થાણેમાં આયોજિત કાર્યક્રમમાં શિવસેના (UBT)ના નેતાઓ અને કાર્યકરોને પોતાની પાર્ટીમાં આવકારીને એકનાથ શિંદેએ કહ્યું...
એકનાથ શિંદે
રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ એક કાર્યક્રમમાં ભાષણ દરમ્યાન રવિવારે કહ્યું હતું કે ‘રાજ્ય સરકારની મહિલાઓ માટેની ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ ક્યારેય બંધ કરવામાં નહીં આવે. આ યોજના બંધ કરી દેવાશે એવી જે અફવાઓ ઊડે છે એ ખોટી છે.’
એકનાથ શિંદેએ આ યોજના લાવનાર મહાયુતિની સરકારના સાથી પક્ષોને વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટી કાઢવા બદલ લોકોનો આભાર માન્યો હતો. થાણેમાં રવિવારે રાતે આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં ૧૦૦ જેટલા ઍક્ટિવિસ્ટ ઉપરાંત શિવસેના (UBT)ના કેટલાક નેતાઓ અને પદાધિકારીઓ પણ એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેનામાં જોડાયા હતા.
ADVERTISEMENT
શિવસેના (UBT)માંથી શા માટે શિવસૈનિકો તેમની સાથે જોડાઈ રહ્યા છે એનો ખુલાસો આપતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘શિવસેના હવે બાળાસાહેબ ઠાકરેના વિચારોની સાથે આગળ વધી ગઈ છે. શિવસેના જે શબ્દ આપે છે એ શબ્દને પાળે છે. લોકોમાં એનાથી વિશ્વાસ જાગે છે અને એથી જ લોકો અમારી સાથે જોડાય છે. જો કોઈ કટોકટી ઊભી થાય તો શિવસેના છે, જો કોઈ હોનારત થાય તો શિવસેના છે જે તેમના પડખે તેમને મદદ કરવા ઊભી હોય છે. શિવસેના એક પરિવાર તરીકે કામ કરે છે જેમાં કોઈ માલિક નથી, બધા જ કાર્યકરો છે.’
એકનાથ શિંદેએ બાળાસાહેબ ઠાકરેના શબ્દોને દોહરાવીને કહ્યું હતું કે ‘જો એક વાર શબ્દ (વચન) આપ્યો તો આપ્યો, પછી એમાં પીછેહઠ ન કરાય.’


