° °

આજનું ઇ-પેપર
Saturday, 28 January, 2023


વિધાનસભ્યો ફૂટે નહીં એટલે ઉદ્ધવ ઠાકરે મધ્યસત્ર ચૂંટણીની ભાષા બોલી રહ્યા છે

06 November, 2022 11:45 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ બીજેપીના અધ્યક્ષ ઍડ. આશિષ શેલારે શિવસેનાપ્રમુખને તેમનાથી છૂટા પડેલા લોકોના આરોપ વિશે બોલવા કહ્યું

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે શુક્રવારે એકનાથ શિંદે સરકાર તૂટી પડવાનું કહ્યા બાદ ગઈ કાલે શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અત્યારની સરકાર ગમે ત્યારે તૂટી પડશે એટલે કાર્યકરોને મધ્યસત્ર ચૂંટણીની તૈયારીમાં લાગવાનું આહવાન કર્યું હતું. બીજેપીના મુંબઈના અધ્યક્ષ ઍડ. આશિષ શેલારે ઉદ્ધવ ઠાકરેને જવાબ આપતાં કહ્યું હતું કે ‘પોતાના વિધાનસભ્યો ફૂટે નહીં એ માટે તેઓ આવી ભાષા બોલી રહ્યા છે. તેમણે પોતાનાથી છૂટા પડેલા લોકોએ કરેલા આરોપનો જવાબ આપવો જોઈએ.’

ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં મધ્યસત્ર ચૂંટણી આવવાની શક્યતા વ્યક્ત કરી છે એ વિશે બીજેપીના મુંબઈ અધ્યક્ષ અને બાંદરાના વિધાનસભ્ય ઍડ. આશિષ શેલારે ગઈ કાલે કહ્યું હતું કે ‘પોતાના પ્રધાનો, વિધાનસભ્યો અને સભ્યો તેમની સત્તા હતી ત્યારે છોડી ગયા. તમામ યંત્રણા તમારી પાસે હતી, તમે મુખ્ય પ્રધાન હતા તો પણ તેઓ ગયા. તેમણે મતદાન પણ વિરોધમાં કર્યું, તમારી સાથે તેમણે વાત પણ કરી. શિવસેનાને નબળી પાડવામાં આવી રહી હોવાનું તેમણે કહ્યું હતું. આજે જ્યારે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં સરકાર યોગ્ય રીતે ચાલી રહી છે ત્યારે ઉદ્ધવ ઠાકરે કહી રહ્યા છે કે મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર રહો. તેઓ બાકી રહેલા વિધાનસભ્યો ફૂટે નહીં એ માટે આવી ભાષા બોલી રહ્યા છે.’

કૉન્ગ્રેસના ૨૨ વિધાનસભ્યો તૈયાર છે : ચંદ્રકાંત ખૈરે

ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા ચંદ્રકાંત ખૈરેએ કહ્યું હતું કે શિવસેનામાં સત્તાસંઘર્ષના સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં જો એકનાથ શિંદે સહિતના ૧૬ વિધાનસભ્યો અપાત્ર ઠરે તો સરકાર ટકાવી રાખવા માટે દેવેન્દ્ર ફડણવીસે કૉન્ગ્રેસના ૨૨ વિધાનસભ્યો તૈયાર રાખ્યા છે એટલે આ સરકાર પડશે નહીં. ચંદ્રકાંત ખૈરેએ સંભાજીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં આવું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસ હોશિયાર છે. એકનાથ શિંદે જૂથ મુશ્કેલીમાં મુકાશે તો ફડણવીસ કૉન્ગ્રેસના ૨૨ વિધાનસભ્યોના સમર્થનથી મુખ્ય પ્રધાન બનશે.’

જોકે ચંદ્રકાંત ખૈરેના આ નિવેદન સામે કૉન્ગ્રેસના નેતાઓએ વાંધો લીધો હતો એટલે તેમણે બાદમાં પોતાનું આ નિવેદન પાછું ખેંચી લીધું હતું.

