પબ્લિક ઓપિનિયન ન આવે ત્યાં સુધી સવારે ૬થી ૮ વાગ્યા સુધી ચણ નાખવા દેવાની BMCને ના પાડી દીધી બૉમ્બે હાઈ કોર્ટે : એક્સપર્ટ પૅનલની રચનાને મંજૂરી : આગામી સુનાવણી ચાર અઠવાડિયાં પછી
મુંબઈ હાઈ કોર્ટની પ્રતીકાત્મક તસવીર
મુંબઈ હાઈ કોર્ટે કબૂતરોને ચણ નાખવાના વિવાદની તપાસ માટે ગઈ કાલે સરકારને નિષ્ણાત સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો. એ ઉપરાંત જ્યાં સુધી જાહેર અભિપ્રાય મળે નહીં ત્યાં સુધી મુંબઈ મહાનગરપાલિકા પર સવારે ૬થી ૮ વાગ્યા સુધી બે કલાક માટે કબૂતરોને ચણ નાખવાની મંજૂરીની દરખાસ્ત પર પણ બ્રેક લગાવી હતી. આનાથી જીવદયાપ્રેમીઓ હતાશ થઈ ગયા હતા. તેઓ કહે છે કે કોર્ટ જે દિશા તરફ જઈ રહી છે એ જોતાં અમે કબૂતરોને ક્યારે ચણ ખવડાવી શકીશું અને સરકારી પ્રક્રિયામાં કેટલો સમય જશે એ કબૂતરોના જીવન માટે પ્રાણપ્રશ્ન બની ગયો છે, અમે ચિંતિત છીએ કે મહાનગરપાલિકા ચણ નાખવાની પરવાનગી આપશે એટલા સમયમાં તો હજારો કબૂતરોના જીવ જતા રહેશે.
ગઈ કાલે જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને આરિફ ડૉક્ટરની બેન્ચ સમક્ષ દાદરના કબૂતરખાનાને લગતી મૅટરની સુનાવણી આગળ ચાલી હતી જેમાં મહારાષ્ટ્રના ઍડ્વોકેટ જનરલ બીરેન્દ્ર સરાફે જાહેર આરોગ્ય અને બંધારણીય અધિકારીઓને પ્રાથમિકતા આપવાના કોર્ટના અગાઉના નિર્દેશો અનુસાર આરોગ્ય અધિકારીઓ, નગર નિયોજકો, ઇમ્યુનોલૉજિસ્ટ અને માઇક્રોબાયોલૉજિસ્ટ સહિતના સમિતિના સભ્યોની સૂચિ રજૂ કરી હતી. બેન્ચે તેમને પિટિશનરો અને તેમના હિસ્સેદારો, સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરો, પ્રાણીઓના ડૉક્ટરો જેવાં અનેક વધુ નામ ઉમેરવા કહ્યું હતું.
ADVERTISEMENT
બીરેન્દ્ર સરાફે સમિતિના કાર્યનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘આ સમિતિનું પ્રથમ કાર્ય કબૂતરોને ચણ નાખવા માટેનાં જાહેર સ્થળોનું સર્વેક્ષણ કરવાનું અને પછી જાહેર આરોગ્યને જોખમમાં મૂક્યા વિના નિયંત્રિત ખોરાક માટેનાં સ્થળોની ભલામણ કરવાનું રહેશે.’
કોર્ટે તેમને મંજૂરી આપી અને પૅનલને એની પ્રથમ બેઠકથી એક મહિનામાં કોર્ટમાં રિપોર્ટ આપવા જણાવ્યું હતું.
ત્યાર પછી મહાનગરપાલિકાએ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ સવારના બે કલાકના સ્લૉટ દરમ્યાન ચોક્કસ શરતો સાથે કબૂતરોને ચણ આપવાની મંજૂરી આપવા તૈયાર છે એની સામે કોર્ટે તેમને તેમના અગાઉના વલણ માટે ઠપકો આપતાં કહ્યું હતું કે ‘તમે અગાઉ જાહેર હિતમાં નિર્ણય લીધો હતો. હવે તમે કોઈ વ્યક્તિના કહેવાથી એ નિર્ણય બદલો છો? જો તમે તમારા જૂના આદેશમાં સુધારો કરવા માગતા હોય તો પહેલાં નોટિસ રજૂ કરો અને જનતા સહિત તમામ પિટિશનરો પાસેથી સૂચનો મગાવો.’
