Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગણેશોત્સવના ડેકોરેશનના વાયરે પત્ની અને બાળક સામે જ જીવ લઈ લીધો ગુજરાતી યુવાનનો

ગણેશોત્સવના ડેકોરેશનના વાયરે પત્ની અને બાળક સામે જ જીવ લઈ લીધો ગુજરાતી યુવાનનો

Published : 08 September, 2025 11:22 AM | Modified : 08 September, 2025 02:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રતીક શાહ ગણપતિનાં દર્શન કરીને ચંપલ શોધી રહ્યો હતો ત્યારે વૃક્ષ પર લટકતા વાયરમાં થયેલા શૉર્ટ સર્કિટે તેના પ્રાણ હરી લીધા : ભાઈંદરના ઘોઘારી વીસા શ્રીમાળી જૈન સમાજમાં અરેરાટી

પ્રતીક ભરત શાહ.

પ્રતીક ભરત શાહ.


ભાઈંદર-વેસ્ટના મોદી પટેલ માર્ગ પરના સાર્વજનિક ગણેશોત્સવમાં ગણપતિનાં દર્શન કરીને ઘરે આવતી વખતે ચંપલ શોધી રહ્યો હતો ત્યારે રોડ પરનાં વૃક્ષો પર ડેકોરેશન માટે લટકી રહેલા ઇલેક્ટ્રિકના વાયરમાં શૉર્ટ સર્કિટ થઈને ૩૮ વર્ષના પ્રતીક શાહ પર પડતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ બનાવથી ૬ વર્ષના બાળકે તેના પપ્પા અને શાહ-પરિવારે તેમનો એકનો એક દીકરો ગુમાવ્યો છે. એને કારણે મોદી પટેલ માર્ગ પરના ગણેશોત્સવમાં અને ભાઈંદરના ઘોઘારી વીસા શ્રીમાળી જૈન સમાજમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આ બાબતે પ્રતીકના નજીકના રિલેટિવ રાજેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રતીક તેની પત્ની અને દીકરા સાથે શનિવારે રાતે તેના જૂના ઘર પાસેના સાર્વજનિક ગણેશોત્સવમાં ગણપતિનાં દર્શન કરવા ગયો હતો. તે ઘણાં વર્ષોથી અનંતચતુર્દશીના દિવસે ગણપતિનાં દર્શન કરવા જતો હતો. બાપાનાં દર્શન કરીને પ્રતીક ભાઈંદર-વેસ્ટમાં ૧૫૦ ફીટ રોડ પર આવેલા તેના ઘરે જવા માટે મંડપમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે અચાનક મંડપની બહારનાં વૃક્ષો પર કરવામાં આવેલાં લાઇટ્સના ડેકોરેશનના વાયરમાંના લટકી રહેલા એક વાયરમાં શૉર્ટ સર્કિટ થતાં પ્રતીક વાયર સાથે ચોંટી ગયો હતો અને ક્ષણભરમાં પ્રતીકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ સમયે પ્રતીકની પત્ની અને તેનો દીકરો સાથે જ હતાં. તેમની નજર સામે જ બનાવ બનતાં બન્ને ગભરાઈ ગયાં હતાં. પ્રતીક તેનાં મમ્મી-પપ્પાનો એકનો એક દીકરો હતો. તેના પપ્પા ભરત શાહની ભાઈંદરમાં હાર્ડવેરની દુકાન છે. પ્રતીક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો અને સારી કંપનીમાં જૉબ કરતો હતો. પરિવાર માટે એ આશાનું કિરણ હતો, પરંતુ શનિવારના બનાવથી અમારા પરિવાર પર આભ તૂટી પડ્યા જેવો માહોલ સર્જાયો છે.’

અકસ્માતની વિસ્તૃત માહિતી આપતાં મોદી પટેલ માર્ગ સાર્વજનિક ગણેશોત્સવના એક કાર્યકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રતીક અમારા મંડળનો કાર્યકર હતો. અમારા ગણેશોત્સવનું આ ૫૦મું વર્ષ હતું એટલે મંડળમાં જબરો ઉત્સાહ અને ઉલ્લાસ હોવાથી અમે ગણેશોત્સવને ધામધૂમથી મનાવવા માટે આખા મોદી પટેલ માર્ગને લાઇટ્સ અને તોરણોથી સજાવ્યો હતો. આસપાસનાં વૃક્ષો પર પણ અમે લાઇટિંગ કરી હતી. શનિવારે રાતે પોણાઆઠ વાગ્યે ગણેશમૂર્તિને વિસર્જન માટે બહાર કાઢીને ટ્રૉલી પર મૂકી હતી અને એ પહેલાં અનંત ચતુર્દશીએ ગણપતિનાં દર્શન કરવા આવેલા પ્રતીક અને તેના પરિવારજનોએ સાથે મળીને ગણપતિબાપ્પાની આરતી પણ કરી હતી. ત્યાર પછી તેઓ બહાર નીકળી રહ્યાં હતાં ત્યારે મંડળના કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓની ભારે ભીડ જામી હતી એ વખતે વૃક્ષો પર લટકી રહેલા વાયર વરસાદને લીધે ભીના થઈ ગયા હતા એમાં શૉર્ટ સર્કિટ થતાં પ્રતીક વાયર સાથે ચોંટી ગયો હતો. તરત જ અમારો કાર્યકર તેને બચાવવા દોડ્યો હતો અને તે પણ વાયર સાથે ચોંટી ગયો હતો. જોકે એ વખતે ત્યાં ઊભેલા લોકોને બામ્બુથી અમારા કાર્યકરને વાયરથી છૂટો પાડવામાં સફળતા મળી હતી. ત્યાર પછી પ્રતીકને વાયરથી અલગ કરાયો હતો, પણ તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2025 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK