મંડળના કાર્યકરો સામે ફોજદારી કેસ દાખલ કરવાની મુખ્ય પ્રધાન સમક્ષ માગણી કરી અખિલ મહારાષ્ટ્ર માછીમાર કૃતિ સમિતિએ
લાલબાગચા રાજાનું વિસર્જન
વિશ્વભરમાં પ્રખ્યાત લાલબાગચા રાજાની મૂર્તિનું રવિવારે ચંદ્રગ્રહણ વખતે વિસર્જન કરવામાં આવતાં લાખો ગણેશભક્તોની ભાવનાને ઠેસ પહોંચી હોવાનો દાવો કરીને ગઈ કાલે અખિલ મહારાષ્ટ્ર માછીમાર કૃતિ સમિતિએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને ફરિયાદ કરી હતી તેમ જ લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના કાર્યકરોએ દર્શન માટે આવતા ગણેશભક્તોને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો દાવો કરીને આ મામલે વધુ તપાસ કરી મંડળના કાર્યકરો સામે ફોજદારી કેસ દાખલ કરવા માટેની માગણી ઈ-મેઇલ દ્વારા મોકલેલા પત્રમાં કરવામાં આવી છે.
અખિલ મહારાષ્ટ્ર માછીમાર કૃતિ સમિતિના પ્રમુખ દેવેન્દ્ર ટંડેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોળી સમુદાયની મહિલાઓની ઇચ્છાઓ પૂર્ણ થતાં તેમણે ૧૯૩૪માં લાલબાગચા રાજાની સ્થાપના કરી હતી. સમય જતાં ઘણા ગણેશભક્તોની ઇચ્છા અને આકાંક્ષાઓ પૂર્ણ થવા માંડતાં લાખો ગણેશભક્તો દર વર્ષે બાપ્પાનાં ચરણોમાં માથું નમાવવા આવતા હતા. લાલબાગચા રાજાની વધતી જતી લોકપ્રિયતા પછી લાલબાગચા રાજાની કારોબારી સમિતિના સભ્યોએ સમગ્ર ઉત્સવનું વેપારીકરણ કરવાનું શરૂ કરી દીધું છે એટલું જ નહીં, તાજેતરમાં એક સામાન્ય માણસની નાની દીકરીને શારીરિક અને માનસિક ત્રાસ અપાયાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં ભક્તોની લાગણી દુભાઈ છે અને ભવિષ્યમાં આવી અમાનવીય ઘટનાઓ ન બને એ માટે અમે આ અમાનવીય ઘટના માટે જવાબદારો સામે ફરિયાદ દાખલ કરવા મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો છે. ઉપરાંત ચંદ્રગ્રહણ દરમ્યાન બાપ્પાની મૂર્તિના વિસર્જનથી હિન્દુ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી હોવાથી એ વિસર્જનપ્રક્રિયાની તપાસ થવી જોઈએ અને જો એને માટેનો કોઈ જવાબદાર મળી આવે તો તેની સામે ફોજદારી કેસ દાખલ થવો જોઈએ. વર્ષોથી મુંબઈના કોળી ભાઈઓ વિસર્જનવિધિ કરી રહ્યા છે અને આ વર્ષે પહેલી વાર કોળી ભાઈઓને બાજુએ કરીને આધુનિક ટેક્નૉલૉજીની મદદથી વિસર્જન કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. ચંદ્રગ્રહણ દરમ્યાન વિસર્જન કરવું એ ફક્ત બાપ્પાનું અપમાન નથી, સમગ્ર કોળી સમાજ અને લાખો હિન્દુ ભક્તોનું પણ અપમાન છે. હિન્દુ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી હોવાથી આ ઘટનાની સંપૂર્ણ તપાસ અને દોષીઓ સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માગણી છે.’
ADVERTISEMENT
દર્શનપ્રક્રિયામાં તાત્કાલિક ફેરફાર કરવાની માગણી
અખિલ મહારાષ્ટ્ર માછીમાર કૃતિ સમિતિના પ્રમુખ દેવેન્દ્ર ટંડેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુખ્યત્વે લાલબાગચા રાજાની દર્શનપ્રક્રિયામાં તાત્કાલિક ફેરફારની માગણી અમે કરી છે જેમાં દર્શન માટે મોટી ભીડ અને VIP કલ્ચરને કાબૂમાં લેવા માટે અમે સૂચન કર્યું છે કે VIP દર્શન માટે માત્ર એક દિવસનો સમય આપવો જોઈએ અને નાસભાગ અટકાવવા માટે પંડાલને તાળાબંધ રાખવાને બદલે ખુલ્લો રાખવો જોઈએ જેથી સામાન્ય લોકો માટે બાપ્પાનાં દર્શન લેવાનું સરળ બને તેમ જ ભવિષ્યમાં સંભવિત જાનહાનિને ટાળી શકાય.’


