હાઇવેના અકસ્માત અને ટ્રાફિક જૅમ, પાણી ભરાવાની સમસ્યા સામે પગલાં લેવાની તંત્રની તૈયારી ઃ હાઇવે પર ફાયરબ્રિગેડની ગાડી સાથે અન્ય પાંચ જગ્યાએ ઍમ્બ્યુલન્સ ઊભી રહેશે
મુંબઈ-અમદાવાદ હાઇવે પર અકસ્માત અને વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા પર ગંભીર રીતે ધ્યાન આપવા માટે બેઠક યોજાઈ હતી.
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે અતિ મહત્ત્વનો હોવા છતાં તંત્રનું એના પર યોગ્ય ધ્યાન ન હોવાથી ટ્રાફિક જૅમની સમસ્યાથી લઈને અકસ્માત, વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાને લીધે લોકોને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. જોકે તંત્ર સફાળું જાગ્યું હોવાથી અકસ્માત થતાં વાહનો અને ઈજાગ્રસ્તોની સમયસર સારવાર માટે ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા, હાઇવે પરનાં કુદરતી નાળાં સાફ કરીને હાઇવે પરનાં ગેરકાયદે બાંધકામ, હોટેલ્સ પર કાર્યવાહી કરવાની સાથે વરસાદમાં પાણી ન ભરાય એ માટે પગલાં લેવાની સાથે કડક પગલાં લેવાની તૈયારી કરી છે. એ પ્રમાણે આગામી દિવસોમાં પ્રશાસન દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
મુંબઈ-અમદાવાદ હાઇવે પર થતા અકસ્માત, ઈજાગ્રસ્તોને તરત જ મદદ અને ટ્રાફિક જૅમ પર ગંભીરતાથી ધ્યાન આપતાં તાજેતરમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં એમબીવીવી પોલીસ કમિશનર મધુકર પાંડે, ઍડિશનલ પોલીસ કમિશનર શ્રીકાંત પાઠક, નૅશનલ હાઇવે ઑથોરિટીનાં પ્રોજેક્ટ ડિરેક્ટર મુકુંદા અત્તર્ડે, ડેપ્યુટી પોલીસ કમિશનર દહીકર, મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સંભાજી પાનપટ્ટે, વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઍડિશનલ કમિશનર રમેશ મનાલે સાથે તાજેતરમાં બેઠક યોજાઈ હતી.
ADVERTISEMENT
ઈજાગ્રસ્તોને તાત્કાલિક મદદ મળે એટલે પાંચ ઠેકાણે ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા
તલાસરીથી દહિસર સુધી વર્ષે ૩૫૦થી ૪૦૦ લોકો અકસ્માતમાં જીવ ગુમાવે છે એવી જાણકારી આપતાં પાલઘર જિલ્લાના સંસદસભ્ય રાજેન્દ્ર ગાવિતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર થાણે-ઘોડબંદર અને દહિસર-ઘોડબંદર જંક્શન હોવાથી એ ભાગમાં ભારે ટ્રાફિક જૅમ જોવા મળે છે. એ ટ્રાફિકને દૂર કરવા ઉપાય યોજના કરવા પર ચર્ચા થઈ છે. એ ઉપરાંત દુર્ગા મંદિર અને રાધે કાઠિયાવાડી હોટેલ સામે ટ્રાફિક જૅમ થતો હોય છે. માર્ગ ક્રૉસ કરતી વખતે અકસ્માત થતાં મૃત્યુનું પ્રમાણ વધુ અને હિટ ઍન્ડ રન કેસ પણ થતા હોય છે. એ માટે સીસીટીવી કૅમેરા બેસાડવાની સાથે નોટિસબોર્ડની સંખ્યા વધારવી જરૂરી છે. એનએચઆઇએ નૅશનલ હાઇવે પર ઑટોમૅટિક