કોર્ટમાં હાજર કરતાં કોર્ટે ત્રીજી ફેબ્રુઆરી સુધીની પોલીસ-કસ્ટડી આપી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : જાણીતા બિલ્ડર જયેશ તન્નાની વધુ એક કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આંબોલી પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલી ૩.૩૩ કરોડ રૂપિયાની છેતરપિંડીના એફઆઇઆર સંદર્ભે આંબોલી પોલીસે મંગળવારે ધરપકડ કરીને તેને બુધવારે કોર્ટમાં હાજર કરતાં કોર્ટે ત્રીજી ફેબ્રુઆરી સુધીની પોલીસ-કસ્ટડી આપી છે.
આ વિશે માહિતી આપતાં જયેશ તન્નાના વકીલ ઍડ્વોકેટ મયૂરે કહ્યું હતું કે ‘આ ઘટના ૨૦૧૩ની છે. ફરિયાદી વિનોદ પંજાબીએ જયેશ તન્નાના એક પ્રોજેક્ટમાં ફ્લૅટ બુક કરાવ્યો હતો. ત્યાર બાદ એ ફ્લૅટનું પઝેશન આપવા બાબતે થયેલા વિવાદમાં વિનોદ પંજાબીએ જયેશ તન્ના સામે ડી. એન. નગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ડી. એન. નગર પોલીસે એ ફરિયાદનો પ્રકાર જોતાં એ સિવિલ મૅટર હોવાનું કહીને એને કાઢી નાખી હતી. એ પછી ફરિયાદી વિનોદ પંજાબીએ આ મૅટરને લઈને રેરામાં ફરિયાદ કરી હતી. રેરાના એ કેસમાં ૨૦૧૮માં બન્ને પાર્ટી દ્વારા સેટલમેન્ટ કરાયું હતું અને જયેશ તન્ના ફરિયાદીને બીજો ફ્લૅટ અલૉટ કરશે એવું નક્કી થયું હતું. એ માટે કેટલીક કન્ડિશન ફુલફિલ કરવાની હતી, જેમ કે જૂના રજિસ્ટર કરાયેલા ફ્લૅટના ડૉક્યુમેન્ટ્સ આપવાના હતા. જો એ કન્ડિશન ફુલફિલ ન થાય તો ફરી રેરામાં એની રજૂઆત કરવા જણાવાયું હતું. જોકે ફેબ્રુઆરી ૨૦૨૩થી જયેશ તન્ના એક અન્ય કેસમાં અંદર છે. ત્યાર બાદ ફરી ડિસેમ્બર ૨૦૨૩માં વિનોદ પંજાબીએ આંબોલી પોલીસ-સ્ટેશનમાં આ સંદર્ભે એફઆઇઆર કર્યો હતો. તેણે જયેશ તન્ના સહિત કુલ પાંચ જણ સામે ફરિયાદ કરી છે, જેમાં જયેશ તન્નાની દીકરી શ્રદ્ધા અને પૂત્રવધૂ અનીતા તન્નાને પણ આરોપી દર્શાવાઈ છે, જ્યારે આ ઘટના ૨૦૧૩-’૧૪ની છે. એ વખતે શ્રદ્ધા માઇનર હતી અને અનીતા તન્ના તો ૨૦૧૮માં પરણ્યા બાદ આ પરિવારનો હિસ્સો બની હતી. એથી આ બાબતે અમે અમારા તરફથી પણ રજૂઆત કરવાના છીએ.’
ADVERTISEMENT
આ કેસ સંદર્ભે આંબોલી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર જયવંત શિંદેએ કહ્યું હતું કે ‘અમે મંગળવારે જયેશ તન્નાની ધરપકડ કરી છે અને કોર્ટમાં હાજર કરતાં તેને ત્રીજી ફ્રેબુઆરી સુધીની કસ્ટડી અપાઈ છે. કેસની વધુ તપાસ અમારા અધિકારી કરી રહ્યા છે.’


