૭૩ વર્ષની ઉંમર છે અને ની-રિપ્લેસમેન્ટ સર્જરી પણ કરાવી ચૂક્યા છે એ છતાંય...કચ્છી સમાજના અગ્રણી કોમલ છેડાએ ૫૩૬૪ મીટરનું આરોહણ કરીને અનન્ય દૃઢ ઇચ્છાશક્તિનું મજબૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે
એવરેસ્ટ બેઝ કૅમ્પ પર કોમલ છેડા.
ઘૂંટણમાં ખાસ જાન નહોતો પણ મનોબળ એટલું મજબૂત હતું કે બોરીવલીમાં રહેતા ૭૩ વર્ષના કોમલ છેડા વિશ્વના સૌથી ઊંચા ગણાતા માઉન્ટ એવરેસ્ટના બેઝ સુધી ચડાણ કરીને પહોંચી ગયા. તેમના એક ઘૂંટણનું ઑપરેશન થયેલું છે જ્યારે બીજા ઘૂંટણમાં પણ દુખાવો રહેતો હોય છે; એ છતાં કડકડતી ઠંડી, કપરાં ચડાણ અને ઑક્સિજનની કમી વચ્ચે ૫૩૬૪ મીટરનું અંતર કાપીને માઉન્ટ એવરેસ્ટના બેઝ પર પહોંચવું મોટી વાત છે. કોમલભાઈ તેમના દીકરા તેજસ સાથે ૨૦ મેએ મુંબઈથી નેપાલના કાઠમાંડુ જવા રવાના થયા હતા. તેમણે ૨૨ મેની સવારે લુકલાથી ટ્રેકિંગ કરવાનું ચાલુ કર્યું હતું. આઠ દિવસ પછી, ૨૯ મેએ તેઓ એવરેસ્ટ બેઝ કૅમ્પ પર હતા.
એવરેસ્ટ બેઝ કૅમ્પ સર કરવાનો વિચાર કઈ રીતે આવ્યો અને ત્યાં જવાનું કઈ રીતે નક્કી થયું એ વિશે વાત કરતાં કોમલભાઈના દીકરા તેજસ કહે છે, ‘અમે પહેલાં ટાન્ઝાનિયા જવાનો પ્લાન કરી રહ્યા હતા. ત્યાં માઉન્ટ કિલિમાન્જારો સર કરવાનો અમારો વિચાર હતો. જોકે બુકિંગ અને અરેન્જમેન્ટ્સમાં પ્રૉબ્લેમ આવતો હોવાથી એ પ્લાન કૅન્સલ થયો એટલે મેં મજાકમાં જ પપ્પાને એમ કીધેલું કે માઉન્ટ એવરેસ્ટ બેઝ કૅમ્પ જોવો છે તમને? પણ પપ્પાએ તો આ વાતને ખૂબ સિરિયસલી લઈ લીધી. મેં તો ફક્ત હવામાં વાત કરેલી પણ પપ્પાએ તો બધી ઇન્ક્વાયરી કાઢી છ કેવી રીતે જઈશું, કોના મારફત જઈશું એ બધું થોડા દિવસમાં ફાઇનલ કરી નાખ્યું. મે મહિનાના પહેલા અઠવાડિયે જ એવરેસ્ટ બેઝ કૅમ્પ જવાની અમારી વાત થઈ અને ૨૦ મેએ તો અમે અહીંથી નીકળી ગયેલા. બધું ફાઇનલ થયા પછી મેં પૂછેલું કે પપ્પા, તમે શ્યૉર છો? તો તેમણે કહેલું, તું સાથે હોઈશ તો આપણે બન્ને મળીને કરી લઈશું.’
ADVERTISEMENT
કોમલભાઈ દીકરા તેજસ સાથે.