પેનલ્ટી સિસ્ટમ કૅમેરા બેસાડવા જોઈએ, જેમાં સ્પીડમાં આવતાં વાહનો પર તાત્કાલિક ગુના દાખલ થવા જોઈએ જેથી વાહનચાલકો ગભરાઈને સ્પીડમાં વાહન ન ચલાવે. પાલઘર જિલ્લામાં અકસ્માત-મૃત્યુની સંખ્યામાં ઘટાડો કરી શકાય એ રીતે મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઇવે પર, મુંબઈ-નાશિક હાઇવે અને ઔરંગાબાદમાં સીસીટીવી કૅમેરા બેસાડ્યા છે. એવી જ રીતે મુંબઈ-અમદાવાદ હાઇવે પર બેસાડવામાં આવે એવી તાત્કાલિક માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત ઑથોરિટીએ ૪૦ ટન લિફ્ટિંગ ક્ષમતાનાં ક્રેન, પાંચ ઠેકાણે ઍમ્બ્યુલન્સ, વિરાર અથવા કાસા પાસે ફાયરબ્રિગેડ વાહનને તાત્કાલિક રાખવાનો આદેશ પણ આપ્યો છે. એથી ઘોડબંદર, કામણ ફાટા, મનોર, કાસા, અછાડ જેવી પાંચ જગ્યાએ ઍમ્બ્યુલન્સ ઊભી રાખવામાં આવશે, જેથી અકસ્માત થતાં તાત્કાલિક મદદ મળી રહે.’
વરસાદમાં પાણી ન ભરાય એ માટે ગેરકાયદે બાંધકામ પર કાયર્વાહી
નૅશનલ હાઇવે હોવા છતાં વરસાદમાં ઘૂંટણ જેટલાં પાણી ભરાઈ જતાં લોકો ઘણી સમસ્યાનો સામનો કરે છે અને યાતાયાત પ્રભાવિત થઈ જાય છે એમ કહેતાં રાજેન્દ્ર ગાવિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ-અમદાવાદ હાઇવે પર લોઢા ધામની આસપાસ ચોમાસામાં પાણી ભરાય છે. હવે પુલનું કામ પૂર્ણ થઈ રહ્યું છે. કચ્છ દરબારની બાજુનું નાળું ઊંચું થઈ ગયું છે જેને કારણે પાણી ખાડીમાં જતું નથી. માલજી પાડા, જુચંદ બાજુએ ડુંગર તરફનું પાણી રસ્તા પર આવ્યા બાદ જવાની જગ્યા ન હોવાથી હાઇવે પર વરસાદી પાણીનો ભરાવો થાય છે અને હાઇવે બ્લૉક થઈ જાય છે. રોડ સાઇડમાં આવેલી હોટેલના માલિકોએ વરસાદી પાણી જનારી તમામ ગટર અને નાળાં બ્લૉક કરી દીધાં છે અને એમાં ભરાવ નાખીને ઊંચું કરી દીધું છે જેથી વરસાદી પાણીનો નિકાલ થતો ન હોવાથી હાઇવે તળાવ જેવો બની જાય છે. જૈન શિકંજી હોટેલ સામે ગટર ખોદવી, અંબિકા પેટ્રોલ પમ્પ સામે પાણી એકઠું થતું હોવાથી અહીં ગટર બનાવવી, વૉલ્ટન હોટેલની સામે પાણી એકઠું થતું હોવાથી ગટર બનાવીને ભેગા થતા પાણીને ખાડીમાં છોડવું જેવી સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તહસીલદાર દ્વારા હાઇવે પર ગેરકાયદે બાંધકામ, હોટેલ્સને નોટિસ આપવામાં આવી હતી અને હવે એની મુદત પણ પૂર્ણ થતી હોવાથી થોડા દિવસમાં પ્રશાસન એના પર કાર્યવાહી કરી શકે છે.’
ઑથોરિટીને પ્રપોઝલ મોકલી આપ્યું છે
નૅશનલ હાઇવે ઑથોરિટીનાં પ્રોજેક્ટ ડિરેક્ટર મુકુંદા અત્તરદેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હાઇવે પરના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. સંસદસભ્યએ ઍમ્બ્યુલન્સથી લઈને કરેલી માગણીનું પ્રપોઝલ અમે ઑથોરિટીને મોકલી આપ્યું છે.’

