Caste Policy: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, જો કોઈએ નકલી જાતિ પ્રમાણપત્ર મેળવીને નોકરી મેળવી છે અથવા ચૂંટણી જીતી છે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે
દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ ગુરુવારે વિધાનસભા પરિષદમાં અનુસૂચિત જાતિ (Scheduled Caste) પ્રમાણપત્ર અંગે મોટું નિવેદન (Caste Policy) આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ, હિન્દુ, બૌદ્ધ કે શીખ ધર્મ સિવાય અન્ય કોઈપણ ધર્મનો હોવા છતાં, છેતરપિંડીથી અનુસૂચિત જાતિ (SC) પ્રમાણપત્ર મેળવે છે અને સરકારી નોકરીઓ કે ચૂંટણીઓમાં લાભ લે છે તો તેનું પ્રમાણપત્ર રદ કરવામાં આવશે અને તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, જો કોઈએ છેતરપિંડીથી અનામત મેળવીને સરકારી લાભો કે પગાર મેળવ્યો છે, તો તેમની પાસેથી રકમ પણ વસૂલ કરવામાં આવશે.
વિધાનસભા પરિષદમાં ગઈકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર (Caste Policy) સાથે છેડછાડ કરતા લોકોને ચીમકી આપી છે. ફડણવીસે કહ્યું કે, જો હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મ સિવાયના કોઈપણ ધર્મના વ્યક્તિએ અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મેળવ્યું હોય તો તે રદ કરવામાં આવશે. દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં કહ્યું કે, જો કોઈ વ્યક્તિએ સરકારી નોકરીઓમાં અનામતનો લાભ લીધો હોય, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, જો કોઈ વ્યક્તિ અનુસૂચિત જાતિના પ્રમાણપત્રનો ઉપયોગ કરીને ચૂંટણી જીતી હોય તો તેની ચૂંટણી રદ કરવામાં આવશે. આ દરમિયાન સીએમ ફડણવીસે ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના એક નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ૨૬ નવેમ્બર ૨૦૨૪ના રોજ પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે અનુસૂચિત જાતિ માટે અનામત ફક્ત હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મના અનુયાયીઓને જ આપી શકાય છે; અન્ય ધર્મના લોકોને નહીં.
ADVERTISEMENT
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, મહાયુતિ સરકાર બળજબરીથી અથવા છેતરપિંડીથી થતા ધર્માંતરણ સંબંધિત કેસોનો સામનો કરવા માટે તૈયારી કરી રહી છે. આ માટે કડક જોગવાઈઓ પર વિચારણા કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
આ ઉપરાંત, વિધાન પરિષદમાં ધ્યાન દોરવાના પ્રસ્તાવનો જવાબ આપતા, મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આવા કેસોનો સામનો કરવા અંગે ભલામણો આપવા માટે પોલીસ મહાનિર્દેશકની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી અને તેણે તેનો અહેવાલ સુપરત કર્યો છે. હવે સરકાર અભ્યાસ કરશે અને જરૂરી ફેરફારો કરશે અને એવી જોગવાઈઓ લાવશે, જે બળજબરીથી અથવા છેતરપિંડીથી થતા ધર્માંતરણને રોકશે.
મુખ્યમંત્રીએ કહ્યું, ‘આવા કેસોમાં ભારતીય ફોજદારી કાર્યવાહી સંહિતા (BNS) હેઠળ કાર્યવાહી કરી શકાય છે, પરંતુ કડક જોગવાઈઓ સૂચવવા માટે એક પેનલની રચના કરવામાં આવી છે. રાજ્ય સરકાર આવા કેસોનો સામનો કરવા માટે કડક જોગવાઈઓ લાવવાનો ઇરાદો ધરાવે છે અને અમે ટૂંક સમયમાં તેના પર નિર્ણય લઈશું.’
ગૃહ રાજ્યમંત્રી પંકજ ભોયરે સોમવારે કહ્યું હતું કે, રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રમાં ધર્માંતરણ વિરોધી કાયદો રજૂ કરવામાં આવશે અને તે અન્ય રાજ્યોમાં સમાન કાયદાઓ કરતાં વધુ કડક હશે.
ભારતીય જનતા પાર્ટી – ભાજપના (Bharatiya Janata Party – BJP) નેતા અમિત ગોરખેએ દાવો કર્યો હતો કે ‘ઓળખ છુપાવનારા ખ્રિસ્તીઓ’ ધાર્મિક સ્વતંત્રતાનો દુરુપયોગ કરી રહ્યા છે અને લોકોએ અનુસૂચિત જાતિ શ્રેણી હેઠળ અનામતનો લાભ લીધો હતો પરંતુ અન્ય ધર્મોનું પાલન કર્યું હતું. ભાજપના નેતા કહે છે કે, ઉપરીય સ્તર પર આ લોકો અનુસૂચિત જાતિના છે અને સરકારી નોકરીઓમાં અનામતનો લાભ લે છે, ચૂંટણી દરમિયાન તેનો ઉપયોગ કરે છે પરંતુ ગુપ્ત રીતે અલગ ધર્મનું પાલન કરે છે.
ભાજપના નેતા અને વિધાનસભા પરિષદના સ્વતંત્ર સભ્ય ચિત્રા વાઘે જણાવ્યું હતું કે, આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જ્યાં પતિએ પોતાનો ધર્મ છુપાવીને છેતરપિંડીથી લગ્ન કર્યા છે. તેમણે સાંગલી (Sangli)ના એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો જ્યાં એક મહિલાના લગ્ન ગુપ્ત રીતે ખ્રિસ્તી ધર્મ પાળતા પરિવારમાં થયા હતા. ચિત્રાએ એવો પણ દાવો કર્યો હતો કે, મહિલાને ત્રાસ આપવામાં આવ્યો હતો અને તેનો ધર્મ બદલવા માટે દબાણ કરવામાં આવ્યું હતું જેના કારણે સાત મહિનાની ગર્ભવતી મહિલાએ આત્મહત્યા કરી હતી.

