આજે કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર-સોમનાથ, મોરબી, રાજકોટ અને જામનગરમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ; તો લૅન્ડફૉલ પછી કચ્છ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં તબાહીની સંભાવના
વાવાઝોડાના ભારે પવન અને વરસાદને કારણે જૂનાગઢમાં અનેક સ્થળે ઘણાં વૃક્ષ તૂટી પડ્યાં હતાં
બિપરજૉય આવતી કાલે બપોરે એકાદ વાગ્યાની આસપાસ લૅન્ડફૉલ કરવાનું છે ત્યારે એના ઘેરાવામાં સામાન્ય કહેવાય એવો ફરક આવ્યો છે. પહેલાં એ ૬૮૦ કિલોમીટરનો ઘેરાવો ધરાવતો હતો, પણ ગુજરાત હવામાન વિભાગને મળેલાં સૅટેલાઇટ પિક્ચર્સના આધારે અત્યારે એવું અનુમાન લગાવવામાં આવે છે કે એ ઘેરાવો ૮૦ કિલોમીટર જેટલો ઘટ્યો છે. જેનો સૌથી મોટો ફાયદો એ થયો છે કે બિપરજૉયની આક્રમકતામાં પણ આંશિક ઘટાડો થયો છે. પહેલાં જે બિપરજૉય લૅન્ડફૉલ સમયે ૧૭૦થી ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દેખાડવાનું હતું એ હવે ઘટીને વધુમાં વધુ ૧૩પથી ૧પ૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો પવન દેખાડી શકે છે. જોકે આ ઝડપ પણ ઓછી તો નથી જ.
ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીના કહેવા મુજબ એ જેમ નજીક આવે છે એમ દરિયાકાંઠાની નજીક આવેલા વિસ્તારોમાં એની તીવ્રતાની અસર દેખાવી શરૂ થઈ જશે.
બિપરજૉય ગુરુવારે લૅન્ડફૉલ કરવાનું છે છતાં એ નજીક આવતું હોવાથી આજે કચ્છ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને મોરબીમાં ૬૦થી ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે લૅન્ડફૉલ સમયે એટલે કે ગુરુવારે કચ્છ, પોરબંદર અને દ્વારકામાં ૧૧પથી ૧૩પ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. મનોરમા મોહંતીએ કહ્યું કે ‘લૅન્ડફૉલ પછી અન્ય જે પાંચ જિલ્લા છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે, તો સાથોસાથ આખા ગુજરાતમાં પણ વરસાદની અસર દેખાશે.’
ADVERTISEMENT
1
બિપરજૉય વાવાઝોડાના ગુરુવારના ગુજરાતમાં લૅન્ડફૉલનો સંભવિત સમય બપોરે આટલા વાગ્યાનો ધારવામાં આવે છે.


