મીરા-ભાઇંદર મહાનગરપાલિકાના ડેપો પાસે આગ
મહાનગરપાલિકાના ડેપો પાસે લાગેલી આગ
સુરતમાં બનેલી આગની દુર્ઘટનાએ સૌકોઈને હચમચાવી નાખ્યા છે ત્યારે મીરા રોડમાં આવેલા મહાનગરપાલિકાના બસ-ડેપો પાસે એક અનધિકૃત ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. જોકે સમયસર આગ પર કાબૂ મેળવી લેવાયો હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
આ પણ વાંચો:સુરતની ઘટના પછી ગુજરાતભરના 32 ક્લાસ સીલ ને 550થી વધારે ક્લાસિસને નોટિસ
ADVERTISEMENT
મીરા રોડના પ્લૅઝન્ટ પાર્ક વિસ્તારમાં મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના પરિવહન સેવાનો બસ-ડેપો છે. આ ડેપોમાં રસ્તા પર દોડતી અનેક બસ પાર્ક કરેલી હોય છે. શુક્રવારે રાતના સમયે ડેપોને એકદમ અડીને આવેલા પતરાંનું શેડ બાંધીને અનધિકૃત રીતે બનાવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. દુકાનમાં રહેલો બધો સામાન આગની લપટોમાં ખાખ થઈ ગયો હતો તેમ જ રાતનો સમય હોવાથી દુકાનમાં એ વખતે કોઈ નહોતું જેથી જાનહાનિ થઈ નહોતી. ફાયર-બ્રિગેડને તાત્કાલિક જાણ કરાતાં ફાયરજવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હોવાથી વિકરાળરૂપ લેતાં પહેલાં આગની લપટો પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.