શુક્રવારે એક જ દિવસે ચેમ્બુર, કાંદિવલી અને માલવણીની ત્રણ વ્યક્તિઓ પાસેથી લાખો રૂપિયાના દાગીના પડાવી લેવાયા
પ્રતીકાત્મક તસવીર
પોલીસ હોવાનો દાવો કરીને શુક્રવારે માત્ર એક જ દિવસમાં કાંદિવલી, ચેમ્બુર અને માલવણીમાં રહેતા ત્રણ સિનિયર સિટિઝનોને રોડ વચ્ચે અટકાવીને ૭ લાખ રૂપિયાના દાગીના પડાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનાઓની ત્રણ અલગ-અલગ ફરિયાદો નેહરુનગર, બાંગુરનગર અને ચારકોપ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી.
ચેમ્બુરના લાલ ડુંગર વિસ્તારમાં રહેતાં ૬૨ વર્ષનાં સુમિતિ મ્હાત્રે શુક્રવારે બપોરે શિવસૃષ્ટિ બિલ્ડિંગ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે પાછળથી બાઇક પર આવેલા બે જણે પોતાની ઓળખ પોલીસ-અધિકારી હોવાની બતાવીને આગળ ચોરી થઈ હોવાનું કહીને તેમણે પહેરેલી સોનાની ચેઇન અંદર રાખવા કહ્યું હતું. એ પછી સુમિતિ પોતાની ચેઇન કાઢીને પર્સમાં રાખવા જતાં હતાં ત્યારે બાઇક પરના યુવકે ચેઇન જોવા માગી હતી અને કાગળમાં બાંધી આપું છું એમ કહીને કાગળનો એક ટુકડો પાછો આપ્યો હતો. ત્યાર બાદ બાઇક પર આવેલા બન્ને યુવકો ત્યાંથી ચાલ્યા ગયા હતા. થોડી વાર પછી જ્યારે સુમિતિએ કાગળ ખોલીને જોયું ત્યારે અંદર ચેઇન નહોતી. અંતે હાથચાલાકી કરીને આશરે દોઢ લાખ રૂપિયાની ચેઇન સેરવી જનાર સામે નેહરુનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. એ જ રીતે કાંદિવલી-ઈસ્ટના બંદર પખાડી વિસ્તારમાં રહેતાં ૬૫ વર્ષનાં સુંદરી શેટ્ટી પાસેથી ૩ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. એની ફરિયાદ ચારકોપ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. શુક્રવારે સાંજે માલવણીના જનકલ્યાણ નગરમાં રહેતા ૭૫ વર્ષના પ્રેમાંનદ શેટ્ટી પાસેથી પણ આ જ મોડસ ઑપરેન્ડીથી અઢી લાખ રૂપિયાના દાગીના પડાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનાની ફરિયાદ બાંગુરનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી.
ADVERTISEMENT
રસ્તા પર પોલીસ હોવાનો દાવો કરીને જો કોઈ વ્યક્તિ તમને રસ્તામાં અટકાવે તો પહેલાં તેની પાસે તેનું આઇ-કાર્ડ માગો, એ જોયા બાદ પણ તમને તેના પર શંકા જાય તો તાત્કાલિક પોલીસના ૧૦૦ નંબરના કન્ટ્રોલરૂમ પર ફોન કરીને જાણ કરો એવી અમે લોકોને અપીલ કરીએ છીએ એમ જણાવતાં ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP) સંદીપ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા એક અઠવાડિયામાં મોટા પ્રમાણમાં લોકોને રસ્તા પર રોકીને તેમની પાસેથી દાગીના પડાવી લેતી એક ગૅન્ગ સક્રિય છે. એની તપાસ કરવા માટે અમારી વિવિધ ટીમો કામ કરી છે. જોકે આ સમયે લોકોનો સાથ ખૂબ જરૂરી છે. કેસમાં આરોપીઓ સિનિયર સિટિઝનોને ટાર્ગેટ કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અમે નાગરિકોને અપીલ કરીએ છે કે જો કોઈ પોલીસ હોવાનો દાવો કરી રસ્તા પર તમને અટકાવે છે અને તે વ્યક્તિ પર તમને શંકા આવે તો તાત્કાલિક પોલીસ-કન્ટ્રોલમાં ફોન કરીને એની માહિતી આપો અથવા નજીકના પોલીસ-સ્ટેશનને જાણ કરો.’


