મુંબઈના દાદર અને ઘાટકોપરમાં યોજાશે ભાવસભર પચ્ચક્ખાણ મહોત્સવ
પૂજ્ય આચાર્ય શ્રી ધૈર્યસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબ, પૂજ્ય પંન્યાસ શ્રી નિર્મોહસુંદરવિજયજી મહારાજસાહેબ, પૂજ્ય મુનિશ્રી સુધારસવિજયજી મહારાજસાહેબ, પૂજ્ય સાધ્વીજી શ્રી પ્રતિજ્ઞાનિધિશ્રીજી મહારાજસાહેબ
જૈન ધર્મમાં તપશ્ચર્યાનું વિશેષ માહાત્મ્ય રહેલું છે. ગુરુવારે ૮ ઑક્ટોબરે સમગ્ર ભારતભરમાં ૩૬ જેટલા પુણ્યાત્માઓ ૧૦૦ ઓળી તથા ૧૦૮ ઓળી જેવી અતિ દુષ્કર અને વિશિષ્ટ તપોરાધનાનાં પચ્ચક્ખાણ ગ્રહણ કરવા જઈ રહ્યા છે.
આ મહાન તપ પર્વ અંતર્ગત મુંબઈના દાદર ખાતે ગચ્છાધિપતિ શ્રીમદ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબની પાવન નિશ્રામાં ૪ પુણ્યાત્માઓ (બે સાધ્વીજી ભગવંત અને બે શ્રાવિકાઓ) પચ્ચક્ખાણ ગ્રહણ કરશે.
મુંબઈના ઘાટકોપર વિસ્તારના જ વતની એવા ૪ પૂજ્ય મહાત્માઓએ દીક્ષા ગ્રહણ કર્યા બાદ પોતાના સંયમજીવનમાં આયંબિલ તપની આરાધનાનો પ્રારંભ કર્યો હતો. આ ચારેય મહાત્માઓ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબ તથા પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી જયસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબની પાવન નિશ્રામાં ૧૦૦મી ઓળીનાં પચ્ચક્ખાણ ગ્રહણ કરશે.
શું છે ૧૦૦ ઓળી તપશ્ચર્યા?
૧૦૦ ઓળીનું આ તપ અતિ કઠિન અને વિશિષ્ટ ગણાય છે:
કુલ દિવસો અને સમયગાળો : આ તપશ્ચર્યામાં કુલ ૫૦૫૦ દિવસોનું તપ સમાવિષ્ટ છે, જેને પરિપૂર્ણ કરવામાં લગભગ ૧૪.૫ વર્ષ (સાડાચૌદ વર્ષ) જેટલો સમય લાગે છે. મોટા ભાગના મહાત્માઓ આ આરાધના પચીસથી ૩૦ વર્ષના સમયગાળામાં પૂર્ણ કરતા હોય છે.
તપની ક્રમિક પદ્ધતિ : આ તપ વધતા ક્રમે થાય છે. પ્રથમ ઓળીમાં ૧ આયંબિલ અને ૧ ઉપવાસ; દસમી ઓળીમાં ૧૦ આયંબિલ અને ૧ ઉપવાસ; પચાસમી ઓળીમાં ૫૦ આયંબિલ અને ૧ ઉપવાસ — એમ ક્રમશઃ વધતાં-વધતાં ૧૦૦મી ઓળી સુધી પહોંચવાનું હોય છે. ૧થી ૯૯ ઓળી પૂર્ણ કર્યા બાદ ૧૦૦મી ઓળીમાં ૧૦૦ આયંબિલ અને ત્યાર બાદ ૧ ઉપવાસ કરવાથી આ તપ પરિપૂર્ણ થાય છે.
આયંબિલ તપનો નિયમ : આયંબિલ તપ દરમ્યાન દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, તળેલું, મિષ્ટાન્ન, ફ્રૂટ્સ, શાકભાજી કે ડ્રાયફ્રૂટ્સ જેવા કોઈ પણ સરસ-સ્વાદિષ્ટ પદાર્થોનો સંપૂર્ણ ત્યાગ હોય છે. માત્ર બાફેલું ધાન્ય અને લુખ્ખો ખોરાક જ ગ્રહણ કરવાનો હોય છે.
જૈનશાસનની આ દિવ્ય અને કઠિન તપોરાધના સમગ્ર જૈન સમાજ માટે ગૌરવ અને પ્રેરણારૂપ બની રહી છે.
આરાધના કરનાર ૪ મહાત્માઓનો પરિચય
ADVERTISEMENT
પૂજ્ય આચાર્ય શ્રી ધૈર્યસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબ
સંસારીપણામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર પૂજ્ય આચાર્યશ્રી ખૂબ જ વિદ્વાન, હોશિયાર, ઉત્કૃષ્ટ વક્તા અને પ્રભાવક પ્રવચનકાર છે. તેઓ ઉત્તમ લેખક પણ છે. તેમણે રાજસ્થાનના પલ્લિવાલ જેવાં ક્ષેત્રોમાં જૈન ધર્મનો ખૂબ વ્યાપક
પ્રચાર-પ્રસાર કર્યો છે. દર મહિને ‘ધર્મપ્રેમી સંદેશ’ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને જ્ઞાન પીરસવાનું કાર્ય કરી રહ્યા છે.
પૂજ્ય પંન્યાસ શ્રી નિર્મોહસુંદરવિજયજી મહારાજસાહેબ
પૂજ્ય આચાર્ય શ્રી ધૈર્યસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબ અને પંન્યાસ શ્રી નિર્મોહસુંદરવિજયજી મહારાજસાહેબ બન્ને સગા ભાઈઓ (બંધુબેલડી) છે. તેઓ પણ અદ્ભુત વક્તા, ભણેલા-ગણેલા અને ધર્મના પ્રચાર-પ્રસારમાં સદા અગ્રેસર રહેતા વિશિષ્ટ આરાધક છે.
પૂજ્ય મુનિશ્રી સુધારસવિજયજી મહારાજસાહેબ
અત્યંત સરળ સ્વભાવ ધરાવતા પૂજ્ય મુનિશ્રી મહાન તપસ્વી છે. તેમણે પોતાના સંયમજીવનમાં પચીસ ઉપવાસ, ૩૦ ઉપવાસ, ૩૧ ઉપવાસ, ૪૫ ઉપવાસ, સિદ્ધિ તપ, ભદ્ર તપ, શ્રેણી તપ, સમવસરણ તપ તથા વર્ષીતપ જેવી અનેક કઠિન અને વિરાટ તપશ્ચર્યાઓ સફળતાપૂર્વક સંપન્ન કરી છે.
પૂજ્ય સાધ્વીજી શ્રી પ્રતિજ્ઞાનિધિશ્રીજી મહારાજસાહેબ
અત્યંત મૃદુ અને સરળ સ્વભાવી, સેવાભાવી તથા કોકિલકંઠી પૂજ્ય સાધ્વીજી જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની આરાધનામાં સતત ઉદ્યમશીલ રહે છે. પૂર્વભવની સાધનાને આગળ ધપાવતાં તેમણે અનેકવિધ વીર તપશ્ચર્યાઓ કરી છે અને આગામી દિવસોમાં તેઓ પણ ૧૦૦મી ઓળીના તપ તરફ આગળ વધી રહ્યાં છે.