શપથવિધિ વહેલી સવારે કરનારા જ રાક્ષસી વૃત્તિ વિશે બોલે છે

એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારે એકનાથ શિંદે અને તેમના જૂથના નેતાઓને સત્તા મેળવવા માટે રાક્ષસી વૃત્તિના કહ્યા હતા. એના જવાબમાં એકનાથ શિંદે જૂથના કૅબિનેટ પ્રધાન દીપક કેસરકરે ગઈ કાલે કહ્યું હતું કે ‘સરકાર બનાવવી અને સરકાર પાડવી એ જ અજિત પવારનું કામ છે. જનતા માટે કામ કરવું એ અમારું કામ છે. અજિત પવારે અમારું માન જાળવવું જોઈએ. જેમની શપથવિધિ વહેલી સવારે થઈ હતી તે જ રાક્ષસી વૃત્તિ વિશે બોલે છે. અમારી અને અજિત પવારની વર્તણૂકમાં ફરક છે. તમારા ઘરમાં આગ લાગી છે એ પહેલાં ઓલવો. અજિત પવાર શું બોલે છે એના પર શિવસૈનિકોએ બહુ ધ્યાન આપવાની જરૂર નથી, કારણ કે તેમણે અને તેમના પક્ષે જ ચાર વખત શિવસેનાને ફોડી છે અને જે સમયે તમે કૉન્ગ્રેસ છોડીને પોતાનો નવો પક્ષ બનાવ્યો હતો ત્યારે તમને આ વાત યાદ નહોતી આવી?’

હાથમાં પટ્ટી બાંધીને શરદ પવાર આવ્યા

એનસીપીના ચીફ શરદ પવાર હૉસ્પિટલમાં ઍડ્મિટ હોવા છતાં ગઈ કાલે શિર્ડીમાં ચાલી રહેલી પક્ષની શિબિરમાં બંને હાથમાં પટ્ટી બાંધીને સામેલ થયા હતા. તેઓ મુંબઈથી શિર્ડી હેલિકૉપ્ટરમાં પહોંચ્યા હતા. શરદ પવારની તબિયત ઠીક ન હોવાથી તેમણે કાર્યકરો સાથે પાંચ મિનિટ વાત કરી હતી અને તેમણે લખેલું ભાષણ દિલીપ વળસે પાટીલે વાંચીને સંભળાવ્યું હતું. શરદ પવારે આ સમયે કહ્યું હતું કે ડૉક્ટરોએ તેમને ૧૦થી ૧૫ દિવસ આરામ કરવાની સલાહ આપી છે. આથી પંદર દિવસ બાદ તેઓ નિયમિત કામકાજ શરૂ કરી શકશે.

નવાબ મલિકની સંપત્તિ જપ્ત થશે

મની લૉન્ડરિંગના કેસમાં જેલમાં બંધ એનસીપીના વરિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકની સંપત્તિ જપ્ત કરવા માટેની મંજૂરી મળી ગઈ છે એટલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) નવાબ મલિકની મુંબઈમાં આવેલી ગોવાવાલા કમ્પાઉન્ડની જમીનનો એક ભાગ, કુર્લા-પશ્ચિમમાં આવેલા ત્રણ ફ્લૅટ, બાંદરા-પશ્ચિમમાં આવેલા બે ફ્લૅટ અને ઉસ્માનાબાદ જિલ્લામાં આવેલી તેમની માલિકીની ૧૪૭ એકર ખેતીની જમીન જપ્ત કરશે.

06 November, 2022 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

આશિષ શેલારને ધમકીનો પત્ર

મુંબઈ બીજેપીના અધ્યક્ષ અને બાંદરા-પશ્ચિમના વિધાનસભ્ય ઍડ. આશિષ શેલારની ઑફિસમાં ગઈ કાલે એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો,

28 January, 2023 08:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

વિધાનસભ્યનું બોગસ લેટરહેડ આપીને કરી ૧.૩૦ લાખ રૂપિયાની છેતરપિંડી

એન્જિનિયરિંગ કૉલેજમાં ઍડ્‍મિશન અપાવવા આશિષ શેલારનું નામ વાપરીને છેતરપિંડી કરવા બદલ બે આરોપીની કરવામાં આવી ધરપકડ

07 December, 2022 11:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

એનસીપી-કૉન્ગ્રેસ સાથે સરકાર બનાવવી મર્દાનગી હતી?

ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત સહિતના વિરોધી પક્ષના નેતાઓ તેમ જ ‘સામના’માં એકનાથ શિંદે અને બીજેપીને વિવિધ મામલે મર્દાનગી બતાવવાનું કહી રહ્યા છે ત્યારે આશિષ શેલારે તેમને સવાલ કર્યો

06 December, 2022 11:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK