ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૨,૦૦૦ની નોટ પાછી ખેંચાવાની જાહેરાતને પગલે વેપારીઓને થવા લાગી હેરાનગતિ?

૨,૦૦૦ની નોટ પાછી ખેંચાવાની જાહેરાતને પગલે વેપારીઓને થવા લાગી હેરાનગતિ?

27 May, 2023 11:54 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

કાલબાદેવીના કપડાંના વેપારીનો કર્મચારી કાંદિવલીની બૅન્કમાં એક લાખ રૂપિયાની નોટ બદલાવીને મરીન લાઇન્સ સ્ટેશને ઊતર્યો ત્યારે ત્યાં હાજર જીઆરપીએ તેને અને તેના માલિકની કરી પૂછપરછ : જોકે ભારત મર્ચન્ટ્સ ચેમ્બરે દરમ્યાનગીરી કરીને તેને છોડાવ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ગયા શુક્રવારે અચાનક રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ૨,૦૦૦ રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરતાં જ રોજબરોજ અનેક લોકોને અને વેપારીઓને કડવા અનુભવો થવા લાગ્યા છે. આવો જ એક કડવો અનુભવ કાલબાદેવીના કપડાંના એક વેપારીને ગુરુવારે સાંજે થયો હતો. તેમનો કર્મચારી કાંદિવલીથી એક લાખ રૂપિયાની ૨,૦૦૦ની નોટ બદલાવીને મરીન લાઇન્સ રેલવે સ્ટેશન પર ઊતરતાં જ ગવર્નમેન્ટ રેલવે પોલીસે આ કર્મચારીને સકંજામાં લઈને હેરાનપરેશાન કરી નાખ્યો હતો. જોકે ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના ટ્રસ્ટી રાજીવ સિંઘલની મધ્યસ્થી પછી આ કર્મચારીને રેલવે પોલીસે છોડ્યો હતો. આ બનાવ પછી તરત જ ભારત મર્ચન્ટ્સ ચેમ્બરે એના મેમ્બરોને સાવધાન કરતાં કહ્યું હતું કે ‘અત્યારે પૂરા દેશમાં સામાન્ય માનવી હોય કે વેપારીઓ ૨,૦૦૦ની નોટ બૅન્કમાં જમા કરવા કે બદલી કરવામાં કાર્યરત છે. આ સમયે કોઈ વેપારીને કે કર્મચારીને કોઈ પોલીસ કે સરકારી અધિકારી રેલવે સ્ટેશન પર કે અન્ય કોઈ જગ્યાએ ચેકિંગના નામ પર હેરાન કરે તો તેણે તરત જ ચેમ્બરને જણાવવું.’

આ માહિતી આપતાં ચેમ્બરના ટ્રસ્ટી રાજીવ સિંઘલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે કપડાંના એક વેપારીનો કર્મચારી કાંદિવલીની બૅન્કમાંથી તેના પગારની અને તેના માલિકની એક લાખ રૂપિયાની ૨,૦૦૦ની નોટો બદલાવીને બજારમાં પાછો આવી રહ્યો હતો ત્યારે મરીન લાઇન્સ સ્ટેશન પર આ કર્મચારીને ગવર્નમેન્ટ રેલવે પોલીસે સંકંજામાં લીધો હતો. આ કર્મચારીની બૅગમાં એક લાખ રૂપિયાની રોકડ જોતાં જ જીઆરપીએ આ કર્મચારીની પૂછપરછ શરૂ કરી હતી. કર્મચારીએ પોલીસને સ્પષ્ટ પણ કર્યું કે તે કાંદિવલીની બૅન્કમાંથી ૨,૦૦૦ રૂપિયાની નોટો બદલીને આવી રહ્યો છે અને હવે તેની ઑફિસે જઈ રહ્યો છે. જોકે રેલવે પોલીસે એની સામે દલીલ કરતાં કહ્યું હતું કે સરકારે તો ફક્ત એક સમયમાં દસ નોટ સુધી જ બદલવાની છૂટ આપી છે તો તને તારી બૅન્કે કેવી રીતે પચાસ નોટ બદલી આપી? કર્મચારીએ એનો જવાબ આપતાં કહ્યું કે અમે બે ચાર જણ બૅન્કમાં ગયા હતા અને નોટો બદલી હતી તથા આમાં મારા પગારના અને મારા શેઠના રૂપિયા છે. તો રેલવે પોલીસ કહે કે તું જુઠ્ઠું બોલે છે, આ બે નંબરના રૂપિયા છે, તારી સામે અને તારા શેઠ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. એમ કહીને તેને તેના શેઠને બોલાવીને સેટલમેન્ટ કરવા કહ્યું હતું.’

