BSE ખાતે ૧૫૪૬ શૅરોમાં નવાં નીચાં બૉટમ : શૅરબજાર આજે મહાવીર જયંતી નિમિત્તે બંધ : માર્કેટકૅપમાં વધુ ૯.૭૪ લાખ કરોડ સાફ
પ્રતીકાત્મક તસવીર
ગગડતા રૂપિયાને ટેકો આપવા રિઝર્વ બૅન્કનો દાવ લગભગ નિષ્ફળ : બૅન્ક નિફ્ટી ૧૯૯૯ પૉઇન્ટ કે પોણાચાર ટકા ડૂલ, ૪૧માંથી ૪૦ બૅન્ક શૅર ડાઉન : HDFC, TCS, તાતા મોટર્સ પૅસેન્જર સહિત સેન્સેક્સ-નિફ્ટીના ડઝન શૅર નવા તળિયે : બ્રેન્ટ ક્રૂડ ૧૧૬ ડૉલર નજીક, વૉર વકરે તો ઝડપથી ૧૫૦ ડૉલર થવાના વરતારા : BSE ખાતે ૧૫૪૬ શૅરોમાં નવાં નીચાં બૉટમ : શૅરબજાર આજે મહાવીર જયંતી નિમિત્તે બંધ : માર્કેટકૅપમાં વધુ ૯.૭૪ લાખ કરોડ સાફ
ભૂમિયુદ્ધ શરૂ કરવાની નેમથી અમેરિકાએ ૧૭,૦૦૦ જેટલા સૈનિકો ઉતાર્યા પછી વૉરમાં નવી ઉગ્રતા શરૂ થઈ ગઈ છે. મહિનો ચાલેલા હવાઈયુદ્ધ પછી હવે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનાં લશ્કરી દળો ધરતી પર ગમે ત્યારે સામસામે ટકરાઈ શકે છે. ખરી ખુવારી હવે શરૂ થશે. દરમ્યાન ઈરાનના સમર્થનમાં યમન ખાતેથી ઇઝરાયલ ઉપર હુમલા શરૂ થતાં એક નવો મોરચો ખૂલી ગયો છે. અમેરિકામાં ટ્રમ્પના વૉર સામે લાખો લોકો શેરીઓમાં ઊતરી પડ્યા છે. બ્રેન્ટક્રૂડ ૩ ટકા વધી ૧૧૬ ડૉલર નજીક સરક્યું છે. વૉર વકરે તો ઝડપી તેજીમાં ૧૫૦ ડૉલરનો ભાવ થઈ જશે એમ મનાય છે. મોટા ભાગનાં એશિયન બજાર સોમવારે ઘટ્યાં છે. ચાઇના અને થાઇલૅન્ડ સાધારણ પ્લસ હતા. જપાન સવાત્રણ ટકા કે ૧૬૭૭ પૉઇન્ટ ગગડ્યું છે. સાઉથ કોરિયા ૩ ટકા, હૉન્ગકૉન્ગ પોણો ટકો, તાઇવાન પોણાબે ટકા ઘટ્યું છે. યુરોપ ખાતે રનિંગમાં લંડન ફુત્સી અડધો ટકો સુધર્યો હતો. અન્ય બજાર નહીંવત્થી સામાન્ય નરમ હતાં. પાકિસ્તાની શૅરબજાર નીચામાં ૧,૪૪,૬૫૬ થઈને ૫૨૩૦ પૉઇન્ટ તૂટી ૧,૪૬,૪૭૮ ચાલતું હતું. બિટકૉઇન સવાબે ટકા બાઉન્સ-બૅક થઈને ૬૭,૪૪૦ થયો છે.
