આંધ્ર પ્રદેશથી પાછા આવેલા ઘાટકોપરના યાત્રીઓ શિકાર બન્યા : ૨૦૦-૨૦૦ રૂપિયાની નોટો સામે ૫૦૦ રૂપિયાની નોટો આપવા ગયા એમાં ૮૦૦થી ૧૦૦૦ રૂપિયા ગુમાવ્યા
ફાઇલ તસવીર
ઘાટકોપર-વેસ્ટની કામા લેનના વિસામો ગ્રુપના ગુજરાતી સિનિયર સિટિઝનોને ગઈ કાલે આંધ્ર પ્રદેશના યાત્રાપ્રવાસથી પાછા વળતાં સેન્ટ્રલ રેલવેના દાદર સ્ટેશન પર ટૅક્સી-ડ્રાઇવરોનો કડવો અનુભવ થયો હતો. વિસામો ગ્રુપના અનેક સિનિયર સિટિઝનો ટૅક્સી-ડ્રાઇવરોની ગૅન્ગનો શિકાર બન્યા હતા. એમાં અનેક સિનિયર સિટિઝનોએ દાદર સ્ટેશન પર જ ટૅક્સી-ડ્રાઇવરની ચાલમાં આવીને ૨૦૦-૨૦૦ રૂપિયાની નોટોની સામે ૫૦૦-૫૦૦ રૂપિયાની નોટો આપવા જતાં ૮૦૦થી ૧૦૦૦ રૂપિયા ગુમાવ્યા હતા.
આ સિનિયર સિટિઝનોએ તેમને એકસરખા થયેલા અનુભવની અને રૂપિયાની નોટો બદલી આપવાના બહાને ટૅક્સી-ડ્રાઇવરોએ કેવી રીતે તેમની સાથે છેતરપિંડી કરી એ વિશેની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે કામા લેનના વિસામો ગ્રુપમાંથી ૬૦ યાત્રીઓ આંધ્ર પ્રદેશના કુર્નૂલ તાલુકામાં આવેલા અદોની જૈન તીર્થના યાત્રાપ્રવાસે ગયા હતા. ગઈ કાલે સવારે ચેન્નઈથી મુંબઈ આવતી સુપરફાસ્ટ ટ્રેનમાં સવારે સાડાપાંચથી ૬ વાગ્યાની વચ્ચે અમે દાદર રેલવે-સ્ટેશન પર ઊતર્યા હતા. તરત જ અમને આઠથી ૧૦ ટૅક્સીવાળા ઘેરી વળ્યા હતા. ટૅક્સીવાળાઓએ પહેલાં અમને પૂછ્યું કે ઘાટકોપર મીટરથી જશો કે કેવી રીતે જશો? અમે કહ્યું કે મીટરથી જ જઈશું. તેમણે તરત જ અમને મીટરથી લઈ જવાની હા પાડી હતી. અમે સામાન મૂકીને જેવા ટૅક્સીમાં બેઠા કે તરત જ અંધારાનો લાભ લઈને ટૅક્સી-ડ્રાઇવરે અમને કહ્યું કે હું તમને ૨૦૦-૨૦૦ રૂપિયાની પાંચ નોટ આપું છું, તમે મને એની સામે ૫૦૦ રૂપિયાની બે નોટ આપી શકો છો. જેવી અમે તેને તેની ૨૦૦-૨૦૦ રૂપિયાની પાંચ નોટો સામે ૫૦૦ રૂપિયાની બે નોટો આપી કે બીજી જ પળે કહે કે મારી ટૅક્સીમાં પ્રૉબ્લેમ છે, તમે બીજી ટૅક્સી કરી લો. એમ કહીને અમને અમારી ૫૦૦ રૂપિયાની નોટને બદલે ૧૦૦-૧૦૦ રૂપિયાની બે નોટો પકડાવીને કહ્યું કે આ લો તમારી બે નોટો પાછી, તમે મારી ૨૦૦-૨૦૦ રૂપિયાની નોટો પાછી આપો અને બીજી ટૅક્સી પકડી લો. અમે તેની સૂચનાનું પાલન કર્યું હતું. પછી તેણે કહ્યું કે સાબ યે ગાડી નહીં જાએગી, આપકો મૈં દૂસરી ગાડી મેં બિઠાતા હૂં. તે મને બીજી ટૅક્સી તરફ લઈ ગયો જેમાં અમે સુરક્ષિત ઘરે પહોંચી ગયા. જોકે ઘરે પહોંચ્યા પછી અમને ખ્યાલ આવ્યો કે અમારી સાથે છેતરપિંડી થઈ છે. અમને ટૅક્સી-ડ્રાઇવરે અમારી ૫૦૦ રૂપિયાની બે નોટની બદલે ૧૦૦-૧૦૦ની બે નોટ પાછી આપી અંધારાનો લાભ લઈને છેતરપિંડી કરી હતી. અમારામાંથી અનેક સિનિયર સિટિઝનો સાથે ટૅક્સી-ડ્રાઇવરોએ ૮૦૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયાની લૂંટ કરી હતી.’
ADVERTISEMENT
શું કહે છે વિસામો ગ્રુપના સંચાલક?
સામાન્ય રીતે દાદર રેલવે-સ્ટેશનની બહાર ટૅક્સીની ગૅન્ગનો ભોગ સિનિયર સિટિઝનો જ બનતા હોય છે એમ જણાવતાં વિસામો ગ્રુપના સંચાલક નંદીસેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ઘાટકોપર આવ્યા પછી અમારી સાથે પ્રવાસમાં જોડાયેલા સિનિયર સિટિઝનો પાસેથી તેઓ લૂંટાયા છે એની જાણકારી મળી હતી. જોકે મારા જેવા અનેક સિનિયર સિટિઝનો ટૅક્સી-ડ્રાઇવરોના કારસ્તાનનો ભોગ બનતાં બચી ગયા હતા. મારી જેમ અન્ય એક સિનિયર સિટિઝન કપલને ટૅક્સી-ડ્રાઇવરની નોટ બદલવાની વાત પર શંકા ગઈ હતી. અમે અગાઉ ન્યુઝપેપરમાં દાદરની બ્લુ લાઇટ ગૅન્ગ વિશેના સમાચાર વાંચ્યા હતા એટલે અમે ફટાફટ ટૅક્સીમાંથી ઊતરી ગયા હતા. તે ટૅક્સી-ડ્રાઇવર અમને પૂછતો રહ્યો કે ક્યા હો ગયા... ક્યા હો ગયા... પણ અમે તેની સાથે કોઈ પણ જાતની દલીલમાં ઊતર્યા વગર ત્યાંથી બીજી ટૅક્સી પકડીને ઘરભેગા થઈ ગયા હતા.’


