મહારાષ્ટ્રના એક ભૂતપૂર્વ પ્રધાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને સનસનાટી મચાવી
સુબોધ સાવજી
કૉન્ગ્રેસી સુબોધ સાવજીએ લખ્યું કે અશોક ખરાતની હત્યા કરી દેવાય અથવા તે પોતે આત્મહત્યા કરી લે એવો મને ડર છે, જો તે સાચેસાચું કહી દેશે તો અનેક ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે
નાશિકના ભોંદુબાબા અશોક ખરાતના કેસમાં સતત અલગ-અલગ માહિતી બહાર આવી રહી છે. હવે આ કેસમાં હલચલ મચી ગઈ છે. ભૂતપૂર્વ કૉન્ગ્રેસી પ્રધાન સુબોધ સાવજીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સીધો પત્ર લખીને માગણી કરી છે કે આ કેસમાં સંબંધિત તમામ કેન્દ્રીય અને રાજ્ય પ્રધાનો તથા ઉચ્ચ કક્ષાના અધિકારીઓની નાર્કો-ટેસ્ટ કરાવવાનો આદેશ આપવામાં આવે, કારણ કે ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓની નાર્કો-ટેસ્ટ કરાવવાનો આદેશ આપવાની સત્તા આપને જ છે.
ADVERTISEMENT
સુબોધ સાવજીએ પત્રમાં કહ્યું હતું કે ‘અશોક ખરાત કેસને કારણે મહારાષ્ટ્રની છબિ ઘણી હદ સુધી ખરડાઈ છે. સત્ય બહાર લાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે હવે કડક પગલાં લેવાની જરૂર છે. અમને ડર છે કે અશોક ખરાત આત્મહત્યા કરી શકે અથવા તેની હત્યા થઈ શકે છે, કારણ કે તે જો સાચેસાચું કહી દેશે તો ઘણા અધિકારીઓ અને રાજકીય નેતાઓ મુસીબતમાં મુકાઈ શકે છે એથી તેને જીવનું જોખમ છે. તેને કાં તો પતાવી દેવામાં આવશે અથવા તે પોતે આત્મહત્યા કરી લેશે. એટલે તેની સાથે સંપર્કમાં જે પણ ઉચ્ચ અધિકારીઓ હતા એ બધાની નાર્કો-ટેસ્ટ કરવામાં આવે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એથી નાર્કો-ટેસ્ટ કરવાનો આદેશ આપવામાં આવે. એના થકી તપાસપ્રક્રિયા વેગ પકડશે અને કેસનાં તથ્યો સ્પષ્ટ થશે.’
આ પત્રના જવાબમાં રાષ્ટ્રપતિ શું પ્રતિભાવ આપે છે એના પર સૌની નજર હશે.