ADVERTISEMENT
શુક્રવારના ૧૬૯૦ પૉઇન્ટના ધબડકા બાદ સેન્સેક્સ ૧૦૧૮ પૉઇન્ટ નીચે ૭૨,૫૬૫ ખૂલી છેવટે ૧૬૩૬ પૉઇન્ટ તૂટી ૭૧,૯૪૭ તથા નિફ્ટી ૪૮૮ પૉઇન્ટ ખરડાઈ ૨૨,૩૩૧ થઈ કાલે બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ઉપરમાં ૭૩,૧૬૫ અને નીચામાં ૭૧,૭૭૪ થયો હતો. બજાર વર્ષના તળિયે જવાની તૈયારીમાં છે. નિફ્ટી નીચામાં ૨૨,૨૮૪ની અંદર ગયો હતો. ખરાબ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૫૭૦ શૅરની સામે ૨૭૬૪ શૅર ઘટ્યા છે. માર્કેટકૅપ ૯.૭૪ લાખ કરોડ ગગડી હવે ૪૧૨.૪૧ લાખ કરોડે આવી ગયું છે. BSEમાં ભાવની રીતે ગઈ કાલે ૬૪ શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવી ટોચે ગયા હતા. સામે ૧૫૪૬ જાતો નવા તળિયે પહોંચી છે. ૪૨૦ જાતોમાં મંદીની સર્કિટ લાગેલી હતી. તમામ સેક્ટોરલ લાલ થયા છે. સેન્સેક્સ નિફ્ટીની સવાબે ટકા નજીકની ખરાબી સામે બૅન્ક નિફ્ટી પોણાચાર ટકા કે ૧૯૯૯ પૉઇન્ટ, પીએસયુ બૅન્ક નિફ્ટી સાડાચાર ટકા, ફાઇનૅન્સ ઇન્ડેક્સ સાડાત્રણ ટકા, ટેલિકૉમ ૩.૧ ટકા, ઑટો ૨.૩ ટકા, રિયલ્ટી ૩ ટકા, નિફ્ટી મીડિયા અઢી ટકા, નિફ્ટી ડિફેન્સ પોણાત્રણ ટકા ડૂલ થયો છે.
સેન્સેક્સ નિફ્ટી ખાતે ગઈ કાલે બજાર ફિનસર્વ, અદાણી એન્ટર, HDFC બૅન્ક, કોટક બૅન્ક, ICICI બૅન્ક, HDFC લાઇફ, ટ્રેન્ટ, ITC, તાતા મોટર્સ પૅસેન્જર, વિપ્રો, સિપ્લા, TCS જેવા ડઝન શૅરમાં નવા નીચા ભાવ દેખાયા છે. નિફ્ટી ખાતે હિન્દાલ્કો બે ટકા તો સેન્સેક્સમાં ટેક મહિન્દ્ર ૧.૭ ટકા વધી ટૉપ ગેઇનર હતી. અન્યમાં કોલ ઇન્ડિયા સવા ટકો, ONGC એકાદ ટકો, પાવરગ્રીડ નહીંવત્ સુધરી છે. બજાજ ફાઇનૅન્સ પાંચ ટકા તૂટી ૮૦૧ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ લૂઝર બની છે. અન્યમાં ઇન્ડિગો પોણાચાર ટકા, બજાજ ફિનસર્વ ૩.૭ ટકા, ટ્રેન્ટ ૩.૧ ટકા, ભારતી ઍરટેલ ત્રણેક ટકા, મહિન્દ્ર અને અલ્ટ્રાટેક પોણાત્રણ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ સાડાત્રણ ટકા, જિયો ફાઇનૅન્સ ૩.૬ ટકા, આઇશર તથા SBI લાઇફ સવાત્રણ ટકા, તાતા કન્ઝ્યુમર સવાત્રણ ટકા નજીક કપાઈ છે.
એક્સ બોનસ થતાં IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૮ ટકા ઊછળી
BSE લિસ્ટેડ ટ્રાઇટન વાલ્વ્સ એક શૅરદીઠ ૩ના બોનસમાં એક્સ બોનસ થતાં ગઈ કાલે ઉપર ૯૦૯ બતાવી ૧.૭ ટકા ઘટીને ૮૪૪ બંધ થઈ છે. અગાઉ મે-૨૦૧૦માં શૅરદીઠ બેનું મેઇડન બોનસ આપ્યું હતું. મુંબઈના પવઈ ખાતેની IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર શૅરદીઠ એકના મેઇડન બોનસમાં બોનસ બાદ થતાં ઉપરમાં ૨૨.૭૦ થઈ ૮ ટકા ઊછળીને બાવીસ ઉપર રહી છે. હૈદરાબાદની બીટુબી સૉફ્ટવેર બે શૅરદીઠ એક બોનસમાં ગુરુવારે એક્સ બોનસ થશે. ભાવ ગઈ કાલે ૪૫ નજીક જઈ ૪.૮ ટકા વધી ત્યાં જ બંધ થયો છે. સુરતની આબી ડેનિમ્સ બે શૅરદીઠ એક બોનસ અને બેના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં બીજી એપ્રિલે એક્સ બોનસ તથા એક્સ સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે ૬૫ નીચેનું બૉટમ બનાવી પાંચ ટકા તૂટી ત્યાંજ બંધ થયો છે. ભાવ ૨૫ ફેબ્રુઆરીના રોજ ૨૦૯ હતો. ગુજરાત કોટેક્સ એક શૅરદીઠ છના પ્રમાણમાં પાંચના શૅરદીઠ ભાવોભાવ રાઇટ ઇશ્યુમાં એક્સ રાઇટ થતાં ગઈ કાલે ઉપર ૬.૬૩ થઈને ૨૦ ટકા વધી ત્યાં જ બંધ હતો.
