બૉમ્બે હાઈ કોર્ટને મહારાષ્ટ્ર સરકારે આપ્યો આ જવાબ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈમાં વધતા જતા પ્રદૂષણને કાબૂમાં લેવા માટે પેટ્રોલ-ડીઝલથી ચાલતાં વાહનો હટાવી લેવાય અને માત્ર કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) તેમ જ ઇલેક્ટ્રિક વાહનોને જ પરવાનગી આપવામાં આવે તો વિવિધ ક્ષેત્રે શું અસર વર્તાય એવો પ્રશ્ન બૉમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકારને કર્યો હતો. સરકારે જવાબમાં જણાવ્યું હતું કે આ પગલાથી દેશનું અર્થતંત્ર ડામાડોળ થઈ જશે.
મુંબઈમાં વધતા જતા પ્રદૂષણ બાબતે બૉમ્બે હાઈ કોર્ટને ઘણીબધી અરજીઓ મળી હતી. એના અનુસંધાનમાં જસ્ટિસ આલોક આરાધે અને જસ્ટિસ એમ. એસ. કર્ણિકની ખંડપીઠે સરકારને સમિતિ રચીને સચોટ અભ્યાસ કરીને ત્રણ મહિનામાં રિપોર્ટ આપવા કહ્યું હતું. જોકે સોમવારે ૭ સભ્યોની બનેલી સમિતિએ રિપોર્ટ રજૂ કરવા અદાલત પાસે મુદ્દત લંબાવવાની દરખાસ્ત કરી હતી.
ADVERTISEMENT
ટ્રાન્સપોર્ટ વિભાગના જૉઇન્ટ કમિશનર જયંત પાટીલે ઍફિડેવિટમાં જણાવ્યું હતું કે અર્થતંત્ર અને બહોળા પ્રમાણમાં જનતાને સ્પર્શતો મુદ્દો હોવાને કારણે સમિતિ આ મામલે વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને રિપોર્ટ રજૂ કરશે. આગળની સુનાવણી ૨૯ એપ્રિલે થશે.


