પર્યુષણમાં કતલખાનાં બંધ રાખવા માટે અકબરને સમજાવવું સહેલું હતું, પણ BMCને સમજાવવું અઘરું હોવાની જૈન સમુદાયના વકીલની ટિપ્પણી
પ્રતીકાત્મક તસવીર
જૈનોના પર્યુષણ પર્વના ૭ દિવસ કતલખાનાં બંધ રાખવાની અરજીની સામે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મુંબઈમાં બે દિવસ ૨૪ અને ૨૭ ઑગસ્ટે કતલખાનાં બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને બૉમ્બે હાઈ કોર્ટે આ વર્ષ માટે માન્ય રાખ્યો છે. આવતા વર્ષ માટે આ અરજી પર બે સપ્તાહ પછી સુનાવણી થશે.
બુધવારની સુનાવણીમાં જૈન સમુદાયના વકીલ અભિનવ ચંદ્રચૂડે દલીલ કરી હતી કે અમદાવાદમાં સાત દિવસ કતલખાનાં બંધ રાખવાનો આદેશ છે, જ્યારે મુંબઈમાં જૈનોની સંખ્યા અમદાવાદ કરતાં વધુ છે એમ છતાં માત્ર બે જ દિવસ માટે કતલખાનાં બંધ કેમ? આ વાત પર જૈન સમુદાયના સિનિયર ઍડ્વોકેટ પ્રસાદ ધાકેફળકરે ઉમેર્યું હતું કે ‘BMCએ એના આદેશમાં જણાવ્યું છે કે મુંબઈમાં જૈનોની સંખ્યા પ્રમાણમાં ખૂબ ઓછી છે. જોકે BMCએ મુંબઈમાં જૈનોની સંખ્યા માત્ર નૉન-વેજિટેરિયન લોકો સાથે સરખાવીને નિર્ણય લેવો જોઈતો હતો. અત્યારે શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે એટલે નૉન-વેજિટેરિયન લોકો પણ નૉનવેજ નહીં ખાતા હોય એ પણ ધ્યાનમાં લેવું જોઈએ.’
ADVERTISEMENT
આ દલીલના જવાબમાં બૉમ્બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ આલોક આરાધે અને ન્યાયાધીશ સંદીપ મારણેની ખંડપીઠે સ્પષ્ટતા કરી હતી કે ‘અમદાવાદનો કેસ સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો અને કોર્ટે પણ પ્રાણીઓ સામે દયા રાખવી જોઈએ એ મૂળભૂત ફરજ તરીકે માન્ય રાખી હતી, પરંતુ પર્યુષણ દરમ્યાન કતલખાનાં બંધ રાખવાની વાત માટે કોઈ કાયદાકીય જોગવાઈ નથી. મુંબઈમાં પર્યુષણ દરમ્યાન કતલખાનાં બંધ રખાવવાં હશે તો આ વાત તમારે BMCને સમજાવવી પડશે. અમારા હાથમાં હોય તો અમે બધાને વેજિટેરિયન ખાવાનો જ આદેશ આપીએ.’
ત્યારે સિનિયર ઍડ્વોકેટે ટિપ્પણી કરી હતી કે ‘અકબરને એ સમયે સમજાવવો આસાન હતો, પણ BMC અને સરકારને સમજાવવું ખૂબ અઘરું છે. અકબરે તેના સમયમાં ગુજરાતમાં પર્યુષણ દરમ્યાન કતલખાનાં બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.’
આખા પર્યુષણ પર્વ દરમ્યાન કતલખાનાં બંધ રાખવાની અરજી પર ૭ જુલાઈએ થયેલી સુનાવણી દરમ્યાન હાઈ કોર્ટે આ બાબતે BMCને નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. એના જવાબમાં મંગળવારે BMCએ હાઈ કોર્ટને જણાવ્યું હતું કે ૨૪ અને ૨૭ ઑગસ્ટે કતલખાનાં બંધ રાખવામાં આવશે. એને માન્ય રાખીને બુધવારે હાઈ કોર્ટે નોટિસ આપી હતી.