સૌથી ઊંચી બીડ હોવા છતાં જયપી ગ્રુપની ઍસેટ્સ ટેકઓવર કરવાના મામલે અદાણી ગ્રુપની અદાણી ગ્રુપની પસંદગી થતાં વેદાન્તા તરફથી આ માલો સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની વિચારણા હાથ ધરાઈ છે. આશરે ૫૭,૦૦૦ કરોડની લોનના વ્યાજ મુદ્દલની પરત ચુકવણીમાં ડિફૉલ્ટ થતાં જયપી ગ્રુપને નાદાર જાહેર કરીને એની ઍસેટ્સનું નાદારીના કાયદા હેઠળ જાહેર ઑક્શન કરાયું હતું. એમાં વેદાન્તાની બીડ ૧૭,૦૦૦ કરોડની સૌથી ઊંચી હોવા છતાં લૅન્ડર્સની તરફેણમાં ૧૪,૫૩૫ કરોડ રૂપિયાનું બિડ કરનાર અદાણી ગ્રુપ બાજી મારી ગયું હતું. વેદાન્તાએ બે એનક્લેટમાં સ્ટે માગવાનો પ્રયાસ કર્યો હતો પણ એની આ માગણી ફગાવી દેવાઈ હતી એટલે વેદાન્તા હવે સુપ્રીમમાં જશે. વેદાન્તાનો શૅર ગઈ કાલે ઉપરમાં ૬૭૮ થઈ પોણો ટકો સુધરી ૬૫૫ બંધ થયો છે.
અદાણી એન્ટરપ્રાઇઝિસ બિલો-પાર થયો, ગ્રુપના તમામ શૅર ડાઉન
અદાણી એન્ટરપ્રાઇઝિસ નવેમ્બરમાં પચીસ શૅરદીઠ ૩ના પ્રમાણમાં એક રૂપિયાના શૅરદીઠ ૧૮૦૦ રૂપિયાના ભાવે ૨૪,૯૩૦ કરોડનો મહાકાય રાઇટ ઇશ્યુ લાવી હતી જે એકાદ ગણા કરતાં વધુ ભરાયો હતો. હવે ચારેક મહિનામાં જ ભાવ બિલો-પાર થઈ ગયો છે. અદાણી એન્ટરપ્રાઇઝનો શૅર ગઈ કાલે ૧૭૫૩ની ૩ વર્ષની નીચી સપાટી બતાવી ૩.૫ ટકા તૂટી ૧૭૬૦ બંધ રહ્યા છે. અદાણીના અન્ય શૅરમાં ગઈ કાલે અદાણી પોર્ટ્સ ૧.૮ ટકા ઘટીને ૧૩૧૩, અદાણી પાવર ૨.૨ ટકા ઘટીને ૧૫૦, અદાણી એનર્જી સવાબે ટકા ઘટીને ૯૩૪, અદાણી ટોટલ ૩.૭ ટકા તૂટીને ૫૧૦ બંધ હતી. NDTV ૫૯ રહી છે. ACC ૧૨૫૦નું ૨૦૨૦ની ૧ જુલાઈ પછીનું તળિયું બનાવી ૪.૬ ટકા ગગડી ૧૨૫૩ હતી. અંબુજા સિમેન્ટ્સ બે ટકા તરડાઈ ૪૦૧ હતી. સાંઘી ઇન્ડસ્ટ્રીઝ ૨.૭ ટકા, ઓરિઅન્ટ સિમેન્ટ્સ ૩.૨ ટકા, એમીઇન્ડિયા પ્રોજેક્ટ્સ સવાત્રણ ટકા તથા PSP પ્રોજેક્ટ્સ સવાછ ટકા બગડી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાધારણ ઘટીને ૧૩૪૪ હતી. જિયો ફાઇનૅન્શ્યલ ૩.૬ ટકાની નરમાઈમાં ૨૨૪ થઈ છે. મુકેશ અંબાણી ગ્રુપના અન્ય શૅરમાં નેટવર્ક ૧૮ મીડિયા ૨૭.૪૦ની પોણાછ વર્ષની બૉટમ બતાવી ૩.૮ ટકા ઘટીને ૨૭.૬૩ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફ્રા ૪.૯ ટકા, આલોક ઇન્ડસ્ટ્રીઝ પોણાછ ટકા, ડેન નેટવર્ક સાડાપાંચ ટકા, હેથવે કેબલ સાડાચાર ટકા, સ્ટર્લિંગ ઍન્ડ વિલ્સન પોણાછ ટકા, લોટસ ચૉકલેટ ૫.