જોકે કાદવમાં ફસાયેલો યુવક બીજા દિવસે જીવતો મળ્યો
પોલીસે રાહુલને ઐરોલીની ખાડીમાંથી ઉગારી લીધો હતો.
ચેમ્બુરની સિદ્ધાર્થ કૉલોનીમાં રહેતા ૨૭ વર્ષના રાહુલ દાભાડેએ બુધવારે મધરાતે ઐરોલી બ્રિજ પરથી પડતું મૂકીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે અને ફાયર-બ્રિગેડે સર્ચ–ઑપરેશન હાથ ધરતાં બીજા દિવસે સવારે રાહુલ કાદવમાં ફસાયેલો જીવતો મળી આવ્યો હતો. પત્નીએ લૉજમાં પ્રેમિકા સાથે તેને પકડી પાડ્યા બાદ ડરી ગયેલા રાહુલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી માહિતી જાણ્યા બાદ પોલીસે રાહુલ અને તેની પત્નીને સમજાવવાની કોશિશ કરી છે અને આવું બીજી વાર ન કરવાની સૂચના આપી હતી.
રબાળેના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર બાલકૃષ્ણ સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે મોડી રાતે પોલીસ-કન્ટ્રોલ પર એક યુવકે ઐરોલી બ્રિજ પરથી ખાડીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની માહિતી અમારી ટીમને મળી હતી. ત્યાર બાદ અમારી બે ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ફાયર-બ્રિગેડ સાથે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. રાતે એક તરફ વરસાદનું જોર હતું એટલે ખાડીમાં પડેલા યુવકની જીવતા રહેવાની આશા ખૂબ ઓછી હતી. જોકે એમ છતાં અમારી ટીમ ઘણા પ્રયત્ન કરીને સવારે બોટમાં શોધખાળ કરવા નીકળી હતી એ વખતે યુવક કાદવમાં ખૂંપેલો જીવતો જોવા મળ્યો હતો. તેને તાત્કાલિક કાદવમાંથી બહાર કાઢીને નજીકની હૉસ્પિટલ લઈ જવાયો હતો. તેની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે બુધવારે મને મારી પત્નીએ એક લૉજમાં મારી ગર્લફ્રેન્ડ સાથે પકડી પાડ્યો હતો. એ પછી ઘરે પત્નીને શું જવાબ આપીશ એવું વિચારીને ગભરાઈને મેં આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો.’
