દર વર્ષે ગણેશોત્સવ દરમ્યાન મંડપ બાંધવા માટે કે દર્શનની વ્યવસ્થા કરવા માટે અનેક ગણેશ મંડળો રસ્તા પર ખાડા ખોદે છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
દર વર્ષે ગણેશોત્સવ દરમ્યાન મંડપ બાંધવા માટે કે દર્શનની વ્યવસ્થા કરવા માટે અનેક ગણેશ મંડળો રસ્તા પર ખાડા ખોદે છે. આવા ખાડા પાછા ભરવામાં ન આવે તો બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ગણેશ મંડળોને દંડ ફટકારે છે. આ વર્ષે BMCએ આ દંડની રકમ ૨૦૦૦થી વધારીને ૧૫,૦૦૦ રૂપિયા કરી દીધી છે જેનો તમામ ગણેશોત્સવ મંડળોએ વિરોધ કર્યો છે.
શનિવારે દાદરમાં મુંબઈનાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળોનું પ્રતિનિધિત્વ કરતી બૃહન્મુંબઈ પબ્લિક ગણેશોત્સવ કો-ઑર્ડિનેશન કમિટીએ ગણેશોત્સવને લગતા વિવિધ નિયમો અને નિર્ણયો વિશે ચર્ચા કરવા બેઠક યોજી હતી જેમાં ૨૧ જુલાઈએ BMCએ જાહેર કરેલા પ્રત્યેક ખાડા માટે ૧૫,૦૦૦ રૂપિયાના દંડને પાછો ખેંચવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવાની વાત થઈ હતી.
ADVERTISEMENT
આ ઉપરાંત મંડપમાં મોટી મૂર્તિઓની આગળ મુકાતી નાની મૂર્તિઓને પણ મોટી મૂર્તિઓ સાથે દરિયામાં વિસર્જન કરવાની પરવાનગી મળવી જોઈએ એ બાબતે ચર્ચા થઈ હતી. હાઈ કોર્ટના ચુકાદા બાદ પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિના વિસર્જન માટે ગૅરન્ટી લેટર લેવા બાબત ઉપરાંત સરકારે મંડળ અને ભક્તો માટે ઇન્શ્યૉરન્સ-કવર આપવું જોઈએ અને મંડપમાં વીજળી પણ રાહતના દરે આપવી જોઈએ એવી માગણીઓ અમુક મંડળોએ બેઠકમાં રજૂ કરી હતી.
પ્રખ્યાત અને ધનિક ગણાતાં ગણેશ મંડળોએ પણ BMCના નવા નિયમનો વિરોધ કર્યો છે એથી કમિટી આ વધુ પડતો દંડ પાછો ખેંચવા માટે BMC અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરશે, એમ કો-ઑર્ડિનેશન કમિટીના ચૅરમૅન ઍડ્વોકેટ નરેશ દહિબાવકરે જણાવ્યું હતું.