રાજીવ સિંઘલે રેલવે પોલીસની કાર્યવાહીની વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘કપડાંના વેપારીના કર્મચારીએ તેના શેઠનો સંપર્ક કરીને આખી મામલાની જાણ કરી હતી. તેને તેના લેવલ પર ઘણી રકઝક કરી કે આ વાઇટ પૈસા છે, પરંતુ રેલવે પોલીસ તેને છોડવા તૈયાર જ નહોતી. આ વાતની તેના શેઠને જાણકારી મળતાં તરત જ તેમણે ભારત મર્ચન્ટ્સ ચેમ્બરનો સંપર્ક કર્યો હતો. આખરે ભારત મર્ચન્ટ્સ ચેમ્બરની મધ્યસ્થીથી આખો મામલો તેના સિનિયર અધિકારી સુધી લઈ જવામાં આવ્યા બાદ કોઈ પણ જાતના સેટલમેન્ટ વગર સૉલ્વ કરવામાં આવ્યો હતો. ચાર કલાકે એક લાખ રૂપિયા લઈને કર્મચારી તેની ઑફિસે પહોંચી ગયો હતો. જોકે આ ચાર કલાક તેના અને તેના શેઠના માનસિક તાણમાં ગયા હતા.’


આ બનાવ પછી અમે તરત જ અમારા સભ્યોને જાણકારી આપતો પરિપત્ર મોકલીને કહ્યું હતું કે આવો કોઈ બનાવ બને તો તેઓ ચેમ્બરની સહાય લે એમ જણાવીને રાજીવ સિંઘલે કહ્યું હતું કે ‘અમે અમારા સભ્યોને ગુરુવારના બનાવની માહિતી આપીને કહ્યું હતું કે વેપારીઓ સાવધાનીથી વર્તે. મરીન લાઇન્સ સ્ટેશન પર ચેમ્બરના એક સભ્યને જીઆરપીએ પરેશાન કરીને તેમની પાસે પૈસા માગવાની ઘટના પ્રકાશમાં આવી છે. ચેમ્બરે એના પર તરત જ કાર્યવાહી કરીને તે વેપારીને રાહત અપાવી હતી.’


ભારત મર્ચન્ટ્સ ચેમ્બરનો તેમના સભ્યોને સાવધાન કરતો ૨૬ મેનો પરિપત્ર

ચેમ્બરના સેક્રેટરી અજયકુમાર સિંઘાનિયાએ સંદર્ભમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બનાવ પછી અમે અમારા વેપારીઓની જાગૃત કરી દીધા છે. અમે અમારા વેપારીઓને એક પરિપત્ર મોકલીને જણાવી દીધું છે કે તમે ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલવા કે બૅન્કમાં જમા કરવા જતા હો અને તમને પોલીસ કે અન્ય સરકારી કર્મચારી કે રેલવે પોલીસ બૅગ ચેક કરવાના નામે હેરાન કરે તો તરત જ તમે ચેમ્બરનો સંપર્ક કરશો, જેથી ચેમ્બર તરફથી આ મુદ્દે જરૂરી કાર્યવાહી કરવામાં આવે. અમે આ પહેલાં ઑક્ટોબર ૨૦૨૧માં રેલવે પોલીસ કમિશનરને પણ આ બાબતની ફરિયાદ કરીને કહ્યું હતું કે તમારી રેલવે પોલીસ, જીઆરપી બોરીવલી અને ભાઈંદરમાં બૅગ-ચેકિંગના નામે અમારા વેપારીઓ અને તેમના કર્મચારીઓને હેરાન કરે છે એના પર ધ્યાન રાખવામાં આવે. અમે સમજીએ છીએ કે લોકોની સુરક્ષા વધુ મહત્ત્વની છે. આમ છતાં સુરક્ષાના નામે વેપારીઓને કે તેમના કર્મચારીઓને પોલીસ તરફથી હેરાન કરવામાં ન આવે.’

ગુરુવારના બનાવ બાબતમાં ચર્ચગેટ રેલવે સ્ટેશન પર બેસતા જીઆરપીના સિનિયર પોલીસ અધિકારી બાળાસાહેબ થોરાતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે વર્ષોથી લોકોની સુરક્ષા અંતર્ગત રેલવે પરિસરમાં જે લોકો શંકાસ્પદ કે સંશયભરી વસ્તુઓ લઈને જતા હોય તેની તપાસ અમારા રૂટીન ચેકિંગમાં કરતા હોઈએ છીએ. ગુરુવારે સાંજના અમારા મરીન લાઇન્સ સ્ટેશન પર ફરજ બજાવી રહેલા એક કૉન્સ્ટેબલને કપડાંના વેપારીના કર્મચારી પર સંશય જતાં તેણે એ કર્મચારીની બૅગ ચેક કરી હતી. એમાં એક લાખ રૂપિયા રોકડા હોવાથી અમે કર્મચારીની પૂછપરછ કરી હતી. તેણે અમને આ રૂપિયા તેણે કાંદિવલીની બૅન્કમાંથી ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલીને લીધા હોવાની જાણકારી આપી હતી. જોકે અમને સંતોષજનક જવાબ ન લાગતાં અમે તેના શેઠને મરીન લાઇન્સ સ્ટેશન પર બોલાવ્યા હતા. તેમણે અમને એક લાખ રૂપિયા રોકડ બાબત વ્યવસ્થિત જવાબ આપતાં અમે તેમને અને તેમના કર્મચારીને એક લાખ રૂપિયા લઈને જવા દીધાં હતા. અમારા ચેકિંગને ૨,૦૦૦ રૂપિયાની નોટ સાથે કોઈ નિસબત નથી.’

27 May, 2023 11:54 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK