બૉમ્બે હાઈ કોર્ટે PoPની મૂર્તિઓના વિસર્જન બાબતે અમુક નિર્દેશો કર્યા હતા જેના પગલે રાજ્ય સરકારે રાજીવ ગાંધી સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી કમિશનની રચના કરી હતી.
પ્રતીકાત્મક તસવીર
ગણેશોત્સવ નજીક આવતાં પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની મૂર્તિઓના વિસર્જનનો પ્રશ્ન ઊભો થાય છે. આ વર્ષે પર્યાવરણને નુકસાન ન થાય એ રીતની ટકાઉ પૉલિસી બનાવવાનો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અધિકારીઓને નિર્દેશ કર્યો છે. લાંબા ગાળાનો આ ઉકેલ લોકપરંપરા જળવાય એવો પણ હોવો જોઈએ એમ દેવેન્દ્ર ફડણવીસે ભાર મૂક્યો હતો.
તહેવારોને ઇકો-ફ્રેન્ડ્લી રીતે ઊજવવા માટેની ચર્ચા માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉચ્ચ સ્તરની એક બેઠકનું આયોજન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે એવી પૉલિસી બનાવવી જોઈએ જે પર્યાવરણ-સંરક્ષણને મહત્ત્વ આપવાની સાથે સાંસ્કૃતિક પ્રથાઓને પણ જાળવી રાખે તેમ જ કાયદાકીય રીતે પણ યોગ્ય હોવી જોઈએ.
ADVERTISEMENT
બૉમ્બે હાઈ કોર્ટે PoPની મૂર્તિઓના વિસર્જન બાબતે અમુક નિર્દેશો કર્યા હતા જેના પગલે રાજ્ય સરકારે રાજીવ ગાંધી સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી કમિશનની રચના કરી હતી. એના રિપોર્ટમાં મોટી મૂર્તિઓનું દરિયામાં ઊંડે જઈને વિસર્જન કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ રિપોર્ટ પર વધુ અભ્યાસ કર્યા બાદ બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. દરમ્યાન મુખ્ય પ્રધાને ઇકો-ફ્રેન્ડ્લી મટીરિયલ અને નૅચરલ કલરનો ઉપયોગ કરીને મૂર્તિઓ બનાવવાનું સૂચન કર્યું છે.

