પીડિયાટ્રિશ્યન્સની સીએમને આવી વિનંતી કરવાનું કારણ એટલું જ કે ફ્લુ અને કોરોનાનાં લક્ષણો સરખાં જ છે : બાકી ફ્લુના સિમ્પટમ્સ સાથે કોવિડ-19 ટેસ્ટ માટે બાળકોને લઈ જવાય તો તેમને કોરોના સંક્રમણનો ડર
દાદર સ્ટેશન પર રવિવારે એક બાળકનું સ્ક્રીનિંગ કરી રહેલી હેલ્થ-વર્કર.
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને સલામત કરવાના માર્ગો વિશે ચર્ચા કરવા માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે યોજાયેલા પ્રથમ વેબિનારમાં પીડિયાટ્રિશ્યન્સે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં ઇન્ફ્લુએન્ઝા રસીને સામેલ કરવી જોઈએ.
પીડિયાટ્રિશ્યન્સે ચોમાસા પહેલાં બાળકોને ઇન્ફ્લુએન્ઝાની રસી આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, કારણ કે એનાથી તેઓ કોવિડ-19 જેવા જ લાગતા પણ કોરોનાના નહીં એવા લક્ષણો સાથે કોવિડ ટેસ્ટ માટે દોડી ન જાય. ઇન્ફ્લુએન્ઝા શ્વસનતંત્રનું વાઇરલ ઇન્ફેક્શન છે અને એનાં ક્લિનિકલ લક્ષણો કોરોનાને મળતાં આવે છે.
ADVERTISEMENT
રાજ્યની પીડિયાટ્રિક ટાસ્ક ફોર્સના ચૅરપર્સન અને પીડિયાટ્રિશ્યન ડૉ. સુહાસ પ્રભુએ જણાવ્યું હતું કે ‘જે બાળકને સહેજ તાવ આવતો હોય, નાક વહેતું હોય અને ખાંસી આવતી હોય એ બાળકની માતાને તેના સંતાનને કોરોના થયો હોવાની શંકા જશે અને તે કોવિડ સેન્ટરમાં દોડી જશે. બાળકને કોવિડ ન પણ થયો હોય અને કોવિડ સેન્ટર પર જવાથી તે વાઇરસથી સંક્રમિત થવાની શક્યતા રહે છે. ડૉક્ટર માટે પણ કોવિડ અને ફ્લુ વચ્ચેનો ભેદ પારખવો મુશ્કેલ છે, કારણ કે બન્નેનાં લક્ષણો સમાન છે. માત્ર ટેસ્ટથી જ પુષ્ટિ કરી શકાય છે. ફ્લુના રસીકરણથી કેસો ઘટશે અને પરિણામે હેલ્થકૅર સિસ્ટમ પરનું ભારણ પણ ઘટશે.’
પીડિયાટ્રિશ્યન તથા રાજ્યની પીડિયાટ્રિક ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. વિજય યેવલેના જણાવ્યા મુજબ પીડિયાટ્રિક્સમાં તીવ્ર વાઇરલ ઇન્ફેક્શનના ૧૫ ટકા જેટલા કેસો ફ્લુ હોય છે અને ભારત જેવા વિકાસશીલ દેશોમાં એ ન્યુમોનિયા થવા પાછળનું અને પાંચ વર્ષ કરતાં ઓછી વયનાં બાળકોનાં મોતનું કારણ બને છે. આઇએપી છ મહિનાથી પાંચ વર્ષ વચ્ચેનાં બાળકો તથા કોમૉર્બિડિટી ધરાવતા કોઈ પણ વયના લોકોને ફ્લુની રસી આપવાની ભલામણ કરે છે.
જે બાળકને સહેજ તાવ આવતો હોય એની મમ્મીને તે સંતાનને કોરોના થયો હોવાની શંકા જતાં કોવિડ સેન્ટરમાં દોડશે. કોવિડ ન પણ થયો હોય અને કોવિડ સેન્ટર પર જવાથી સંક્રમણ થઈ શકે.
ડૉ. સુહાસ પ્રભુ, પીડિયાટ્રિશ્યન


