શરદ પવારની પાર્ટીના જિતેન્દ્ર આવ્હાડ અને BJPના ગોપીચંદ પડળકરના કાર્યકરો વિધાનભવનની લૉબીમાં જ એકબીજાને મારવા પર ઊતરી આવ્યા
વિધાનભવનમાં બે વિધાનસભ્યોના સમર્થકો વચ્ચે છુટ્ટા હાથની મારામારી
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદ પવાર-SP)ના મુંબ્રા-કલવાના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંગલી જિલ્લાના જત મતદારક્ષેત્રના વિધાનસભ્ય ગોપીચંદ પડળકર વચ્ચેનો વિવાદ વકરતો જાય છે અને ગઈ કાલે તો હદ થઈ હતી. વિધાનભવનની લૉબીમાં જ ગઈ કાલે સાંજે તેમના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી અને એકમેકને ગાળો પણ ચોપડાવાઈ હતી. જિતેન્દ્ર આવ્હાડે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ હુમલો ખરી રીતે તો મારા પર થવાનો હતો, પણ તેમના હાથમાં હું ન આવ્યો એટલે કાર્યકરો પર હુમલો કર્યો. જોકે તેમની વચ્ચેનો આ વિવાદ આમ તો છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યો હતો, પણ ગઈ કાલે એને કારણે રાજ્ય સરકારના પ્રકરણમાં એક માઠું પ્રકરણ ઉમેરાયું હતું. પહેલી વાર વિધાનસભાની ગરિમા જાળવવાને બદલે એના પરિસરમાં કાર્યકરો આ રીતે બાખડી પડ્યા હતા.
ADVERTISEMENT
ગઈ કાલે સાંજે સાડાપાંચ-છ વાગ્યા દરમ્યાન વિધાનસભાની લૉબીમાં ગોપીચંદ પડળકરના કાર્યકર અને જિતેન્દ્ર આવ્હાડના કાર્યકર નીતિન દેશમુખ વચ્ચે પહેલાં શાબ્દિક ટપાટપી થઈ અને એ પછી છુટ્ટા હાથની મારામારી થઈ જેમાં ગાળો પણ ભાંડવામાં આવી અને નીતિન દેશમુખનું શર્ટ પણ ફાટ્યું હતું. જોકે એ દરમ્યાન તરત સિક્યૉરિટી સ્ટાફ દોડી આવ્યો અને બધાને છૂટા પાડ્યા હતા. આ આખી ઘટનાનું રેકૉર્ડિંગ ત્યાં હાજર પત્રકારો અને અન્ય પક્ષના કાર્યકરોએ તેમના મોબાઇલમાં કરી લીધું હતું અને એ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ ગયો હતો.
આ લોકો તો મને જ મારવા આવ્યા હતા : જિતેન્દ્ર આવ્હાડ
આ ઘટના પછી પત્રકારોને સંબોધન કરતાં જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે ‘જો વિધાનસભામાં ગુંડાઓને પ્રવેશ આપવાના હો અને તેઓ અમારા પર હુમલો કરવાના હોય તો અમારા જ લોકો સુરક્ષિત નથી. મેં ટ્વીટ કર્યું છે કે મને મા-બહેનની ગાળો આપવામાં આવી. તને મારી નાખીશું કૂતરા, ડુક્કર, એમાં શું-શું લખ્યું છે. આ બધું શું ચાલી રહ્યું છે વિધાનસભામાં? હું ભાષણ કરીને બહાર આવ્યો અને સહેજ ખુલ્લી હવા લેવા બહાર ગયો હતો. એ બધા લોકો તો મને જ મારવા આવ્યા હતા. વિધાનસભાના પગથિયા પર જો વિધાનસભ્ય સુરક્ષિત નહીં હોય તો શા માટે વિધાનસભ્ય રહેવું જોઈએ? શું ગુનો છે અમારો? કોઈ મવાલી જેવો માણસ અમને મા-બહેન પર ગાળો ભાંડી જાય. એને ઑફિશ્યલ લૅન્ગ્વેજ ડિક્લેર કરી દોને. ગેરબંધારણીય શબ્દો વપરાય છે અને કહી દો કે એ પાર્લમેન્ટરી વર્ડ છે. અરે સત્તાની આટલી બધી મગરૂરી?’
સંબંધિતો પર કાર્યવાહી થવી જોઈએ : દેવેન્દ્ર ફડણવીસ
આ ઘટના બાદ પ્રતિક્રિયા આપતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘વિધાનસભાના પરિસરમાં બનેલી આ ઘટના બહુ ખરાબ બાબત છે. આવી ઘટના થવી અને એ પણ વિધાનભવનના પરિસરમાં થવી યોગ્ય નથી. વિધાનસભાના અધ્યક્ષ અને વિધાન પરિષદના સભાપતિએ આ ઘટનાની ગંભીર નોંધ લેવી અને આ ઘટના સાથે સંકળાયેલાઓ પર કડક કાર્યવાહી કરવી એવી મેં તેમને વિનંતી કરી છે. આટલા મોટા પ્રમાણમાં લોકો વિધાનસભા પરિષદમાં આવે અને મારામારી કરે એ વિધાનસભા માટે શોભે એવું નથી એથી સંબંધિતો પર કાર્યવાહી થવી જોઈએ.’
આ ઘટના પછી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP)ના જયંત પાટીલ અને જિતેન્દ્ર આવ્હાડ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. એ વખતે જયંત પાટીલે મહેસૂલ પ્રધાન ચંદ્રકાન્ત બાવનકુળે સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી. દેવેન્દ્ર ફડણવીસે તાત્કાલિક ગોપીંચદ પડળકરને મળવા બોલાવ્યા હતા. હવે આ બાબતે સરકાર શું પગલાં લે છે એના પર રાજ્યની જનતાની નજર મંડાયેલી રહેશે.
શાને કારણે વિવાદ થયો?
એક મહિના પહેલાં ગોપીચંદ પડળકરે ક્રિશ્ચિયન મિશનરીઓ દ્વારા વ્યવસ્થિત રીતે કરવામાં આવતા ધર્માંતરણ સંદર્ભે કહ્યું હતું કે ‘જે રીતે આપણે ત્યાં બળદગાડાની રેસમાં ઇનામ આપવામાં આવે છે એ રીતે ધર્માંતરણ કરાવનાર પાદરીને મારનાર માટે પણ ઇનામ રાખવું જોઈએ. પહેલા પાદરીને મારે તેને પાંચ લાખ, બીજાને મારે તેને ચાર લાખ. ત્રીજાને મારે તેને ૩ લાખ એ રીતે.’
ગોપીચંદ પડળકરના આ નિવેદન બાદ તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ એવી માગણી જિતેન્દ્ર આવ્હાડે હાલમાં ચાલી રહેલા વિધાનસભાના મૉન્સૂન સેશનમાં વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર સામે કરી હતી.
એ પછી વિધાનસભાના સત્રમાં આવતાં-જતાં સામસામે થતાં ગોપીચંદ પડળકરે જિતેન્દ્ર આવ્હાડને જોઈને અર્બન નક્સલ અને મુસ્લિમોના એક્સ તરીકે કમેન્ટ કરી હતી.
તો બીજી બાજુ જિતેન્દ્ર આવ્હાડે પણ મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના પ્રકરણે ગોપીચંદ પડળકરને જવાબદાર ગણી, તેમનું નામ ન લેતાં વિધાનસભામાં એન્ટ્રી લેતી વખતે ‘મંગળસૂત્ર ચોર’ જેવી ઘોષણા કરતાં-કરતાં એન્ટ્રી લીધી હતી.
આમ એકબીજા સામે તેઓ ઘૂરકિયાં કરતા રહેતા હતા. મંગળવારે ફરી પાછા તેઓ એકબીજા સામે આવી ગયા હતા. વિધાનભવનમાં જિતેન્દ્ર આવ્ડાડની એકદમ નજીકથી, બાજુમાંથી ગોપીચંદ પડળકરની કાર નીકળી હતી એથી પણ તેમની વચ્ચે તણખા ઝર્યા હતા.
જિતેન્દ્ર આવ્હાડે બુધવારે તેમને મળેલી ધમકીના મેસેજ આજે ગુરુવારે જાહેરમાં પ્રદર્શિત કર્યા હતા જેમાં ગાળની ભરમાર સાથે તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી એથી તેમણે એ મેસેજ બદલ ટ્વીટ કર્યું અને સાથે એ મેસેજ પણ પોસ્ટ કર્યો અને એ પોસ્ટ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને પણ ટૅગ કરી હતી. એ પછી સાંજે વિધાનસભાની લૉબીમાં બન્ને પક્ષના કાર્યકરો બાખડી પડ્યા હતા.
ગોપીચંદ પડળકરે દિલગીરી વ્યક્ત કરી
વિધાનસભામાં છુટ્ટા હાથની મારામારીની ઘટના બાદ પત્રકારોને સંબોધતાં ગોપીચંદ પડળકરે કહ્યું હતું કે ‘વિધાનસભાના પરિસરમાં જે ઘટના બની છે એ બહુ કમનસીબ ઘટના છે. એનું બહુ દુ:ખ મને વિધાનસભાના સભ્ય તરીકે થઈ રહ્યું છે. આ આખો પરિસર મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ અને વિધાન પરિષદના સભાપતિના અખત્યાર હેઠળ આવતો હોવાથી હું દિલગીરી વ્યક્ત કરું છું. આ બાબતે અમારા બધા નેતા સાથે ચર્ચા કર્યા બાદ હું આપ સૌની સાથે સવિસ્તર વાત કરી શકીશ.’

