નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો સવાલ
એકનાથ શિંદે
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદેએ સોમવારે પ્રયાગરાજ જઈને મહાકુંભમાં સ્નાન કર્યું હતું. ઉદ્ધવસેનાના મુખપત્ર ‘સામના’માં ટીકા કરવામાં આવી હતી એનો જવાબ એકનાથ શિંદેએ કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાકીને ગઈ કાલે આપ્યો હતો. એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે પોતાને હિન્દુ ગણાવે છે. જો તેઓ હિન્દુ હોય તો કુંભમેળામાં સ્નાન કરવા કેમ ન ગયા? આ લોકોના બોલવામાં અને વર્તન કરવામાં ફરક છે. કુંભમેળામાં ૬૭ કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું. ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી. તો રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરેએ કુંભમેળામાં જવાનું કેમ પસંદ ન કર્યું?’
કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે પણ ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધીની ટીકા કરતાં કહ્યું હતું કે ‘વીર સાવરકરનો વિરોધ કરનારા રાહુલ ગાંધીને ઉદ્ધવ ઠાકરે સાથ આપી રહ્યા છે. તેઓ રાજકારણની દિશા ભટકી ગયેલા નેતાઓ છે.’
ADVERTISEMENT
જોકે કૉન્ગ્રેસના ઉત્તર પ્રદેશના પ્રદેશાધ્યક્ષ અજય રાયે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ પરિવાર અને ગાંધી પરિવાર વતી મેં કુંભમેળામાં જઈને પવિત્ર સ્નાન કર્યું હતું. દેશના હિત માટેની પ્રાર્થના પણ કરી હતી.’

