આમ કહીને ટ્રસ્ટની અરજી બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી : ટેમ્પરરી મૉન્સૂન શેડ પણ ૩૧ ઑક્ટોબર સુધીમાં કાઢી લેવા નિર્દેશ આપીને ૪ અઠવાડિયાં જૈસે થે પરિસ્થિતિ જાળવવાનો આદેશ
વિલે પાર્લે (ઈસ્ટ)માં આવેલી નેમિનાથ સોસાયટીના જૈન મંદિર
વિલે પાર્લે (ઈસ્ટ)માં આવેલી નેમિનાથ સોસાયટીના જૈન મંદિરને ૧૬ એપ્રિલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ગેરકાયદે ગણાવીને તોડી પાડ્યું હતું. એ પછી જૈન સમુદાય દ્વારા વિશાળ મોરચો કાઢી એનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે શ્રી ૧૦૦૮ દિગમ્બર જૈન મંદિર ટ્રસ્ટ દ્વારા બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરીને સિટી સિવિલ કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. બૉમ્બે હાઈ કોર્ટે મંગળવારે ટ્રસ્ટની અરજી ફગાવી દીધી છે. ટ્રસ્ટના વકીલ દ્વારા રજૂઆત કરતાં કહેવાયું હતું કે હાલ મૉન્સૂન હોવાથી ત્યાં કાચો શેડ બાંધ્યો છે એ રહેવા દેવામાં આવે. એથી કોર્ટે કહ્યું છે કે ટ્રસ્ટ BMCને લેખિતમાં ખાતરી આપે કે એ કાચો શેડ ૩૧ ઑક્ટોબર સુધીમાં કાઢી લેવાશે અને એથી એ માટે ૪ અઠવાડિયાં જૈસ થે જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.
બૉમ્બે હાઈ કોર્ટનાં જસ્ટિસ ગૌરી ગોડસેએ કહ્યું હતું કે ‘સિટી સિવિલ કોર્ટના ઑર્ડરમાં કાંઈ જ ખોટું જણાતું નથી. BMCએ આ બાબતે તેમની ઍફિડેવિટમાં કહ્યું છે કે તેમણે મહારાષ્ટ્ર રીજનલ ઍન્ડ ટાઉન પ્લાનિંગ ઍક્ટ હેઠળ વારંવાર નોટિસ મોકલી હતી. એથી એમના દ્વારા લેવાયેલી ઍક્શન (ડિમોલિશન) પણ ખોટી નથી. મને એથી સિટી સિવિલ કોર્ટના આદેશમાં કશું ગેરકાયદે અથવા વિકૃત જણાતું નથી અને એથી ટ્રસ્ટની અરજી કાઢી નાખવામાં આવે છે.’
ADVERTISEMENT
શ્રી ૧૦૦૮ દિગમ્બર જૈન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ પંડીનો જ્યારે આ બાબતે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘હાઈ કોર્ટના આ ઑર્ડર સામે કઈ રીતે આગળ વધવું એ બદલ અમે વકીલોની સલાહ લઈ રહ્યા છીએ અને મીટિંગો કરી રહ્યા છીએ. બે-ચાર દિવસમાં એ બાબતે સ્પષ્ટતા થશે.’
નેમિનાથ સોસાયટીના આ જૈન મંદિરનો કેસ વર્ષોથી અલગ-અલગ કોર્ટમાં ચાલ્યો આવ્યો છે. સિટી સિવિલ કોર્ટ, બૉમ્બે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ કેસ પહોંચ્યો હતો. અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ એમ બધે જ આ કેસ ચાલેલો હતો. BMCના અપ્રૂવ્ડ પ્લાનમાં એ જગ્યા રેક્રીએશનલ ગ્રાઉન્ડ તરીકે દર્શાવી છે. છેલ્લાં બાવીસ વર્ષથી આ બાબતે કેસ ચાલી રહ્યો છે, એમ સોસાયટીના પદાધિકારીનું કહેવું હતું. રેક્રીએશનલ ગ્રાઉન્ડની જગ્યાએ આ જૈન મંદિર ઊભું કરી દેવાયું છે એવો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો હતો.