૮ દિવસ લાગ્યા
એવરેસ્ટના બેઝ કૅમ્પ સુધી પહોંચતાં કોમલભાઈને ૮ દિવસ લાગ્યા હતા. અહીં સુધી પહોંચવામાં કઈ ચૅલેન્જિસ આવેલી એ વિશે વાત કરતાં કોમલભાઈ કહે છે, ‘ઠંડીને કારણે તો મને એવી કોઈ ખાસ તકલીફ ન પડી, કારણ કે મે મહિનાના અંતમાં પ્રમાણમાં થોડું કમ્ફર્ટેબલ ટેમ્પરેચર હોય છે. અમે નામચે બઝાર પહોંચ્યા ત્યાં અમને કોઈએ કહ્યું કે ઘૂંટણમાં વધુ પ્રેશર ન આવે એ માટેની ની-બ્રેસ હોય છે એ પહેરી લો તો થોડું સારું પડે. એટલે મેં એ પહેરીને આગળનું ચડાણ કર્યું. મેઇન પ્રૉબ્લેમ મને ઊંચાઈ પર ઑક્સિજનની કમીને કારણે થયેલો. બે ડગલાં ચાલું ત્યાં શ્વાસ ફૂલવા લાગે. એટલે મારે થોડું ચાલીને ફરી બે ઘડી માટે રોકાવું પડે. એ સિવાય લોબૂચેથી ગોરખ શેપ અને આગળ બેઝ કૅમ્પ સુધી પહોંચવામાં ખૂબ થાક લાગી ગયેલો. કમર અકડાઈ ગઈ હતી. એમાં પણ છેલ્લા ૧૦૦-૧૫૦ મીટરનું અંતર બચ્યું હતું ત્યારે તો માંડ-માંડ પગ ઊપડ્યા. એમ થતું હતું કે હવે નહીં ચડાય. આપણે બાળપણમાં કાચબા અને સસલાની વાર્તા સાંભળેલી જેમાં કાચબાની ચાલ ભલે ધીમી હતી પણ એણે ચાલવાનું ચાલુ રાખ્યું. એટલે મેં મનમાં નક્કી કરી રાખેલું કે ભલે પહોંચવામાં મોડું થાય પણ આગળ વધતા રહેવું છે. છેલ્લે એવરેસ્ટ બેઝ કૅમ્પ પર પહોંચ્યો ત્યારે હાશકારો થયો. લક્ષ્ય પ્રાપ્ત કરી લેવાનો આનંદ થયો. એ પછી રિટર્ન આવતી વખતે હું હેલિકૉપ્ટરમાં આવ્યો. નીચે ઊતરવામાં ઘૂંટણ પર વધુ પ્રેશર આવે. મારી એવી હાલત જ નહોતી કે હું ચાલીને નીચે સુધી પહોંચી શકું.’
પત્ની તારાબહેન, દીકરા તેજસ અને વહુ નૅન્સી સાથે કોમલભાઈ.
ટ્રેકિંગનો અનુભવ
એવરેસ્ટ બેઝ કૅમ્પ પર જવાને લઈને મન આટલું મક્કમ કેમ હતું એ વિશે જણાવતાં કોમલભાઈ કહે છે, ‘હું નેચર-લવર છું. છેલ્લાં ૧૫-૨૦ વર્ષથી ટ્રેકિંગ કરું છું. મેં મહારાષ્ટ્રમાં ઘણા ટ્રેક કર્યા છે. એમાં કળસુબાઈનો પણ સમાવેશ છે, જે મહારાષ્ટ્રનું સૌથી ઊંચું શિખર છે. એ સિવાય પણ મેં કેદારનાથ, આદિ કૈલાશ, કૈલાસ માનસરોવરની યાત્રા કરેલી છે જેમાં તમારે ખાસ્સું ટ્રેકિંગ કરવું પડે. જોકે ક્યારેય બિગ અને ચૅલેન્જિંગ કહી શકાય એવા માઉન્ટન પર ટ્રેક કર્યું નહોતું. મારો ભત્રીજો પંખીલ છેડા પ્રોફેશનલ ક્લાઇમ્બર છે. તે બે વર્ષ પહેલાં માઉન્ટ એવરેસ્ટ સર કરીને આવ્યો હતો એટલે તેને જોઈને મનમાં એવું થયેલું કે મારે પણ આ બધું એક્સપ્લોર કરવું જોઈએ. જીવન કેટલું બચ્યું છે ખબર નથી. એટલે મારા દીકરાએ એવરેસ્ટ બેઝ કૅમ્પ પર જવાની વાત કાઢી એટલે હું તરત રેડી થઈ ગયો. એવી તક પછી મળે કે નહીં કોને ખબર?’
