૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે મંદિરનું રીડેવલપમેન્ટ કરો એની ના નથી, પણ અમારા હકના ઘરનું શું?
રહેવાસીઓએ દાવો કર્યો છે કે સિદ્ધિવિનાયક મંદિર પરિસરની અમારી વાડીના પુનર્વિકાસના મુદ્દાઓ અને અન્ય પડતર બાબતોને કારણે લગભગ ૧૪૦ મરાઠી પરિવારો પ્રભાવિત થયા છે
સિદ્ધિવિનાયક મંદિરની ભવ્ય નવનિર્માણ યોજના વચ્ચે મંદિર વિસ્તારની નજીક રહેતા વિસ્થાપિત ૧૪૦ મરાઠી પરિવારોના એક ગ્રુપે તેમના લાંબા સમયથી પડતર રીડેવલપમેન્ટ અને રહેઠાણના મુદ્દાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
દાદર મુંબઈકર નામના અકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવેલા એક વિડિયોમાં મંદિરની નજીક પુરુષોત્તમવાડીના રહેવાસીઓએ દાવો કર્યો છે કે સિદ્ધિવિનાયક મંદિર પરિસરની અમારી વાડીના પુનર્વિકાસના મુદ્દાઓ અને અન્ય પડતર બાબતોને કારણે લગભગ ૧૪૦ મરાઠી પરિવારો પ્રભાવિત થયા છે જેને લીધે ઘણા પરિવારોને પોતાના ખર્ચે બીજે રહેવાની ફરજ પડી રહી છે.
ADVERTISEMENT
એક રહેવાસીએ કહ્યું હતું કે ‘સરકાર પાસે સિદ્ધિવિનાયક મંદિરની જાળવણી માટે ૫૦૦ કરોડ રૂપિયા છે, પરંતુ મંદિરની આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે, છેલ્લાં ૪ વર્ષથી બેઘર થઈ ગયેલા ૧૪૦ મરાઠી પરિવારોને તેમના હકનાં ઘરો પૂરાં પાડવા માટે પૈસા નથી. તેમની પાસે કોઈ યોજના કે યંત્રણા નથી. વિધાનભવનમાં મોટી-મોટી મીટિંગો થાય છે અને કહેવાય છે કે અમે પાઘડીમુક્ત મુંબઈ કરીશું. શું આવી જ રીતે તમે પાઘડીમુક્ત મુંબઈ કરવાના છો?’
