જયપુરનાં મહિલા ટ્રેન અને પ્લૅટફૉર્મના ગૅપમાં સરકી રહ્યાં હતાં ત્યારે હવાલદારે તેમને પ્લૅટફૉર્મ તરફ ખેંચીને બચાવી લીધાં
જયપુરથી આવેલી બહારગામની ટ્રેન બોરીવલી રેલવે સ્ટેશનથી ઊપડી ત્યારે અનીતા જોશી ઊતરવા ગયાં એમાં તેઓ પડી ગયાં હતાં, પણ સતર્ક RPFના કૉન્સ્ટેબલે તેમને બચાવી લીધાં હતાં.
રાજ્યના બજેટમાં લાડકી બહિણની રકમમાં વધારો થવાની ઓછી શક્યતા બોરીવલી રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી ઊતરી રહેલી મહિલાનો હાથ દરવાજામાંથી છૂટી જતાં પ્લૅટફૉર્મ પર પડી ગયાં હતાં અને તેઓ ટ્રેન અને પ્લૅટફૉર્મની વચ્ચેના ગૅપમાં સરકી જવાની તૈયારીમાં હતાં ત્યારે ફરજ પરના એક રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના સતર્ક જવાને દોડીને મહિલાને પ્લૅટફૉર્મ તરફ ખેંચી લઈને તેમનો જીવ બચાવ્યો હોવાનો વિડિયો ગઈ કાલે સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો હતો. બાદમાં આ મહિલા ૫૭ વર્ષનાં અનીતા મનમોહન જોશી જયપુરનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.
બોરીવલી રેલવે સ્ટેશને ટ્રેનમાંથી પડ્યા બાદ બાલ-બાલ બચી ગયેલાં જયપુરમાં રહેતાં અનીતા જોશી.
ADVERTISEMENT
બોરીવલી RPFના ઇન્ચાર્જ દિનેશ યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે સાંજે સાડાપાંચ વાગ્યે જયપુર-બાંદરા ટર્મિનસ વચ્ચે ચાલતી ટ્રેન બોરીવલી રેલવે સ્ટેશને પહોંચી હતી. થોડા સમય બાદ ટ્રેન બાંદરા ટર્મિનસ તરફ રવાના થઈ હતી ત્યારે અનીતા જોશી નામનાં મહિલા ચાલતી ટ્રેનમાંથી ઊતરવાનો પ્રયાસ કરતી વખતે પડી ગયાં હતાં. આ સમયે RPFના કૉન્સ્ટેબલ હીરાલાલ સેન ડ્યુટી પર હતો. તેણે મહિલાને ટ્રેનમાંથી પડતાં જોઈને દોટ લગાવીને મહિલાનો હાથ પકડી લીધો હતો અને મહિલાને પ્લૅટફૉર્મ ઉપર ખેંચી લીધાં હતાં. કૉન્સ્ટેબલે જીવના જોખમે મહિલાનો જીવ બચાવ્યો હતો. RPFમાં ઑપરેશન જીવન-રક્ષાની ટ્રેઇનિંગ આપવામાં આવે છે. કૉન્સ્ટેબલ હીરાલાલ સેને અનીતા જોશીને ચાલતી ટ્રેનમાંથી પડતાં જોઈને સતર્કતા દાખવી હતી એટલે તેમનો જીવ બચી ગયો હતો. થોડી વાર માટે પ્રવાસી અનીતા જોશીનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો, પરંતુ બાદમાં તેઓ નૉર્મલ થઈ ગયાં હતાં.’
આ ઘટના સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા બાદ રેલવે વિભાગે લોકોને ચાલતી ટ્રેનમાં ચડવા કે ઊતરવાનું જોખમ ન ખેડવાની અપીલ કરી છે.

