વેપારી પાસે હમાલી કરતા યુવાને જ લૂંટની યોજના બનાવી હતી, ત્રણ આરોપીની ધરપકડ
લૂંટના કેસમાં ધરપકડ કરેલા આરોપી સાથે કલવા પોલીસ.
ભિવંડી-નાશિક હાઇવે પર મિલકતનગરમાં રહેતા ૫૧ વર્ષના ફળના વેપારી રિયાઝ પઠાણને રિવૉલ્વર દેખાડીને ૧૩ લાખ રૂપિયા લૂંટી જનાર ત્રણ આરોપીની કલવા પોલીસે સોમવારે ધરપકડ કરી હતી. ૧૨ એપ્રિલે વેપારી APMCના બીજા વેપારીઓને માલના પૈસા આપવા જઈ રહ્યા હતા એ સમયે મુંબઈ-નાશિક હાઇવે પર ખારેગાવ ટોલનાકા નજીક ચાર લોકોએ રિવૉલ્વર દેખાડીને અને ધારદાર ચાકુની અણી ગળા પર રાખીને લૂંટ કરી હતી એવો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. આ વિશે તપાસ કરતાં પોલીસે થાણેથી નવી મુંબઈ સુધીના ૧૦૦ કરતાં વધારે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસીને આરોપીની ઓળખ કરીને મુખ્ય સૂત્રધાર સહિત અન્ય આરોપીની ભિવંડી અને પાલઘરમાંથી ધરપકડ કરી હતી.

ADVERTISEMENT
ફળના વેપારી પાસે વર્ષો પહેલાં કામ કરતા હમાલે જ લૂંટ માટેની યોજના બનાવીને તેના બીજા સાથીદારોને ટિપ આપી હતી એમ જણાવતાં કલવા પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર ઘોંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૨ એપ્રિલે સવારે સાડાનવ વાગ્યાની આસપાસ ફરિયાદી બીજા વેપારીને ઉધારીના પૈસા ચૂકવવા રિક્ષામાં જઈ રહ્યા હતા એ સમયે મુંબઈ-નાશિક હાઇવે પર ખારેગાવ નજીક બે બાઇકરો પાછળથી આવ્યા હતા. તેમણે ડ્રાઇવરને રિક્ષા સાઇડમાં લગાવવાનું કહીંને રિવૉલ્વર દેખાડીને પૈસાની માગણી કરી હતી. એ સમયે વેપારીના ગળા પર ચાકુ પણ રાખવામાં આવ્યું હતું. રિવૉલ્વર અને ચાકુ જોઈને વેપારી ગભરાઈ ગયા હતા અને તેમણે પૈસાની બૅગ આરોપીઓના હાથમાં આપી દીધી હતી. એ બૅગ લઈને આરોપીઓ ભિવંડીની દિશામાં આગળ નાસી ગયા હતા. ઘટનાની ફરિયાદ નોંધાતાં અમે આસપાસના વિસ્તારોનાં CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરીને અબ્દુલ અન્સારી નામના એક આરોપીની ભિવંડીમાંથી ધરપકડ કરી હતી. તેની પાસેથી વધુ માહિતી મેળવીને પાલઘરમાંથી વિવેક વાઘમોડે અને મયૂર પાટીલની પણ ધરપકડ કરી હતી. આ કેસમાં ટિપ આપનાર આરોપીની શોધ ચલાવવામાં આવી રહી છે. ધરપકડ કરેલા આરોપી પાસેથી ૫,૨૫,૮૫૦ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં વધુ માહિતી લેતાં અમને માલૂમ થયું હતું કે જે રિવૉલ્વર દેખાડી લૂંટ કરવામાં આવી હતી એ રિવૉલ્વર રમકડાની હતી, જેને પણ અમે જપ્ત કરી છે.’


