નાલાસોપારામાં ગઈ કાલે સવારે ૧૦૦થી વધારે રિક્ષા-ડ્રાઇવરોએ એક દિવસની હડતાળ જાહેર કરી દેતાં તનાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી
રિક્ષા-ડ્રાઇવરને માર મારનાર હનુમંત સાંગલે.
નાલાસોપારામાં ગઈ કાલે સવારે ૧૦૦થી વધારે રિક્ષા-ડ્રાઇવરોએ એક દિવસની હડતાળ જાહેર કરી દેતાં તનાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. તુલિંજ ડિવિઝન અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP) ઑફિસની બહાર મોટી સંખ્યામાં રિક્ષા-ડ્રાઇવરોએ ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો. હડતાળના કારણે ખાસ કરીને નાલાસોપારા અને આસપાસના વિસ્તારોમાં ઑફિસ જતા લોકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોને ભારે મુશ્કેલી પડી હતી. પીક અવર્સ દરમ્યાન રિક્ષા ઉપલબ્ધ ન હોવાથી ઘણા લોકોને વિકલ્પ શોધવા મજબૂર થવું પડ્યું હતું, જેના કારણે રોજિંદા જીવન પર નોંધપાત્ર અસર પડી હતી.
આ વિરોધનું મુખ્ય કારણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો એક વિડિયો છે જેમાં ટ્રાફિક કૉન્સ્ટેબલ હનુમંત સાંગલેએ એક રિક્ષા-ડ્રાઇવર પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. આ ઘટના પચીસમી માર્ચની હોવાનું કહેવામાં આવે છે. પીડિત તરીકે ઓળખાયેલા રાજેશ મિશ્રાએ આરોપ મૂક્યો છે કે હનુમંત સાંગલેને લાંચ વિશે સવાલ કર્યો ત્યાર બાદ તેની મારપીટ કરવામાં આવી હતી. અન્ય પોલીસ-કર્મચારી અશોક પવાર પર પણ ઘટનામાં સંડોવણીના આરોપ લાગ્યા છે. વિડિયો સામે આવ્યા બાદ
ADVERTISEMENT
રિક્ષા-ડ્રાઇવરોમાં ભારે રોષ ફેલાયો છે અને ન્યાયની માગણી વધુ ઉગ્ર બની છે. ગઈ કાલે તુલિંજ ACP ઑફિસની બહાર ભેગા થયેલા રિક્ષા-ડ્રાઇવરોએ આરોપ મૂક્યો હતો કે લાંચ વિશે પોલીસ-વિભાગમાં વારંવાર કરવામાં આવેલી ફરિયાદો છતાં અત્યાર સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસ પોતાના જ કર્મચારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેમની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવી રહી નથી. રિક્ષા-ડ્રાઇવરોનાં સંગઠનોએ જણાવ્યું હતું કે સતત થતી હેરાનગતિ, દબાણ અને ભ્રષ્ટાચાર સામે તેઓ લાંબા સમયથી અવાજ ઉઠાવતા આવ્યા છે, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતાં હવે હડતાળનો રસ્તો અપનાવવામાં આવ્યો છે.
