ચંદ્રકાન્ત પાટીલે મહાયુતિમાં મતભેદ હોવાના વિરોધીઓના મત વિશે કહ્યું...
ચંદ્રકાન્ત પાટીલ
મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિમાં ત્રણ રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નો સમાવેશ છે. ત્રણેય પક્ષમાં તાલમેલનો અભાવ અને મતભેદ હોવાનું વિરોધી પક્ષોના નેતાઓ સતત કહી રહ્યા છે. ગઈ કાલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતી નિમિત્તે દાદરની ચૈત્યભૂમિમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનાં ભાષણ થયાં. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારને બોલવાનો મોકો નહોતો મળ્યો એ વિશે પણ વિરોધી પક્ષોએ ટીકા કરી છે. આ વિશે BJPના વરિષ્ઠ નેતા અને કૅબિનેટ પ્રધાન ચંદ્રકાન્ત પાટીલે ગઈ કાલે કહ્યું હતું કે ‘મહાયુતિમાં સારો તાલમેલ અને સમન્વય છે. એક લોહીના ચાર માણસ ઘરમાં હોય ત્યાં ઝઘડા થાય છે. મહાયુતિમાં જુદા-જુદા બૅકગ્રાઉન્ડના નેતાઓ છે. અજિત દાદા, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ જુદી-જુદી વિચારધારામાંથી આવેલા છે. જુદા-જુદા બૅકગ્રાઉન્ડવાળા લોકો એકસાથે કામ કરે છે ત્યારે કોઈ હિલચાલ ન થાય તો તેઓ જીવતા છે કે કેમ એ જાણવા માટે હલાવવા પડે. આ ત્રણેય નેતાઓમાં હિલચાલ થઈ રહી છે એટલે કે તેઓ જીવંત છે. માણસ હલેચાલે નહીં તો બીમાર પડે. આથી કોઈ મુશ્કેલી હોય તો એની રજૂઆત કરવી જોઈએ.’