પપ્પામાં રહેલી ડિસિપ્લિન અને ડેડિકેશન વિશે વાત કરતાં તેજસ કહે છે, ‘મારા પપ્પા જે ઉંમરના છે એ ઉંમરમાં એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી ક્લાઇમ્બ કરવું ખૂબ જ અઘરું છે. અમારી સાથે ઘણા યંગસ્ટર્સ પણ હતા. એ લોકો મારા પપ્પાને જોઈને આગળ વધવા માટે મોટિવેટ થઈ રહ્યા હતા. બાકી ઘણા લોકો તો અધવચ્ચેથી જ પરત ફરી રહ્યા હતા. તેમની હાલત ખરાબ થઈ રહી હતી. મારા પપ્પા એવરેસ્ટના બેઝ કૅમ્પ સુધી પહોંચી શક્યા એની પાછળ તેમનું ડેડિકેશન છે. તે તેમની ફિઝિકલ હેલ્થને મેઇન્ટેન રાખવા માટે દરરોજ દોઢ કલાક એક્સરસાઇઝ અને પ્રાણાયામ કરે છે. આટલાં વર્ષોમાં કોઈ દિવસ એવું નથી થયું કે તેમણે એક્સરસાઇઝ કરવામાં કંટાળો દેખાડ્યો હોય. એવરેસ્ટ બેઝ કૅમ્પ જવાનું નક્કી થયું એટલે તેમણે અમારે ત્યાં આવેલી ગાંધી ટેકરીમાં જઈને ક્લાઇમ્બિંગની પ્રૅક્ટિસ કરવાનું શરૂ કરી દીધું. મારા પપ્પાએ માઉન્ટેનિયરિંગની કોઈ એવી પ્રોફેશનલ ટ્રેઇનિંગ લીધી નથી, પણ ફિઝિકલ ફિટનેસ પર તેઓ ડેઇલી બેઝિસ પર ધ્યાન આપે છે. એવી જ રીતે હું પણ પ્રોફેશનલ ક્લાઇમ્બર નથી પણ ફુટબૉલ, વૉલીબૉલ રમવાનું, જિમમાં જવાનું ચાલુ હોય એટલે ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે. એટલે જ હું અને મારા પપ્પા એવરેસ્ટના બેઝ સુધી પહોંચી શક્યા.’
સામાજિક પ્રવૃત્તિઓ
કોમલભાઈ આમ તો નિવૃત્તિ જીવન ગાળી રહ્યા છે પણ સામાજિક પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. કચ્છ યુવક સંઘના તેઓ ફાઉન્ડર છે. આ સંસ્થા દ્વારા શિક્ષણ, મેડિકલ, ધાર્મિક, સાંસ્કૃતિક ક્ષેત્રે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. કોમલભાઈના દીકરા તેજસ રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે ફૅમિલી-બિઝનેસ સંભાળે છે. તેમની કંપનીનું નામ હરિકો પ્રૉપર્ટીઝ છે. કોમલભાઈ સાથે તેમનો દીકરા તેજસ અને વહુ નૅન્સી રહે છે. કોમલભાઈનાં પત્ની તારાબહેન સાડાત્રણ વર્ષ પહેલાં એક અકસ્માતમાં ગુજરી ગયાં હતા. મૂળ કચ્છના કોમલભાઈનો જન્મ મધ્ય પ્રદેશમાં થયો છે, કારણ કે તેમના વડીલો અનાજના વ્યવસાય માટે ત્યાં જઈને આવીને વસ્યા હતા. ભારતમાં ૧૯૭૫માં કટોકટી લાદવામાં આવી ત્યારે તેઓ મધ્ય પ્રદેશની નરસિંહપુરની જેલમાં ૧૭ મહિના રહ્યા હતા. એ પછીથી તેઓ મુંબઈમાં આવીને વસ્યા હતા.

