્થાપનથી વિસર્જન સુધી ફરજ પર રહેશે.’
સ્થાનિક પોલીસ ઉપરાંત, રાજ્ય રિઝર્વ પોલીસ દળ (State Reserve Police Force - SRPF) પ્લાટૂન ૧૨ કંપની, રેપિડ એક્શન ફોર્સ, રમખાણો નિયંત્રણ ટીમો, ડેલ્ટા કોમ્બેટ યુનિટ્સ અને હોમગાર્ડ્સ પણ સુરક્ષા કામગીરીમાં મદદ કરશે. સામાજિક સંગઠનોના હજારો સ્વયંસેવકો આ પ્રયાસોમાં જોડાશે.
સમગ્ર મુંબઈમાં ૧૧,૦૦૦ થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જ્યારે વ્યૂહાત્મક સ્થળોએ સાદા કપડામાં સ્પેશિયલ બ્રાન્ચના અધિકારીઓ તૈનાત કરવામાં આવશે. વધુમાં, ડ્રોન મોટા મેળાવડા પર નજર રાખશે, અને ક્વિક રિસ્પોન્સ ટીમો સ્ટેન્ડબાય પર રહેશે.
આ દરમિયાન મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વિસર્જનના અંતિમ દિવસે, વિસર્જન માર્ગો પર અપેક્ષિત વિશાળ ભીડને નિયંત્રિત કરવા માટે વધારાના ૫,૦૦૦ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. મુંબઈ પોલીસે ખાતરી આપી છે કે ઉત્સવ દરમિયાન મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
એટલું જ નહીં, ગણેશોત્સવ દરમિયાન મુંબઈ પોલીસે નાગરિકોને પણ સહયોગ આપવાની વિનંતી કરી છે. મુંબઈ પોલીસે નાગરિકોને સુરક્ષા પગલાંમાં સહયોગ આપવા, વસ્તુઓ અડ્યા વિના છોડવાનું ટાળવા અને તહેવાર માટે નક્કી કરાયેલા નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. એમ પણ કહ્યું છે કે, કટોકટીની સ્થિતિમાં લોકોએ તાત્કાલિક સહાય માટે ૧૦૦ અથવા ૧૧૨ પર ફોન કરી શકે છે.