૯ ટકા ડૂલ થઈ છે. આલોક ઇન્ડસ્ટ્રીઝ, હેથવે કેબલ, ડેન નેટવર્ક તથા સ્ટર્લિંગ વિલ્સનમાં નવા નીચા ભાવ જોવાયા છે. અનિલ અંબાણીની રિલાયન્સ પાવર ૨૦ના મલ્ટિયર તળિયે જઈ સાડાચાર ટકા ગગડીને ૨૦.૩૬ તથા રિલાયન્સ ઇન્ફ્રા ૬૭ના સાડાચાર વર્ષના તળિયે જઈ પાંચ ટકા ગગડીને ત્યાં જ રહી છે. NSDL ૭૮૮ના ઑલટાઇમ તળિયે જઈ પાંચ ટકા તૂટી ૭૯૧ હતી. HDB ફાઇનૅન્સ ૫૫૭નું વર્સ્ટ લેવલ નોંધાવી ૫.૨ ટકા ખરડાઈ ૫૬૦ તો બજાજ હાઉસિંગ ૭૩ની સૌથી નીચી સપાટી બનાવી ૩.૬ ટકા ગગડી ૭૩ હતી. ઓલા ઇલેક્ટ્રિક ૬ ટકા લથડી ૨૨.૮૨ હતી.
HDFC, ICICI તથા કોટક બૅન્કનાં નવાં ઐતિહાસિક બૉટમ
ડૉલર સામે સતત ગગડતા રૂપિયાને ટેકો આપવા રિઝર્વ બૅન્ક તરફથી બૅન્કો ઉપર ઑફશૉર કરન્સી માર્કેટમાં ઓપન પોઝિશન રાખવા સંબંધે મહત્ત્મ લિમિટ નક્કી કરાઈ છે. આના કારણે ડૉલર સામે રૂપિયો શુક્રવારે જે ૯૪.૮૧ બંધ થયો હતો એ ગઈ કાલે સવા રૂપિયો મજબૂત ૯૩.૮૧ ખૂલ્યો હતો. જોકે આ ઉછાળો બહુધા ઊભરા જેવો હતો અને પછીથી ભાવ ડૉલરદીઠ ૯૪.૭૭ આસપાસ આવી ગયો હતો. ડૉલર સામે રૂપિયાની નબળાઈ સટ્ટાખોરી કરતાં ફ્રન્ડામેન્ટલ્સ કારણોને આભારી છે. આથી રિઝર્વ બૅન્ક ગમે એ કરે, પણ ધારી સફળતા મળવાની નથી. બીજી તરફ ફૉરેક્સ માર્કેટમાં એક્સ્પોઝર કાપવાની એકાએક ફરજ પડતાં બૅન્કોને વત્તેઓછે અંશે માર પડવાનો છે. આથી ગઈ કાલે બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૧૪ શૅરની ખરાબીમાં ૩.૮ ટકા કે ૧૯૯૯ પૉઇન્ટ તૂટ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી પણ બારમાંથી ૧૨ શૅરના બગાડમાં ૪.૬ ટકા ડૂલ થયો હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૪૦ શૅર ગઈ કાલે ઘટ્યા હતા સિટી યુનિયન બૅન્ક ૫.૩ ટકા, DCB કાલે ઘટ્યા હતા. સિટી યુનિયન બૅન્ક પાંચ ટકા, યસ બૅન્ક ૪.૮ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૪.૯ ટકા, ફિનો પેમેન્ટ બૅન્ક પોણાઆઠ ટકા, ઇક્વિટાસ બૅન્ક ૫.૬ ટકા, ઇસફ બૅન્ક ૫.૧ ટકા, એયુબૅન્ક ૪.૬ ટકા, ઉજજીવન બૅન્ક સાડાચાર ટકા, ઉત્કર્ષ બૅન્ક ૭.૩ ટકા, સૂર્યોદય બૅન્ક ૭.૨ ટકા, યુનિયન બૅન્ક સાડાછ ટકા, પંજાબ સિંઘ બૅન્ક પાંચ ટકા, કૅનરા બૅન્ક સવાપાંચ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૫.૫ ટકા ખરડાઈ હતી.