ન્યાયાધીશોએ નિર્દેશ આપ્યો હતો કે જાહેર આરોગ્યની અસરોનું મૂલ્યાંકન કરતાં અને વાંધાઓ મગાવતાં પહેલાં કોઈ નિયંત્રિત સમયમાં કબૂતરોને ચણ આપવાની મંજૂરી આપી શકાતી નથી. એની સામે મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે હજી સુધી ચણ આપવાના સમય માટે કોઈ આદેશ પસાર કર્યો નથી તેમ જ ખાતરી આપતાં કહ્યું હતું કે અમે કોઈ પણ આદેશ આપતાં પહેલાં જાહેર જનતાનાં સૂચનો મગાવીશું.
પિટિશનરો તરફથી મહાલક્ષ્મી રેસકોર્સનો ઉપયાગ કબૂતરોને ચણ નાખવા માટે કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જોકે બેન્ચે કહ્યું હતું કે એ ખોટી મિસાલ સ્થાપિત કરી શકે છે, એને કારણે ખુલ્લી જગ્યામાં ફૂડ ઝોનની માગણી થઈ શકે છે.
કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે અરજદારો સહિત તમામ હિસ્સેદારો નવી રચાયેલી સમિતિને લેખિત સૂચનો સબમિટ કરી શકે છે તેમ જ ચણના સમય માટેનાં જાહેર મંતવ્યો પાંચથી દસ દિવસમાં એકત્રિત કરવા કહ્યું હતું. આગામી સુનાવણી ચાર અઠવાડિયાં પછી સુનિશ્ચિત થઈ છે.
અમે કોર્ટ પાસે સવાર અને સાંજનો કબૂતરોને ચણ આપવાનો સમય માગ્યો હતો એમ જણાવતાં અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ પંડ્યાએ કહ્યું હતું કે ‘એને મંજૂરી આપવામાં આવી નહોતી જેનાથી અમને આંચકો લાગ્યો છે. કોર્ટ હવે સમિતિના અહેવાલના આધારે નિર્ણય લેશે અને ત્યાં સુધી અમે કબૂતરોને ચણ આપી શકીશું નહીં જે એક દુખદાયક બીના છે.’
આ કેસનાં અરજદાર અને જસ્ટ સ્માઇલ ચૅરિટેબલ ટ્રસ્ટનાં સ્નેહા વીસરિયાએ તેમની વ્યથા ઠાલવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોર્ટના નિર્દેશ પ્રમાણે અરજદારોને, નિષ્ણાત સમિતિને પોતાનો અભિપ્રાય આપવાની મંજૂરી આપવામાં આવશે. આ ફક્ત દાદર કબૂતરખાના પૂરતું મર્યાદિત નથી. કબૂતરોનાં મોત અને ક્રૂરતા આમાં સામેલ છે, પરંતુ સમિતિ એમાં સામેલ નથી. આ પહેલાં ૨૦૦૫માં પ્રાણીઓ પર ક્રૂરતા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી કોઈ નક્કર અહેવાલ દાખલ કરવામાં આવ્યો નથી. અત્યારે ચાલી રહેલા કબૂતરોના કેસમાં ૨૦ ઑગસ્ટ સુધીમાં સમિતિની રચના કરવામાં આવશે. જો અરજદાર ખોરાક આપવા માગે છે તો તેની અરજીને થોડા દિવસ માટે જાહેર નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે અને જો જાહેર જનતા દ્વારા કોઈ વાંધો નહીં ઉઠાવવામાં આવે તો અરજદારને લેખિત અરજી સામે કબૂતરોને ચણ આપવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ જેમ આપણે જાણીએ છીએ કે ફાઇનલ ઑર્ડરમાં થોડો ટ્વિસ્ટ આવે છે. અમે ફાઇનલ ઑર્ડરની રાહ જોઈએ છીએ.’


