સિદ્ધિવિનાયક મંદિર માટે સંપાદિત જમીનનું ૧૦.૯૪ કરોડ રૂપિયાનું વળતર માલિકો અને ભાડૂત વચ્ચે સરખે હિસ્સે વહેંચવાનો બૉમ્બે હાઈ કોર્ટનો આદેશ
સિદ્ધિવિનાયક મંદિર
શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરના વિસ્તરણ માટે સંપાદિત કરવામાં આવેલા પ્રભાદેવીસ્થિત પ્લૉટના ૧૦.૯૪ કરોડ રૂપિયાના જમીન-વળતરને બૉમ્બે હાઈ કોર્ટે જમીનમાલિકો અને જૂના ભાડૂત સદાનંદ ગૅરેજ વચ્ચે અડધોઅડધ વહેંચવાનો આદેશ આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે સંપાદિત થયેલી આ મિલકતમાં બન્ને પક્ષકારોનું મોટું હિત રહેલું છે. આ વળતરની રકમ ૮ અઠવાડિયાંમાં ચૂકવી આપવા સત્તાવાળાઓને આદેશ કરાયો છે.
જસ્ટિસ અમિત બોરકરે ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૨ની સ્થિતિ મુજબ ૬૪૨.૯૮ ચોરસ મીટરના આ પ્લૉટની માર્કેટવૅલ્યુ પ્રતિ ચોરસ મીટર ૧,૭૦,૨૦૦ રૂપિયા નક્કી કરી હતી. મંદિરે દર્શને આવતા ભક્તો માટે વેઇટિંગ હૉલ અને વિશ્રામગૃહ બનાવવા અર્થે રાજ્ય સરકારે આ જમીન સંપાદિત કરી હતી.
હાઈ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે જમીનના કુલ ૧૦.૯૪ કરોડ રૂપિયાના વળતરમાંથી માલિકો અને સદાનંદ ગૅરેજ બન્નેને ૫.૪૭-૫.૪૭ કરોડ રૂપિયા ચૂકવવામાં આવે. આ સિવાય જમીન પર રહેલાં બાંધકામ અને વૃક્ષો પેટે મંજૂર થયેલા વધારાના ૩.૮૫ લાખ રૂપિયા સંપૂર્ણપણે માત્ર માલિકોને જ મળશે.