HDFC બૅન્ક ૭૨૭ની લગભગ પોણાબે વર્ષની બોટમ બતાવી સવાત્રણ ટકા ગગડી ૭૩૧ બંધમાં બજારને ૩૧૫ પૉઇન્ટ નડી છે. ICICI બૅન્ક ૧૨૦૦ની તેર મહિનાની નીચી સપાટી નોંધાવી ૨.૪ ટકા ઘટીને ૧૨૦૫ બંધ થતાં એમાં ૧૭૫ પૉઇન્ટનો ઉમેરો થયો છે. સ્ટેટ બૅન્ક ૪ ટકા તૂટી ૯૮૦ તથા ઍક્સિસ બૅન્ક ૩.૬ ટકા ગગડી ૧૧૬૨ હતી. કોટક મહિન્દ્ર બૅન્ક ૩૫૨ નજીક આશરે સવા વર્ષના તળિયે જઈને ૩.૫ ટકા ખરડાઈને ૩૫૩ રહી છે. આ પાંચ બૅન્કો બજારને કુલ ૮૧૫ પૉઇન્ટ ભારે પડી છે.
સરકારની સેન્ટ્રલ માઇન પ્લાનિંગમાં સાડાદસ ટકા લિસ્ટિંગ લૉસ
ગઈ કાલે મેઇન બોર્ડમાં સરકારી કંપની સેન્ટ્રલ માઇન પ્લાનિંગ બેના શૅરદીઠ ૧૭૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૨૪થી શરૂ થયા બાદ ગલભગ ઝીરો થઈ ગયા પછી ઉપરમાં ૯ થઈ છેલ્લે બોલાતા પાંચના પ્રીમિયમ સામે ૧૬૩ ખૂલી ઉપરમાં ૧૬૮ અને નીચામાં ૧૫૨ બતાવી ૧૫૪ બંધ થતાં ૧૦.૪ ટકા લિસ્ટિંગ લૉસ એમાં મળી છે. ૧૮૪૨ કરોડ રૂપિયાનો આ પ્યૉર OFS IPO રીટેલ અને HNI પોર્શનમાં ૩૫ ટકા જ ભરાયો હતો. કંપનીના કર્મચારીઓ માટે શૅરદીઠ ૮ રૂપિયા ડિસ્કાઉન્ટ હોવા છતાં ઍમ્પ્લોઇઝ પોર્શન કેવળ ૨૧ ટકા ભરાયો હતો. QIB પોર્શન સાડાત્રણ ગણો છલકાતાં ભરણું કુલ ૧.૦૫ ગણું ભરાઈ શક્યું હતું. અમદાવાદ ખાતેની દવાઓનું વેચાણ કરતી સ્પેશ્યલિટી મેડિસિન્સ ૧૦ના શૅરદીઠ ૧૨૪ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં પહેલેથી ઝીરો પ્રીમિયમ સામે BSE ખાતે ૧૨૪ ખૂલી ૧૨૬ બંધ રહેતાં દોઢ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૨૯ કરોડનો આ SME IPO રીટેલમાં ૮૫ ટકા સહિત કુલ સવાબે ગણો ભરાયો હતો. QIB પોર્શન ૯૬ ગણો છલકાયો હતો. ટિપ્કો એન્જિનિયરિંગનો SME IPO બુધવારે લિસ્ટેડ થશે.
નવી મુંબઈની વિવિડ ઇલેક્ટ્રૉમેકનો ૧૦ના શૅરદીઠ ૫૫૫ રૂપિયાની ભારેખમ ઇશ્યુ પ્રાઇસ સાથે ૧૩૧ રૂપિયાનો NSE SME ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ૩૬ ટકા, HNIમાં દોઢગણા તથા QIBમાં બેગણા પ્રતિસાદ સાથે કુલ ૧.૧ ગણો ભરાઈને પૂરો થયો છે. લીડ મૅનેજર હેમ સિક્યૉરિટીઝનું મૅજિક કામ નથી આવ્યું. પ્રીમિયમ પહેલેથી ઝીરો છે. જયપુરની એમિયાક ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૯૮ના ભાવનો કુલ ૩૨ કરોડનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે રીટેલમાં ૧૫ ટકા સહિત કુલ ૧૪ ટકા ભરાયું છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ પહેલેથી શૂન્ય છે.
