મહિલાએ દાવો કર્યો હતો કે પૌત્ર તેને અહીં છોડી ગયો હતો, પૌત્ર દાદીના દાવાથી ચોંકી ગયો છે, પોલીસ તપાસ કરી રહી છે કે તે આરે કઈ રીતે પહોંચી?
આરે કૉલોનીમાં આ કચરામાં મહિલા મળી આવી હતી. ત્યાર બાદ તેને કૂપર હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી.
આરે મિલ્ક કૉલોનીમાં કચરાના ડમ્પ પાસે ત્યજી દેવાયેલી અવસ્થામાં શનિવારે સવારે મળી આવેલી એક વૃદ્ધ મહિલાના પરિવારને આરે પોલીસે શોધી કાઢ્યો છે. પોલીસનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર મહિલા કાંદિવલીમાં તેના પૌત્ર સાથે રહેતી હતી.
ઘટનાના દિવસે ૭૦ વર્ષની આ વૃદ્ધ મહિલા સાંજે ૭ વાગ્યે ઘરેથી નીકળી ગઈ હતી. એ સમયે તેમનો પૌત્ર અને તેની પત્ની ડ્યુટી પર ગયાં હતાં. એ વખતે ઘરે ફક્ત આ વૃદ્ધ મહિલા અને તેનો ૧૦ વર્ષનો પ્રપૌત્ર ઘરે હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
પૌત્રએ દાવો કર્યો હતો કે અમે માની નથી શકતા કે દાદી ક્યારે ઘર છોડી ગઈ અને તે આરે મિલ્ક કૉલોનીમાં કઈ રીતે પહોંચી ગઈ? પૌત્રનું કહેવું છે કે તેને માનસિક સમસ્યા છે. મહિલાએ આગલા દિવસે હોબાળો મચાવ્યો હતો કે કોઈ તેને ઘરમાંથી કાઢી મૂકવાનો પ્રયાસ કરે છે.
મહિલાના પૌત્ર સાગર શેવાળેએ આઘાત અને મૂંઝવણ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘મને એ જાણીને આશ્ચર્ય થયું કે મારી દાદી આરે કૉલોનીમાં મળી આવી અને તેણે પોલીસને કહ્યું હતું કે મેં તેને ત્યાં છોડી દીધી હતી. મને તો ખબર પણ નથી કે તે ત્યાં પહોંચી કઈ રીતે?’
સાગર અંધેરીમાં એક કંપનીમાં ઑફિસ-બૉય છે અને તેની પત્ની ઘરકામ કરે છે. તેમનો ૧૦ વર્ષનો પુત્ર અને તેની દાદી સાથે રહે છે. દાદી લગભગ એક વર્ષ પહેલાં પરિવાર સાથે રહેવા આવ્યાં હતાં. એ અગાઉ પોઇસરમાં ભાડાના મકાનમાં એકલાં રહેતાં હતાં. આ મુદ્દે સાગરે કહ્યું હતું કે ‘હું નાનો હતો ત્યારે મારા દાદાનું અવસાન થયું હતું. ત્યારથી દાદી એકલાં રહેતાં હતાં. કાંદિવલી-વેસ્ટમાં સ્વામી વિવેકાનંદ રોડ પર દેના બૅન્કની બહાર ફુટપાથ પર તેમની એક નાની દુકાન હતી જે તેમણે મહિને ૧૦,૦૦૦
રૂપિયાના ભાડાથી આપી હતી. ગયા વર્ષે દાદીની સંભાળ રાખતી મારી મમ્મીનું અવસાન થયા પછી હું તેને મારા ઘરે લઈ આવ્યો હતો.’
ડાયાબિટીઝને કારણે મહિલાના નાક પર મોટી ગાંઠ થઈ હતી. તેણે મીણબત્તીની જ્યોતનો ઉપયોગ કરીને એને ફોડીને સારવાર કરવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે. એને લીધે એક ખુલ્લો ઘા થયો જે સમય જતાં વધુ ખરાબ થયો અને અંતે ગૅન્ગ્રીન થઈ ગયું હતું. સાગરે જણાવ્યું હતું કે ‘ધીમે-ધીમે તેમનું માનસિક સ્વાસ્થ્ય કથળતું ગયું હતું. તેઓ સંદર્ભ વિનાની વાતો કરતાં હતાં. શુક્રવારે રાતે તેમની હાલત ખરાબ હતી. તેઓ વારંવાર કહેતાં હતાં કે કોઈ મને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે. મારો દીકરો એટલો ડરી ગયો કે અમારે તેને પાડોશીના ઘરે સૂવા માટે મોકલવો પડ્યો હતો.’
પોલીસે જણાવ્યું હતું કે અજાણી વૃદ્ધ મહિલાનો ફોટો તમામ પોલીસ-સ્ટેશનોમાં મોકલવામાં આવ્યો હતો. કાંદિવલી પોલીસે તેને ઓળખી લીધી હતી. એક દુકાનમાં પૂછપરછ કર્યા પછી પોલીસે તેમના ઘરનું સરનામું મેળવ્યું હતું. ત્યાંથી પોલીસે તેમના પૌત્રનો નંબર મેળવ્યો હતો અને તરત તેને જાણ કરી હતી.’
પોલીસ શું કહે છે?
આ કેસ વિશે એક સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રવીન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે ‘અમે મહિલાના પૌત્રનું નિવેદન નોંધ્યું છે. તે દાવો કરે છે કે તેણે તેની દાદીને છોડી નહોતી દીધી. જોકે પ્રશ્ન એ છે કે તે ઘરેથી આટલી દૂર આવી હાલતમાં કઈ રીતે પહોંચી ગઈ? પૂછપરછ કરવામાં આવી ત્યારે મહિલાએ શરૂઆતમાં અમને કહ્યું હતું કે તેના પૌત્રએ તેને એ સ્થળે છોડી દીધી હતી. અમે હાલમાં બધાં પાસાંઓની તપાસ કરી રહ્યા છીએ અને સત્ય સામે આવ્યા પછી તારણ પર આધારિત યોગ્ય કાર્યવાહી કરીશું.’


