બોરીવલીના દુકાનદારોને આ માટે પહેલાં જાણ કરવામાં આવી હતી અને નોટિસ પણ આપવામાં આવી હતી એટલે એ અનુસાર હવે દુકાનદારોએ તેમની દુકાન પાછળ લેવાનું ચાલુ કર્યું છે.
બોરીવલીમાં રોડ-વાઇડનિંગમાં જતી પોતાની દુકાનો આગળથી તોડાવી રહેલા દુકાનદારો.
બોરીવલી-વેસ્ટમાં સ્વામી વિવેકાનંદ (SV) રોડ પર રોડ-વાઇડનિંગ કરવાનું છે, પણ એ માટે કેટલીક દુકાનો વચ્ચે આવી રહી હતી. જયા ટૉકીઝ પાસે આવેલી એ વર્ષો જૂની દુકાનોને ગઈ કાલે આગળથી તોડી પાડવામાં આવી હતી. પહેલાં એવી વાત વહેતી થઈ હતી કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) આ કાર્યવાહી કરી રહ્યું છે. જોકે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે દુકાનદારો જ તેમની દુકાનો પાછળ લઈ રહ્યા હતા.
વર્ષો પહેલાં આજના જેવી ગિરદી નહોતી અને રસ્તા પર એટલાં વાહનો પણ નહોતાં. જોકે સમય જતાં વાહનોમાં પણ વધારો થયો અને રાહદારીઓની સંખ્યા પણ વધતાં રોડ પહોળા કરવાનો નિર્ણય લેવાયો હતો.
ADVERTISEMENT
BMCના આર-સેન્ટ્રલ વૉર્ડના અસિસ્ટન્ટ એન્જિનિયર મછીન્દ્ર મોહિતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રોડ-વાઇડનિંગ માટે અહીં કુરાર પૅટર્ન હેઠળ કામ કરવામાં આવી રહ્યું છે. કુરાર પૅટર્ન મુજબ દુકાનદારની જગ્યા રોડ-વાઇડનિંગમાં જતી હોય - જે તેની કુલ જગ્યા કરતાં ૫૦ ટકા કરતાં ઓછી હોય - તો તેને એ જગ્યા સામે તેની દુકાનની ઊંચાઈ વધારી એ જગ્યા સરભર કરવા વધારાની ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) આપવામાં આવે છે. બોરીવલીના દુકાનદારોને આ માટે પહેલાં જાણ કરવામાં આવી હતી અને નોટિસ પણ આપવામાં આવી હતી એટલે એ અનુસાર હવે દુકાનદારોએ તેમની દુકાન પાછળ લેવાનું ચાલુ કર્યું છે.’

