ગઈ કાલે ૭૬ કિલોમીટરના ઇગતપુરી-આમણેના છેલ્લા તબક્કાનું ઉદ્ઘાટન થયું : મુંબઈથી નાગપુર હવે ૧૮ કલાકના બદલે ૮ કલાકમાં
ગઈ કાલે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગના છેલ્લા તબક્કાનું ઉદ્ઘાટન કરતા દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ-નાગપુરને જોડતા મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગના છેલ્લા તબક્કાનું, ૭૬ કિલોમીટર લાંબા ઇગતપુરી-આમણે વચ્ચેના માર્ગનું ગઈ કાલે ઉદ્ઘાટન કર્યું હતું. આમણે ગામ થાણે જિલ્લાના ભિવંડી તાલુકામાં આવેલું છે. આ છેલ્લા સ્ટ્રેચના ઉદ્ઘાટન સાથે જ મુંબઈ-નાગપુરનો ૭૦૧ કિલોમીટરનો આખો માર્ગ કાર્યરત થયો છે જેને કારણે મહારાષ્ટ્રનાં બન્ને મુખ્ય શહેર વચ્ચે મુસાફરીનો સમય ૧૮ કલાકથી ઘટીને ૮ કલાકનો થઈ જશે. આ ૬ લાઇનના એક્સપ્રેસવેને હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ નામ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ઉદ્ઘાટનનો કાર્યક્રમ ઇગતપુરી ટનલની બહાર યોજાયો હતો.
ઇગતપુરીમાં ઉદ્ઘાટન સમારોહ બાદ દેવેન્દ્ર ફડણવીસે આ એક્સપ્રેસવે પર આવેલી ઇગતપુરી ટનલ અને વાયાડક્ટનું ઇન્સ્પેક્શન કર્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કાર હંકારી હતી અને દેવેન્દ્ર ફડણવીસે બાજુની સીટ પર બેસીને એક્સપ્રેસવેની ચકાસણી કરી હતી. એ દરમ્યાન નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પાછળની સીટ પર બેઠા હતા.
થાણે ખાડી પરના પુલ ક્રમાંક ત્રણનું ગઈ કાલે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પુલ દક્ષિણ તરફ જતાં વાહનો માટે છે.

