હવામાન વિભાગના કહેવા મુજબ એકાદ-બે દિવસ પછી જ એના વિશે સ્પષ્ટતા થઈ શકે
ગઈ કાલે પણ શહેરમાં છૂટાછવાયાં ઝાંપટા પડ્યાં હતાં (તસવીર : અતુલ કાંબળે)
મુંબઈમાં સ્કૂલો ખૂલે ત્યારે પહેલા દિવસે વરસાદ હોય જ એવું એક સમીકરણ છેલ્લાં ઘણાં વર્ષોથી જોવા મળે છે. જોકે આ વર્ષે બિપરજૉય વાવાઝોડાને કારણે એ મોડો પડ્યો છે. બે દિવસ પહેલાં જ એ રત્નાગિરિ પહોંચી ગયો હતો, પણ હજી પણ એ ત્યાં જ અટકેલો છે. મુંબઈ પહોંચતાં એને વાર લાગી શકે એમ છે.
મોસમ વિભાગનાં ડિરેક્ટર ડૉક્ટર સુષમા નાયરે જણાવ્યું હતું કે ‘આ વખતે બિપરજૉય વાવાઝોડાને કારણે વરસાદ ડિલે થયો છે. આવતી કાલે એ વાવાઝોડું આવે એવી શક્યતા છે. એ પછી એની અસર ઓસરતી જશે અને ત્યાર બાદ પિક્ચર ક્લિયર થશે. ઍક્ચ્યુઅલી નૈઋત્યના મૉન્સૂનને આગળ વધવા માટેનાં પરિબળો સર્જાશે. એટલે હાલના તબક્કે મૉન્સૂન મુંબઈમાં ક્યારે આવશે એ કહેવું થોડું વહેલું ગણાશે. એકાદ-બે દિવસ પછી જ એના વિશે સ્પષ્ટતા થઈ શકે. હાલ અમે પણ એના પર વેઇટ ઍન્ડ વૉચની જેમ નજર રાખી રહ્યા છીએ.’
ADVERTISEMENT
દરમિયાન ગઈ કાલે મુંબઈમાં બફારો પણ હતો અને વચ્ચે-વચ્ચે પવન પણ ફૂંકાતો હતો. સવારના સમયે કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યા હતા અને સાંજના સમયે પણ એકાદ-બે વિસ્તારોમાં હળવાં ઝાપટાં પડ્યાં હતાં. જોકે ગઈ કાલે પારો થોડો ઊતર્યો હતો. કોલાબામાં ગઈ કાલે ૩૩.૪ ડિગ્રી તાપામાન નોંધાયું હ,તું જ્યારે સાંતાક્રુઝમાં ૩૫.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
દરમિયાન બિપરજૉયની તીવ્રતામાં વધારો થયો છે અને એ આવે ત્યારે ખાનાખરાબી સર્જી શકે છે એવી ચેતવણી મોસમ વિભાગ દ્વારા અપાઈ છે.


