ઉદ્ધવ ઠાકરે વરસતા વરસાદમાં વરસ્યા નરેન્દ્ર મોદી અને BJP પર, એકનાથ શિંદેએ બરાબરની ધોલાઈ કરી ઉદ્ધવની
ગઈ કાલે શિવાજી પાર્કમાં સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરે, ગઈ કાલે નેસ્કો સેન્ટરમાં સંબોધન કરતા એકનાથ શિંદે. તસવીર : સતેજ શિંદે
દશેરાની રૅલીમાં બન્ને શિવસેનાના પ્રમુખોએ કેવી સટાસટી બોલાવી જોઈ લો
જો આ લોકો મુંબઈ જીતી ગયા તો અદાણીને વેચી દેશે : ઉદ્ધવ ઠાકરે
ADVERTISEMENT
શિવસેના (UBT)ના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે પરંપરાગત રીતે શિવાજી પાર્કમાં ઊજવાતા દશેરા મેળાવડામાં તેમના સમર્થકોને સંબોધતી વખતે ભારતીય જનતા પાર્ટી (BJP), હાલની રાજ્ય સરકાર અને વડા પ્રધાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે અમારી સરકાર હતી ત્યારે અમે ખેડૂતોને કર્જમાફી આપી હતી. ઉદ્ધવ ઠાકરેએ બીજું શું-શું કહ્યું એના પર એક નજર...
આજે પૂરની પરિસ્થિતિને કારણે ખેડૂત પોતે શું ખાશે એની ચિંતામાં છે. એથી રાજ્ય સરકાર બીજાં બધાં જ તારણો બાજુ પર મૂકી દે અને ખેડૂતોને હેક્ટરદીઠ ૫૦,૦૦૦ રૂપિયાની સહાય નહીં આપે તો અમે રસ્તા પર ઊતરીશું, મરાઠવાડામાં અને રાજ્યભરમાં આંદોલન કરીશું.
BJPએ ૨૦૧૭માં જાહેર કરેલી મદદ હજી સુધી આપી નથી.
આજે મુંબઈમાં ખાડા પડે છે, ટ્રાફિકની સમસ્યા છે ત્યારે BJP મુંબઈનો મેયર બનાવશે એવી બૂમાબૂમ કરી રહી છે.
જો મુંબઈ (BMC) આ લોકોએ જીતી તો તેઓ આખી મુંબઈ અદાણીને વેચી દેશે.
હવે હિન્દુ–મુસ્લિમ વચ્ચે વિવાદ કરાવીને મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મણિપુર છેલ્લાં ૩ વર્ષથી ભડકે બળી રહ્યું છે, પણ સરકારને એની કંઈ પડી જ નથી.
થોડા દિવસ પહેલાં જ નરેન્દ્ર મોદી મણિપુર ગયા હતા અને ત્યાં જઈ લોકોને કહ્યું કે મણિપુરના નામમાં જ ‘મણિ’ છે. તેમને એ મણિ દેખાયો, પણ ત્યાંની જનતાની અને મહિલાઓની આંખનાં આંસુ ન દેખાયાં.

સભા ચાલુ હતી ત્યારે વરસાદ આવતાં જે લોકો પાસે છત્રી હતી તેઓ છત્રી ખોલીને ઊભા રહી ગયા હતા, પણ કેટલાક લોકો પાસે છત્રી નહોતી તેઓ તેમની ખુરસી પરથી ઊભા થઈ ગયા હતા અને ખુરસીને જ માથા પર છત્રીની જેમ પકડી રાખી હતી. ઉદ્ધવ ઠાકરે પોતે પણ ભીંજાયા હતા અને વરસાદની પરવા ન કરીને તેમણે શિવસૈનિકોને સંબોધ્યા હતા.
લેહ-લદ્દાખ જેવા દુર્ગમ વિસ્તારમાં કામ કરતા અને કડકડતી હાડ થીજવી દે એવી ઠંડીમાં ફરજ બજાવતા સૈન્યના સૈનિકો માટે સોલર પર ચાલે એવા હૂંફાળી ગરમી આપતા ટેન્ટની શોધ કરનારા દેશભક્ત સોનમ વાંગચુકમાં તેમને દેશદ્રોહી દેખાય છે. તેમની સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લગાડીને તેમને જેલમાં ગોંધી દેવામાં આવ્યા છે.
ન્યાય માટેની લડત જ્યાં પણ ચલાવવામાં આવે ત્યાંના લોકોને આ સરકાર જન સુરક્ષા કાયદા હેઠળ જેલમાં ગોંધી દે છે.
દેશભક્ત સોનમ વાંગચુક દેશદ્રોહી તો પછી પાકિસ્તાન જઈને નવાઝ શરીફને ત્યાં કેક ખાનારા મોદી કોણ એનો જવાબ BJP આપે.
BJP પહેલાં એના ઝંડામાંથી લીલો રંગ હટાવે, પછી અમને હિન્દુત્વ શીખવે.
બધે જ કાદવ થઈ ગયો છે એનું કારણ કમળાબાઈ (BJP) છે. કમળાબાઈએ પોતાનાં ફૂલ ખીલવ્યાં, પણ જનતાના આયુષ્યને કાદવ જેવું કરી નાખ્યું.
પહલગામમાં ધર્મ પૂછીને પાકિસ્તાનના આંતકવાદીઓએ લોકોને ગોળીઓ મારી, હવે એ જ પાકિસ્તાન સાથે આ લોકો ક્રિકેટ રમે છે.
બિહારમાં ચૂંટણી આવતાં જ વડા પ્રધાને ત્યાંની મહિલાઓને ૧૦-૧૦ હજાર રૂપિયા આપ્યા, પણ મહારાષ્ટ્રના ખેડૂતો તેમને દેખાતા નથી. તેમની પાસે પૈસા તો છે, પણ મહારાષ્ટ્ર માટેના દ્વેષને કારણે તે મદદ કરતા નથી.

છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો છે ત્યારે શિવસેના (UBT)ના શિવાજી પાર્કમાં યોજાયેલા દશેરા મેળાવડા વખતે લોકો રીતસર કાદવમાં ઊભા રહીને પણ ઉદ્ધવ ઠાકરેને શાંતિથી સાંભળી રહ્યા હતા. દર વખત કરતાં સંખ્યા ઓછી હતી અને પાછળનો ભાગ ખાલી પડ્યો હતો.
નરેન્દ્ર મોદીને દરેક બાબતમાં મહોત્સવ કરવો હોય છે. GST શું નેહરુએ લગાડ્યો હતો? ૮ વર્ષ સુધી તેમણે લોકોને લૂંટ્યા અને હવે મહોત્સવ ઊજવે છે.
BDD ચાલના પુનર્વસનનું કામ અમે ચાલુ કર્યું હતું. એ માટે જિતેન્દ્ર આવ્હાડે પણ બહુ મહેનત કરી હતી. હવે BJPના લોકો કહે છે કે BDD ચાલ અમે ઊભી કરી.
BJP પગારદાર મતદારો ઊભા કરવામાં માને છે. આપણે પગારદાર મતદાર બનવું છે કે સ્વાભિમાની મતદાર બનવું છે એ દરેકે પોતે નક્કી કરવાનું છે.
બાળાસાહેબના મૂળ મંત્ર ૨૦ ટકા રાજકારણ અને ૮૦ ટકા સમાજકારણને અમે અનુસરી રહ્યા છીએ : એકનાથ શિંદે
ગોરેગામના નેસ્કો સેન્ટરમાં શિવસેનાના દશેરા મેળાવડામાં શિવસેનાના પક્ષપ્રમુખ એકનાથ શિંદેએ શિવસૈનિકોને સંબોધ્યા હતા. જોકે એ પહેલાં સભાસ્થાનેથી ૧૫ ટ્રક ભરીને મદદની સામગ્રી ખેડૂતો માટે મોકલવામાં આવી હતી. એ પછી કોઈ પણ જાતનો સત્કાર ન સ્વીકારીને એકનાથ શિંદેએ તેમના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘બળીરાજા (ખેડૂત) સંકટમાં છે એટલે રાજ્યભરના શિવસેનાના પદાધિકારીઓને તેમના જિલ્લામાં જ રોકાઈને મદદ કરવાનું કહેવામાં આવ્યું છે. ખેડૂતોનું દુ:ખ મોટું છે. તેમનું પશુધન તણાઈ ગયું છે, જમીન ધોવાઈ ગઈ છે, ઘર પણ તૂટી જતાં નુકસાન થયું છે. મેં જાતે જઈને તેમનું દુ:ખ જોયું છે. એથી બાળાસાહેબના મૂળ મંત્ર ૨૦ ટકા રાજકારણ અને ૮૦ ટકા સમાજકારણને અમે અનુસરી રહ્યા છીએ. જ્યાં પણ સંકટ હશે ત્યાં આ એકનાથ શિંદે દોડી જશે. હું પોતે ખેડૂતનો દીકરો છું એટલે ખેડૂતોને નોધારા નહીં છોડું.’
જુઓ એકનાથ શિંદેએ બીજું શું-શું કહ્યું...
કપડાંની ઇસ્ત્રી સંભાળનારો અને વૅનિટી વૅન લઈને જનારો હું નથી. તે ક્યાંય પણ જાય છે તો એમ કહે છે કે અમારા હાથમાં કશું નથી. અરે, હતું ત્યારે પણ શું આપ્યું? દેવા માટે દાનત લાગતી હોય છે. અમારી ‘લેના’ નહીં પણ ‘દેના’ બૅન્ક છે. અમે કેટલીયે યોજનાઓ આપી. અમે બે હાથે આપ્યું. મારા બે હાથ નહીં પણ આ સામે બેસેલા શિવસૈનિકોના હાથ એ મારા જ હાથ છે. આ શિવસૈનિકો જ મારી સંપત્તિ છે.’
રામદાસ કદમ કહે છે કે ૩૦ વર્ષ સુધી BMCને લૂંટી. ક્યાં ગઈ એ માયા? લંડનમાં?
જો રાજ્યમાં આમની સરકાર હોત તો કંઈ જ ચાલુ ન હોત. એ સ્થગતિની સરકાર હતી. હું મુખ્ય પ્રધાન બન્યો અને બધાં જ સ્પીડબ્રેકર કાઢી નાખ્યાં. બધા જ તહેવારો બંધ હતા, મંદિરો બંધ હતાં એ બધું મેં હટાવ્યું. બીજા તબક્કામાં પણ અમે સાથે મળીને ઝડપથી કામ કરી રહ્યા છીએ.
પહલગામમાં આપણી બહેનોને પાકિસ્તાને વિધવા કરી. તેમને પાઠ ભણાવવાનું કામ મોદીએ કર્યું. ખૂન કા બદલા ખૂન. ગોળીનો જવાબ ગોળીથી આપ્યો.
જે લોકો છોડીને જાય છે તેઓ કેમ જાય છે એનું આત્મપરીક્ષણ કરશો કે નહીં? જગતમાં એવો કોઈ અધ્યક્ષ નહીં હોય જે પોતાના જ માણસોને ખતમ કરતો હોય.
બાળાસાહેબ હતા ત્યારે તેમની સાથે કેટલા બધા લોકો હતા. હવે BMCની ચૂંટણી પછી તેમની સાથે તેમનો પડછાયો પણ રહેશે કે કેમ?
બાળાસાહેબ ગુજરી ગયા પછી મૃતદેહ કેટલા દિવસ માતોશ્રીમાં રાખી મુકાયો? તેમના હાથની છાપ શા માટે લેવાઈ? : રામદાસ કદમ
નેસ્કો સેન્ટરમાં આયોજિત શિવસેનાના દશેરા મેળાવડામાં શિવસેનાના નેતા રામદાસ કદમે ચોંકાવનારો આરોપ કરતાં કહ્યું હતું કે ‘બાળાસાહેબનું નિધન ક્યારે થયું અને તેમનો મૃતદેહ કેટલા દિવસ માતોશ્રીમાં મૂકી રખાયો હતો? કાઢો એની માહિતી. હું બહુ જ જવાબદારી સાથે આ બોલી રહ્યો છું. જોઈએ તો તેમના ડૉક્ટરને પૂછી જુઓ, ડૉ. (જલીલ) પારકરને પૂછી જુઓ. બે દિવસ સુધી શિવસેનાપ્રમુખનો મૃતદેહ કેમ રાખ્યો હતો ઉદ્ધવજીએ? તમારું અંદર શું ચાલી રહ્યું હતું? હું ૮ દિવસ સુધી ત્યાં જ માતોશ્રીની નીચે બહાર બાંકડા પર સૂઈ રહેતો હતો. બધી ખબર પડતી હતી. આ બધું શા માટે? કોઈએ કહ્યું કે બાળાસાહેબના હાથની છાપ લેવામાં આવી. શા માટે એ હાથની છાપ લેવામાં આવી? ખરેખર શું હતું? આ બધી ચર્ચા માતોશ્રી પર ચાલી રહી હતી. બાળાસાહેબનું વિલ કોણે કર્યું? ક્યારે કર્યું? એના પર સહી કોની હતી? કાઢો બધી માહિતી.’


